મિલકત માટે પુત્રવધૂએ પ્રેમી સાથે મળી સાસુ-સસરાની હત્યા કરી, પુરા પરિવારને ખતમ...
ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકલપુરીમાં, રવિવારે રાત્રે, મિલકતના વિવાદમાં, પુત્રવધૂએ તેના પ્રેમી સાથે મળીને વૃદ્ધ સાસુ અને સસરાની ગળું દબાવીને હત્યા કરી. આ પછી તેણે લૂંટ દરમિયાન આ ઘટનાને હત્યાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. કબાટમાંથી રૂપિયા કાઢીને રૂમમાં સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો.
DCP (ઉત્તર-પૂર્વ) જોય તિર્કીએ જણાવ્યું હતું કે, રાધેશ્યામ વર્મા (72) અને તેમની પત્ની વીણા (68) સોમવારે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમના ઘરમાંથી લગભગ રૂ. પાંચ લાખ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ગાયબ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક દંપતીની વહુ મોનિકાને બીજા સાથે લગ્નેતર સંબંધો હતા. તે તેના પ્રેમી સાથે રહેવા માંગતી હતી અને તેણે તેના પુરા પરિવારને ખતમ કરી નાખવાનો અને કિંમતી સામાન લઈને ભાગી જવાનો પ્લાન ઘડ્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાનો બોયફ્રેન્ડ અને તેનો સાથી રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરમાં ઘૂસ્યા હતા અને ટેરેસ પર છુપાયા હતા. તેણે જણાવ્યું કે, મહિલાના પ્રેમી અને તેના એક સાથીને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતી ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે અને તેમનો પુત્ર રવિ રતન તેની પત્ની મોનિકા અને તેમના છ વર્ષના પુત્ર સાથે પહેલા માળે રહે છે.
મળતી માહિતી મુજબ, હત્યા બાદ સોમવારે સવારે મોનિકા જાતે જ ઉઠીને સાસુ સસરાના રૂમમાં પહોંચી અને પોલીસને આ મામલાની જાણકારી આપી. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રે મૃતક દંપતી 72 વર્ષીય રાધેશ્યામ અને તેની પત્ની 68 વર્ષીય વીણાની વહુ મોનિકાની ધરપકડ કરી હતી. પોલીસ તેના મિત્રને શોધી રહી છે. રાધેશ્યામ સરકારી શાળામાં વાઇસ પ્રિન્સિપાલના પદ પરથી નિવૃત્ત થયા હતા અને ગોકલપુરીના ભાગીરથી વિહાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. હાલ તેઓ પત્ની વીણા સાથે કરિયાણાની દુકાન ચલાવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે મોનિકાએ એક મિત્ર સાથે મળીને પ્રોપર્ટીના વિવાદમાં સસરા રાધેશ્યામ અને સાસુ વીણાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, સોમવારે સવારે 7 વાગ્યે, તેણી તેના રૂમમાં નીચે પહોંચી અને બુમ-બરાડા પાડવા લાગી હતી. રડવાનો અને ચીસા-ચીસનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
લૂંટ દરમિયાન હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કબાટ ખુલ્લો હતો અને અંદર રાખેલા સાડા ચાર લાખ રૂપિયા ગાયબ હતા. ઘરની અંદર વસ્તુઓ વેરવિખેર પડી હતી. પોલીસને નજીકના કોઈ પર શંકા ગઈ અને પુત્ર અને પુત્રવધૂની પૂછપરછ શરૂ કરી. પોલીસ પૂછપરછ દરમિયાન મોનિકાના નિવેદનો સતત બદલાવા લાગ્યા. આ પછી પોલીસે તેની કડક પૂછપરછ કરી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે, તેણે મોડી રાત્રે તેના મિત્ર સાથે મળીને તેની સાસુ અને સસરાની હત્યા કરી હતી.
દંપતીનું ગળું કાપવા ઉપરાંત દંપતીને છાતીમાં ચાકુ પણ મારવામાં આવ્યું હતું. રાધેશ્યામની છાતી પર ચાકુના નિશાન હતા. બંને પલંગ પર પડ્યા હતા અને રાધેશ્યામનું માથું વીણાના પેટ પર હતું. રૂમમાં તેમની વચ્ચે બોલાચાલી થઈ અને પછી બંનેએ મળીને તેની હત્યા કરી નાખી. આ પછી તેઓએ થોડો સમય તેને લૂંટનો રંગ આપવાનો પ્રયાસ કર્યો.
આરોપીએ કોઈને ગંધ સુધ્ધાં ન આવવા દીધી. જો કે રમઝાન માસ હોવાથી આજુબાજુના લોકો રાત્રિના સમયે જાગી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તેના પુત્ર અને પુત્રવધૂને પણ કોઈ જાણકારી થઇ ન હતી, ત્યારબાદ પોલીસને પુત્ર-પુત્રવધુ પર શંકા ગઈ. મોનિકા લાંબા સમયથી હત્યાની તૈયારી કરી રહી હતી અને આ ઘટનામાં તેણે તેના મિત્રને પણ સામેલ કર્યો હતો.
વૃદ્ધ દંપત્તિના મોટા પુત્ર સોનુનું થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી સોનુની પત્ની તેના પિયર માં રહે છે. પડોશીઓએ જણાવ્યું કે, વૃદ્ધ દંપતી ભાગીરથી વિહારમાં છેલ્લા 38 વર્ષથી રહે છે. બંને ખૂબ જ વ્યવહારુ અને ખુશ હતા. તેમને કોઈની સાથે દુશ્મની નહોતી. ઘરનો મુખ્ય દરવાજો ગલી નંબર 13માં ખુલે છે, જ્યારે પાછળનો દરવાજો ગલી નંબર 11ની તરફ છે, જે મોટાભાગે બંધ રહે છે. મુખ્ય દરવાજાથી જ આવવા જવાનું રહે છે.
લગભગ ત્રણ મહિના પહેલા રાધેશ્યામે પોતાનું અડધું ઘર ખુર્શીદ નામના પ્રોપર્ટી ડીલરને 50 લાખ રૂપિયામાં વેચી દીધું હતું. તેણે તેના બાના પેટે (એડવાન્સ) પાંચ લાખ રૂપિયા લીધા હતા. સાડા ચાર લાખ રૂપિયા કબાટમાં રાખ્યા હતા. દીકરા અને વહુને આ વાતની જાણ હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ મિલકત અને પૈસાને લઈને મોનિકાને તેના સાસુ અને સસરા સાથે વિવાદ ચાલતો હતો. તે ઘર પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગતી હતી, જ્યારે તેના સાસુ અને સસરા આવું થવા દેતા ન હતા. જ્યારે, ઘરના પૈસા પણ તેના હાથમાં લાગતાં ન હતા.
આરોપી મોનિકાએ ઘટના માટે પાછળના દરવાજાનો ઉપયોગ કર્યો હતો. તે જાણતી હતી કે આગળના દરવાજા પાસેની શેરી મોડી રાત સુધી પ્રવૃત્તિથી ધમધમતી હતી. ત્યાં ઘણા CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તેણે તેના મિત્ર માટે દરવાજો ખોલી દીધો હતો અને ભાગી જવા માટે તે દરવાજો ફરી બંધ કર્યો ન હતો.
રાજધાનીમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે: 03 જૂન 2021-નિહાલ વિહારમાં, એક મહિલાએ તેની સૌતનને વિધવા બનાવવા માટે તેના પતિની હત્યા કરી હતી, 11 એપ્રિલ 2021-હરીશે વિજય વિહારમાં તેની પત્ની શાલુની છરી મારી હત્યા કરી, 26 ડિસેમ્બર 2020-શાહદરામાં પૈસા ન આપવા બદલ પૌત્રએ 73 વર્ષીય દાદી સતીશ જોલીની હત્યા કરી હતી, 22 મે, 2019-ફર્શ બજારમાં મિલકતના વિવાદમાં પુત્રએ તેના પિતા સંદેશ અગ્રવાલના 25 ટુકડા કર્યા, 21 એપ્રિલ, 2019-શાહદરામાં મિલકતના વિવાદમાં, બે ભાઈઓએ તેમના ભાઈ વિરેન્દ્રને માર મારીને હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp