મહિલાની હત્યા કરનાર આરોપી પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પર જવાનું નાટક કરતો હતો
દિલ્હીના મંગોલપુરીમાં એક મહિલા ફાયનાન્સરની હત્યામાં મોટો ખુલાસો થયો છે. પરિવારની નજીકનો સંબંધ ધરાવતો એક ઓટો ડ્રાઇવર જ મહિલાનો હત્યારો નિકળ્યો છે. પોલીસના શકથી બચવા આરોપી મહિલાની શોધખોળ માટે પોલીસ સ્ટેશન પણ જતો, પરંતુ આખરે પોલીસે તેને પકડી પાડ્યો હતો.
દિલ્હીમાં મીના વાઘવાન લોન ફાયનાન્સરનો બિઝનેસ કરતી હતી. પશ્ચિમિ દિલ્હીમાં નાના ફેરિયાઓને વ્યાજે પૈસા આપતી હતી. મીના વાઘવાન 2 જાન્યુઆરીથી ગુમ થઇ ગઇ હતી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મીનાના પરિવારજનોએ પોલીસમાં તેણીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મીનાના પરિવારમાં તેનો પતિ અને બે પુત્ર અને બે પુત્રી છે. મોબિન નામનો ઓટો ડ્રાઇવર છેલ્લાં 5 વર્ષથી મીનાના પરિવાર સાથે નજીકથી સંકળાયેલો હતો.
DCP હરેન્દ્ર સિંહએ જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીની રાત્રે મહિલાના પતિએ મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે માઈક્રો ફાયનાન્સર હતી. તે દરરોજ પશ્ચિમ દિલ્હીમાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવાનો ધંધો કરતી હતી. તેનો ફોન સતત બંધ આવતો હતો. સીસીટીવી ફૂટેજમાંથી પણ કોઈ સુરાગ મળ્યો નહોતો.
પોલીસે 7 જાન્યુઆરીએ પોલીસે કેસ નોંધ્યો હતો. મીનાના પરિવારે મોબીન પર શક હોવોનું કહ્યું હતું, કારણકે મીના છેલ્લે રેહાન, મોબીન અને નવિન સાથે જોવા મળી હતી. મહિલાના કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે મીના પર જે છેલ્લાં બે કોલ આવ્યા હતા તેના લોકેશન એક જ હતા. જેના આધારે પોલીસે પહેલા રીક્ષા ડ્રાઇવર મોબીનને પકડી લીધો હતો. તેણે પોતાના સાથીદારો સાથે મળીને મીનાની ઓશિકાથી ગળું દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દરમિયાન આ કેસના બીજા આરોપી નવીને કોર્ટમાં જામીન અરજી કરી હતી.
આ સાથે જ તે પોલીસ તપાસમાં જોડાયો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે અને મોબીન મહિલાને 4-5 વર્ષથી ઓળખે છે. દેવાના કારણે તેઓએ મોબીનના રૂમમાં મહિલાની હત્યા કરી હતી. તેમને 2 જાન્યુઆરીની મોડી રાત્રે નાંગલોઈ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી. તેમના કહેવા પર કબ્રસ્તાનમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા પોલીસે કબ્જે કરી છે. પોલીસે મોબીન નવીન અને રેહાનની ધરપકડ કરી છે. મોબીન રીક્ષા ડ્રાઇવર છે, નવીન ટેલર છે અને રેહાન હજામના વ્યવસાય સાથે જોડાયેલો છે. પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે એ તપાસવા કે મહિલા પર ક્યાંક રેપ તો નથી થયો ને.
આરોપીએ મહિલાને કબ્રસ્તાનમાં દફનાવી હોવાની કબુલાત પછી પોલીસે કબ્રસ્તાનને કેર ટેકર સૈયદ અલીની પુછપરછ કરી હતી. આરોપીઓએ સૈયદને આખો મામલો છુપાવવા માટે પૈસા આપ્યા હતા. પોલીસે જ્યારે સૈયદની પુછપરછ કરી ત્યારે તેણે પોલીસને ગોળ ગોળ ફેરવી હતી, પરંતુ પોલીસે કડકાઇ કરતા આખી વાત કબુલી લીધી હતી. સૈયદે મીના વાઘવાનના મોતની કબ્રસ્તાનમાં એન્ટ્રી પણ નહોતી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp