'PM મોદી-શાહની સરમુખત્યારશાહીની હાર'-કર્ણાટકના પરિણામ પર વિપક્ષની પ્રતિક્રિયા

PC: thelallantop.com

આ વખતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચૂંટણીના પરિણામ પર નેતાઓની પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. વિપક્ષી નેતાઓએ આ ચૂંટણી પરિણામના અનેક અર્થ કાઢ્યા છે. ઉદાહરણ તરીકે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, 'કર્ણાટકનો સંદેશ એ છે કે, BJPની નકારાત્મક, સાંપ્રદાયિક, ભ્રષ્ટાચારી, સમૃદ્ધ લક્ષી, મહિલા-યુવા વિરોધી, સામાજિક-વિભાજનકારી, ખોટા પ્રચારવાળી, વ્યક્તિવાદી રાજકારણનો 'અંત સમય' શરૂ થઈ ગયો છે. આ નવા સકારાત્મક ભારતના મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર. અને અસંતુલન સામે કડક લોકાદેશ છે.' 

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પણ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું, ' પરિવર્તન માટે કર્ણાટકના લોકોએ જે નિર્ણાયક મતદાન કર્યું છે. તે બદલ તેમને શુભેચ્છા. ક્રૂર સરમુખત્યારશાહી અને બહુમતીવાદી રાજનીતિનો પરાજય થયો છે. જ્યારે લોકો લોકતાંત્રિક દળોને જીતવા માંગે છે, ત્યારે કોઈપણ કેન્દ્રીય રચના તેમની વિચારસરણીને દબાવી નથી શકતી. આ વાર્તાનો સંદેશ છે, આનાથી આવતીકાલ માટે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.' 

તમિલનાડુના CM M.K. સ્ટાલિને પણ કર્ણાટકના પરિણામો પર ટ્વિટ કર્યું. CM સ્ટાલિને લખ્યું, 'કર્ણાટકની શાનદાર જીત પર કોંગ્રેસને અભિનંદન. રાહુલ ગાંધીને સંસદમાંથી અયોગ્ય ઠેરવવા, રાજકીય વિરોધીઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ, હિન્દી ભાષા લાદવી, ભ્રષ્ટાચાર, આ બધું કર્ણાટકના લોકોના મનમાં ચાલી રહ્યું હતું. કર્ણાટકના લોકોએ કન્નડીગાના ગૌરવને જાળવી રાખ્યું છે અને BJPની બદલાની રાજનીતિને યોગ્ય પાઠ ભણાવ્યો છે.' 

તેમને વધુમાં કહ્યું કે, 'દ્રવિડ પરિવારની જમીન પરથી BJPનો સફાયો થઈ ગયો છે. હવે આવો, આપણે સૌ સાથે મળીને બધા ભારતમાં લોકતાંત્રિક અને બંધારણીય મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા માટે 2024 જીતવા માટે કામ કરીએ.' 

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ પણ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતા તેને 'PM મોદી-શાહની તાનાશાહી'ની હાર ગણાવી હતી. તેમણે કહ્યું, 'દેશમાં સરમુખત્યારશાહીની હારની શરૂઆત કર્ણાટકમાં (કોંગ્રેસની) જીત સાથે થઈ છે. આ યોગ્ય નિર્ણય માટે કર્ણાટકની જનતાને અભિનંદન. કર્ણાટકમાં હિન્દુ-મુસ્લિમ, બજરંગબલી, હિજાબ જેવા ધાર્મિક મુદ્દાઓ ચાલ્યા નહીં. કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર ચૂંટણી લડી અને જીતી. આ 2024 પહેલા વિજયની શરૂઆત છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને ખાસ અભિનંદન.' 

અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધીએ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. પરિણામોની બપોરે બહુમતનો આંકડો પાર કર્યા બાદ રાહુલ મીડિયા સાથે વાત કરવા પહોંચ્યા હતા. રાહુલે કર્ણાટકની જનતા તેમજ રાજ્યમાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, 'રાજ્યમાં નફરતનો પરાજય થયો છે.' 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp