26th January selfie contest

બીજા જન્મમાં ચોક્કસ સૈનિક બનીશ, અગ્નિવીરમાં ફેઇલ થયેલા યુવાનની સ્યૂસાઇડ નોટ

PC: thelallantop.com

સૈનિક બનીને દેશ સેવા કરવાનો જુસ્સો ધરાવતા એક યુવકે એવું લખીને આત્મહત્યા કરી લીધી છે કે તે આગામી જન્મમાં ચોક્કસ સૈનિક બનશે. ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી 22 વર્ષનો દીપુ સિંહ સેનામાં જોડાવા માટે જરૂરી 'અગ્નિવીર’ પરીક્ષા પાસ કરી શક્યો ન હતો. જેના કારણે આ યુવકનું સેનામાં જોડાવાનું સપનું પૂરું થઈ શક્યું નહીં. તેને એટલો આઘાત લાગ્યો કે તેણે પોતાનો જીવ લઈ લીધો.

જાણવા મળેલી માહિતી મુજબ મૂળ અલીગઢનો રહેવાલી દીપુ હાલમાં નોઇડા સેક્ટર 49ના બરૌલા ગામમાં રહેતો હતો. તે ઘણા સમયથી સેનામાં ભર્તી થવા માટે તૈયારી કરતો હતો. દેશ માટે સેવા કરવા સૈન્યમાં જોડાવવું તે એનું એક માત્ર લક્ષ્ય હતું. એ વાત તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં દીપુએ લખ્યું છે કે આગલા જન્મમાં હું ચોક્કસ સૈનિક બનીશ.

દીપુએ લખેલી સ્યુસાઇડ નોટમાંથી ખબર પડે છે કે તે અગ્નિવીર પરીક્ષામાં નિષ્ફળ ઝવાથી પરેશાન હતો અને સૈનિક નહીં બનવાનું દુખ તેને આત્મહત્યા સુધી દોરી ગયું. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે મેં જિંદગીમાં ક્યારેય હાર માની નથી. કોઇ વ્યકિત ખુશીથી નહી, પણ મજબુરીમાં ખોટું કામ કરે છે. જ્યારથી મેં અગ્નિવીર પરીક્ષા આપી હતી, ત્યારથી મને ડર હતો કે ક્યાંય ખરાબ માર્કસ ન આવી જાય. દીપુએ આગળ લખ્યું કે, પપ્પા, તમને મારી પાસેથી ઘણી અપેક્ષા હતી, પરંતુ હું કરી શક્યો નથી. હું છેલ્લાં કેટલાંક દિવસોથી ઉંઘી શકતો નથી.

દીપુએ આગળ લખ્યું   છે કે,મેં સેનાને મારી જિંદગી ગણી હતી, જ્યારે મને મળી નથી તો આ જીવનનો શું ફાયદો? મેં ઘણાં સપનાં જોયાં હતાં, ઘણું બધું વિચાર્યું હતું, પરંતુ મારી મહેનતનું ફળ મળ્યું નથી. મેં ચાર વર્ષ સુધી સખત મહેનત કરી, પરંતુ કંઈ પ્રાપ્ત થયું નહીં. હું મારા માતા-પિતાનું નામ રોશન કરી શક્યો નથી. જો આ જીવનમાં નહીં, તો પછીના જીવનમાં હું ચોક્કસ સૈનિક બનીશ.

દીપુના પરિવારમાં તેના માતા-પિતા, એક નાનો ભાઇ અને બે બહેન છે. તેના પિતા હરિ સિંહ મજૂરી કરે છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. દીપુના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેનું ફોકસ માત્ર સેનામાં જવાનું જ હતું. જાન્યુઆરીના અંતમાં પરિણામ જાહેર થયું હતું. પરંતુ અમને એવી કોઇ ધારણાં નહોતી કે દીપુ આવું પગલું ભરશે. સવારે તેનો ભાઇ જ્યારે ઓફીસે ગયો ત્યારે દીપુએ પોતાના રૂમમાં જઇને ફાંસી લગાવી દીધી હતી. હજુ બે દિવસ પહેલાં જ દીપુના માતા-પિતા નોઇડા તેને સાંત્વના આપવા આવ્યા હતા.કાકાએ કહ્યુ કે ,દીપુ એક હોંશિયાર છોકરો હતો અને તેણે અનેક મેડલો પણ જીત્યા હતા.

નોઇડના  DCP હરીશ ચંદ્ર્એ મીડિયાને કહ્યું હતું કે બરોલા ગામમાં એક યુવકે ફાંસી ખાઇને આપઘાત કરી લીધો છે, તેના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી છે. તેણે સ્યુસાઇડ નોટમાં તેની તસ્વીર સાથે ટ્રોફી, મેડલ અને સર્ટીફિકેટ રાખવા માટે વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp