
કેન્દ્ર સરકારે વિપક્ષના વિરોધ વચ્ચે 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે ઉજવવાની અપીલ પાછી ખેંચી લીધી છે. અગાઉ, સરકાર હેઠળના એનિમલ વેલફેર બોર્ડે 14 ફેબ્રુઆરીએ 'ગાય હગ ડે' ઉજવવાની અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ ભારતમાં આ વખતે આ દિવસને લઈને ખાસ અપીલ કરવામાં આવી હતી, જેની ચર્ચા સોશિયલ મીડિયાથી લઈને રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) જેવા ઘણા વિરોધ પક્ષોએ 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે મનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ સરકારે હવે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.
શિવસેનાએ 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે ઉજવવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે, અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ મોદી માટે પવિત્ર ગાય સમાન જ છે.
TMC સાંસદ શાંતનુ સેને કહ્યું કે, 'ગાય હગ ડે' હિન્દુત્વનો દેખાડો અને દેશભક્તિનો દેખાડો છે, જેનો ઉદ્દેશ્ય મુખ્ય પ્રવાહના મુદ્દાઓથી ધ્યાન હટાવવાનો છે. દરમિયાન, CPI(M)ના નેતા ઈલામારામ કરીમે 'ગાય હગ ડે'ને દેશ માટે હાસ્યાસ્પદ અને શરમજનક ખ્યાલ ગણાવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રજની પાટીલે કહ્યું કે હું પણ એક ખેડૂત પરિવારમાંથી છું. હું મારી ગાયને રોજ ગળે લગાવું છું, માત્ર એક દિવસ માટે નહીં. આ પગલું બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે છે.
એનિમલ વેલ્ફેર બોર્ડે 6 ફેબ્રુઆરીના રોજ બહાર પડેલા અપીલ પત્રમાં પણ આની પાછળ દલીલો આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે આપણા જીવનને ટકાવી રાખે છે. પ્રાણી સંપત્તિ અને જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને સર્વસ્વ પ્રદાન કરનાર માતા જેવા પોષક સ્વભાવને કારણે તે 'કામધેનુ' અને 'ગૌમાતા' તરીકે ઓળખાય છે.
અહીં તમને જણાવી દઈએ કે, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા એ ભારત સરકારની સંસ્થા છે. આ સંસ્થાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રાણીઓના કલ્યાણ માટે માર્ગદર્શિકા અને નીતિઓ ઘડવામાં મદદ કરવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp