મહારાષ્ટ્રમાં આટલી મોટી જીત છતાં મહાયુતીમાં વિવાદ! શિંદે શિવસેના CMથી કેમ નારાજ?

મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત પછી પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાસક ગઠબંધનમાં 'કંઈ બરાબર નથી'ની સ્થિતિ છે. રાજ્યમાં પાલક મંત્રીના મુદ્દા પર DyCM એકનાથ શિંદે ગુસ્સે હોવાના અહેવાલો હતા. જ્યારે આ વિવાદ હવે શિવસેના વિરુદ્ધ NCP (અજીત પવાર)માં ફેરવાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ, ઉચ્ચ સ્તરીય સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો CM દેવેન્દ્ર ફડણવીસ દ્વારા અગાઉની એકનાથ શિંદે સરકારે લીધેલા નિર્ણયોને રદ કરવાના પગલાથી BJP અને શિવસેના વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે.
ઉચ્ચ પદ પર રહેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, CM બન્યા પછી, ફડણવીસે ટેન્ડર પ્રક્રિયામાં નિયમોના શંકાસ્પદ ઉલ્લંઘનને કારણે ખાનગી કંપનીઓ પાસેથી 1310 જાહેર પરિવહન બસો ખાનગી કંપનીઓ પાસેથી ભાડે લેવાના પરિવહન વિભાગના રૂ. 2000 કરોડના નિર્ણયની તપાસનો આદેશ આપ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રસપ્રદ વાત એ છે કે, તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, અધિકારીઓએ અમુક ખાનગી કંપનીઓને પ્રાધાન્ય આપ્યું હતું, જેમની પાસેથી તેમણે બસો ભાડે લીધી હતી. CM ફડણવીસે અગાઉની ટેન્ડર પ્રક્રિયા રદ કરવા અને જાહેર પરિવહન બસો માટે નવી ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત, CM ફડણવીસે શિંદે સરકારના 12,000 કરોડ રૂપિયાની 900 એમ્બ્યુલન્સ અને તબીબી સાધનો ખરીદવાના નિર્ણયની તપાસનો પણ આદેશ આપ્યો છે. રાજ્યના તત્કાલીન આરોગ્ય વિભાગના મંત્રી અને શિવસેનાના ધારાસભ્ય તાનાજી સાવંત એમ્બ્યુલન્સ ખરીદી સંબંધિત કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા હતા. અહીં પણ, ચોક્કસ કોન્ટ્રાક્ટરો અને સપ્લાયર્સની તરફેણમાં ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રોજેક્ટ્સનો ખર્ચ 9000 કરોડ રૂપિયાથી વધારીને 12000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, CM ફડણવીસે શાળાના વિદ્યાર્થીઓ માટે ગણવેશ ખરીદવાના પાછલી સરકારના નિર્ણયની તપાસનો પણ આદેશ આપ્યો છે. અગાઉ, શિવસેનાના ધારાસભ્ય અને તત્કાલીન શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકરે શાળા ગણવેશ ખરીદવા માટે એક કેન્દ્રીય એજન્સીની નિમણૂક કરી હતી.
આ ઉપરાંત, રાજ્યમાં પાલક મંત્રીઓની નિમણૂકથી શિવસેના અને BJP વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. શિવસેના ઇચ્છતી હતી કે, શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસે અને કેબિનેટ મંત્રી ભરત ગોગાવલેને અનુક્રમે નાસિક અને રાયગઢ જિલ્લાના પાલક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે. પરંતુ CM ફડણવીસે માંગણી ફગાવી દીધી અને BJPના મંત્રી ગિરીશ મહાજનને નાસિકના પાલક મંત્રી અને NCPના મંત્રી અદિતિ તટકરેને રાયગઢના પાલક મંત્રી તરીકે નિયુક્ત કર્યા. DyCM શિંદેએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કર્યા પછી, CM ફડણવીસે બંને પાલક મંત્રીઓની નિમણૂકો સ્થગિત કરી દીધી. આ અગાઉ, DyCM શિંદે ગૃહ મંત્રાલય ન મળવાથી નાખુશ હતા, જેના કારણે શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થયો હતો.
પાલક મંત્રીને લઈને ઉભા થયેલા વિવાદ પછી, MVA નેતાઓ પણ તેમના પર કટાક્ષ કરી રહ્યા છે. શરદ પવારના નેતૃત્વ હેઠળના NCP સાંસદ અમોલ કોલ્હેએ તો ત્યાં સુધી કહ્યું છે કે, શિંદેની શિવસેનામાં ભાગલા પડી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ જ કારણ છે કે DyCM શિંદે થોડા અલગ અંદાજમાં જોવા મળે છે. ઉદ્ધવ ઠાકરે સાથે થયેલી મુલાકાત પછી શિવસેના અસ્વસ્થ છે. DyCM શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેને બાળાસાહેબ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ પદ પરથી દૂર કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો છે. એટલું જ નહીં, તાજેતરમાં DyCM શિંદેએ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાને પત્ર લખીને દિલ્હી ચૂંટણીમાં સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ પગલાંને CM ફડણવીસ અને DyCM શિંદે વચ્ચે વિશ્વાસનો અભાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp