મણિપુરની ઘટના પર પહેલીવાર બોલ્યા PM- મારું હૃદય પીડા અને ક્રોધથી ભરાયું છે હું..

PC: indiatoday.in

મણીપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આખા દેશમાં રોષ દેખાઇ રહ્યો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મણિપુરની દિકરીઓ સાથે જે થયું, તેને કદી માફ ન કરી શકાય. તેમણે કહ્યું કે, મણિપુરની ઘટના પર મારું હૃદય પીડા અને ક્રોધથી ભરાયું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મણીપુરની ઘટના જે સામે આવી છે, કોઇપણ સભ્ય સમાજ માટે આ ઘટના શરમજનક છે. પાપ કરનારા, ગુનેગાર લોકો કેટલા છે, કોણ છે, તેઓ પોતાની જગ્યા પર છે. પણ આખા દેશની ઇજ્જત ખરાબ થઇ રહી છે. 140 કરોડ દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, હું દરેક મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે, તેઓ પોતાના રાજ્યમાં કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે કઠોર પગલા ઉઠાવે. ઘટના ભલે રાજસ્થાનની હોય કે, પછી છત્તીસગઢની હોય કે પછી મણીપુરની હોય. આ દેશના કોઇપણ ખૂણામાં કોઇપણ રાજ્ય સરકારમાં રાજકારણથી ઉપર આવીને કાયદા વ્યવસ્થાનું મહત્વ અને નારી સન્માન હોવું જોઇએ. હું દેશવાસીઓને ભરોસો અપાવવા માગુ છું કે, કોઇપણ ગુનેગારને છોડવામાં ન આવશે. કાયદો પોતાની શક્તિથી એક ફરી વાર પગલા લેશે. મણિપુરમાં જે દિકરીઓ સાથે આ થયું છે, એ ગુનાને કદી માફ ન કરવામાં આવશે.

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે ટ્વીટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, મારી સંવેદનાઓ એ બે મહિલાઓ પ્રતિ છે, જેમની સાથે આ અપમાન જનક અને અમાનવીય કૃત્ય થયું છે, જેવું કે કાલે સામે આવેલા આ દુખદ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. વીડિયો સામે આવવાના તરત બાદ ઘટનાનું સંજ્ઞાન લેતા મણિપુર પોલીસ એક્શનમાં આવી અને આજે સવારે પહેલી ધરપકડ કરવામાં આવી. હાલ તપાસ ચાલી રહી છે અને અમે એ સુનિશ્ચિ કરીશું કે, દરેક અપરાધીઓ વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવે. તેમાં મૃત્યુદંડની સંભાવના પર પણ વિચાર કરવામાં આવશે. આપણા સમાજમાં એવા જઘન્ય કૃત્યો માટે જગ્યા નથી.

મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી દરિંદગી પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે. કોર્ટે કેન્દ્ર અને મણિપુર સરકાર પાસેથી આ કેસમાં લેવામાં આવેલા પગલા વિશે જાણકારી માગી છે. આ કેસમાં કોર્ટ આગામી શુક્રવારના રોજ સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવાનો વીડિયો જે સામે આવ્યો છે, તે વાસ્તવમાં હેરાન કરી દે તેવો છે. બારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઇ ચંદ્રચૂળે સરકાર પાસેથી કર્યવાહી કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, આ જરા પણ સ્વીકાર્ય નથી, સાંપ્રદાયિક ઝગડાના ક્ષેત્રમાં મહિલાઓને એક ઉપકરણ તરીકે ઉપયોગ કરવું. તેમણે આગળ કહ્યું કે, વીડિયો સામે આવ્યા છે, તેનાથી તેઓ પરેશાન છે. જો સરકાર કાર્યવાહી ન કરશે તો અમે કરીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, સરકાર વાસ્તવમાં પગલા લે અને કાર્યવાહી કરે. સંવૈધાનિક લોકતંત્રમાં આ બિલકુલ સ્વીકાર્ય નથી. આ ઘટના પરેશાન કરી દે તેવી છે.

 

વડાપ્રધાન મોદી સંસદના ચોમાસુ સત્ર પહેલા મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, મને આશા છે કે, દરેક સાંસદ મળીને આ સત્રનો સદુપયોગ કરશે. સંસદની જવાબદારી છે કે ચર્ચા થાય. ચર્ચા જેટલી વધારે થશે, એટલો જ દૂરગામી પ્રભાવ પડશે. સદનમાં જે માનનીય સાંસદો આવે છે, તેઓ ધરતી સાથે જોડાયેલા છે. જનતાના દુખને સમજે છે અને તેથી જ્યારે ચર્ચા થાય છે ત્યારે તેમના તરફથી જે વિચારો આવે છે. તે મૂળથી જોડાયેલા વિચારો હોય છએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સત્રમાં જે બિલ લાવવામાં આવશે, તે જનતા સાથે જોડાયેલા હશે.

મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર સડક પર ફેરવવાનો આ વીડિયો 4થી મે એટલે કે, હિંસા શરૂ થયાના 1 દિવસ બાદનો કહેવાઇ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વિસ્તારમાં તણાવ પેદા થઇ ગયો છે. વીડિયો કાંગકોપીનો કહેવાઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ભીડ 2 મહિલાઓને નિર્વસ્ત્ર ખેતરમાં ઘસડી રહી છે.

ઇન્ડિજિનિયસ ટ્રાઇબલ લીડર્સ ફોરમનો દાવો છે કે, મહિલાઓ કુકીજો જનજાતીની હતી, જ્યારે તેમની સાથે છેડછાડ કરતી ભીડ મૈતેઇ સમુદાયની હતી. ઘટનાને એક મહિનાથી વધારે સમય થઇ ગયો છે અને 21 જૂનના રોજ FIR કરવામાં આવી હતી. IPC હેઠળ કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 અને શસ્ત્ર અધિનિયમની કલમ 25(1C) હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp