મહિને 30 હજાર કમાતી સરકારી એન્જિનિયર પાસે 7 કરોડની મિલકત મળી

PC: mptezkhabar.com

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકાયુક્ત પોલીસે ગુરુવારે વહેલી સવારે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઈન્ચાર્જ મદદનીશ ઈજનેર (કોન્ટ્રાક્ટ) હેમા મીણાના ભોપાલ, રાયસેન, વિદિશાના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, પ્રારંભિક તબક્કામાં, એન્જિનિયર હેમા મીણાની લગભગ સાત કરોડની સંપત્તિની ખબર પડી છે. હજુ લોકાયુક્તની કાર્યવાહી ચાલી રહી છે.

લોકાયુક્ત ટીમનું નેતૃત્વ કરી રહેલા DSP સંજય શુક્લાએ જણાવ્યું કે, હેમા મીણા હાઉસિંગ કોર્પોરેશન, ભોપાલમાં આસિસ્ટન્ટ એન્જિનિયર (કોન્ટ્રાક્ટ) તરીકે તૈનાત છે. વર્ષ 2020માં હેમા મીણા સામે અપ્રમાણસર સંપત્તિની ફરિયાદ મળી હતી. આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

જ્યારે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ભોપાલ ડિવિઝન (લોકાયુક્ત) ભોપાલે આ મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે, હેમા મીણાએ ભોપાલના બિલખીરિયા ગામમાં 20,000 ચોરસ ફૂટ જમીન તેના પિતાના નામે ખરીદી હતી અને તેના પર લગભગ એક કરોડ રૂપિયા ખર્ચીને બિલ્ડિંગ બનાવ્યું હતું. આ ઉપરાંત ભોપાલ, રાયસેન અને વિદિશાના વિવિધ ગામોમાં ખેતીની જમીન વગેરે ખરીદી.

આ સાથે હેમા મીણાએ હાર્વેસ્ટર, ડાંગર વાવણી મશીન, ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો પણ ખરીદ્યા. લોકાયુક્તનું કહેવું છે કે, હાલ હેમા મીણાનો માસિક પગાર લગભગ 30 હજાર રૂપિયા છે. હેમા મીણાએ જે મિલકતો ખરીદી છે, તે તેમની કાયદેસરની આવક કરતાં 232 ટકા વધુ છે. આ અંગે હેમા મીણા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ભોપાલની વિશેષ અદાલતમાંથી સર્ચ વોરંટ મેળવ્યા પછી, લોકાયુક્ત ટીમે બિલખીરિયા ખાતેના નિવાસ સહિત ત્રણ સ્થળોએ કાર્યવાહી શરૂ કરી હતી, જે હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ 5 થી 7 કરોડની સંપત્તિ શોધી કાઢવામાં આવી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ કુલ મિલકતની આકારણી કરવામાં આવશે.

લોકાયુક્ત ટીમના જણાવ્યા અનુસાર, હેમા પાસે મળેલી સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં બે-ત્રણ દિવસનો સમય લાગશે. કોન્ટ્રાક્ટ ઓફિસરની લાઈફ સ્ટાઈલ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. હેમાના બંગલામાં લાગેલા TVની કિંમત 30 લાખ હોવાનું કહેવાય છે. ફાર્મ હાઉસમાં 100થી વધુ શ્વાન પણ છે, જે મોંઘી જાતિના છે. આ કૂતરાઓને રોટલી બનાવવા માટે બંગલામાં અઢી લાખની કિંમતનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. છૂટાછેડા લીધેલી એન્જિનિયર હેમાના પિતા નાના ખેડૂત છે. હેમાના ફોર્મ હાઉસમાંથી 20 લક્ઝરી કાર અને ઘણી સરકારી મિલકતો પણ મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp