ધાર્મિક સંસ્થાઓ દ્વારા સંચાલિત ધર્મશાળામાંથી 12% GST નહીં વસૂલાયઃ CBIC

PC: news18.com

એક નિવેદનમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું હતું કે કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત ધર્મશાળાઓ દ્વારા ભાડે આપવામાં આવેલા 1,000 રૂપિયાથી ઓછા રૂમ પર GST વસૂલવામાં આવશે નહીં.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ ગુરુવારે સાંજે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'કોઈપણ ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત ધર્મશાળાઓ દ્વારા ભાડે આપવામાં આવેલા રૂમ પર GST વસૂલવામાં આવશે નહીં.'

હકીકતમાં, નાણા મંત્રાલયે આ નિવેદન એટલા માટે બહાર પડવું પડ્યું કે, રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢા સહિત અનેક ધાર્મિક સંગઠનોએ કેન્દ્રીય નાણાં મંત્રાલય પાસે માંગ કરી હતી કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓને GSTના દાયરામાંથી મુક્તિ આપવામાં આવે.

આ સંદર્ભમાં સાંસદ રાઘવ ચઢ્ઢા ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા અને અપીલ કરી હતી કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની નજીકની ધર્મશાળાઓમાંથી 12 ટકાના દરે GST વસૂલવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ સાથે મોટો અન્યાય છે અને તેના કારણે તેમનો રહેવાનો ખર્ચ ખુબ વધી જાય છે. તેથી, ધાર્મિક યાત્રા દરમિયાન ધાર્મિક સંસ્થાઓની ધર્મશાળાઓમાં રોકાતા શ્રદ્ધાળુઓને GSTમાંથી રાહત આપવી જોઈએ, જેથી કરીને તેઓ ઓછા ખર્ચે તેમની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી શકે.

અહીં તમને બતાવી દઈએ કે, 47મી GST કાઉન્સિલે ગત જૂનમાં નિર્ણય લીધો હતો કે જે હોટલોમાં 1000 રૂપિયાથી ઓછી કિંમત ધરાવતા રૂમ હોય તો તેમાં પણ રૂમ દીઠ દરેક દિવસના હિસાબે 12 ટકા GST વસૂલવામાં આવશે.

જ્યારે GST કાઉન્સિલનો આ પ્રસ્તાવ 18 જુલાઈ, 2022થી દેશભરમાં અમલમાં આવ્યો, ત્યારે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા સંચાલિત ગુરુ ગોવિંદ સિંહ NRI નિવાસ, બાબા દીપ સિંહ નિવાસ, માતા ભાગ કૌર નિવાસને મજબૂરીના કારણે, દરરોજના રૂ. 1,000 સુધીની કિંમતના રૂમો પર ભક્તો પાસેથી GST લેવો પડતો હતો. જેનો સુવર્ણ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ યોગ્ય ન હોવાનું જણાવી ઉગ્ર વિરોધ કર્યો હતો.

જો કે, આ વિવાદ પછી, નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક સંસ્થાઓ કે ધાર્મિક ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી ધર્મશાળાઓ પર GST લાગશે નહીં અને તેમની પાસેથી કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવશે નહીં.

મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ છૂટ ધાર્મિક સંસ્થાઓ અથવા ધાર્મિક ટ્રસ્ટો દ્વારા સંચાલિત ધર્મશાળાના AC રૂમ પર પણ લાગુ થશે, જેની કિંમત પ્રતિ દિવસ 1,000 રૂપિયાથી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp