ફડણવીસે હાઉસીંગ ખાતું છોડતા પહેલા અદાણીનું ભલું કરી દીધુ? કોંગ્રેસનો ગંભીર આરોપ

PC: ndtv.com

મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રુપના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અદાણી ગ્રુપે 5069 કરોડ રૂપિયાની બીડ ભરીને આ પ્રોજેક્ટ હાંસલ કર્યો હતો. એ પછી લગભગ 7 મહિનાથી આ પ્રોજેક્ટમાં મડાગાંઠ ચાલી રહી હતી.મંજરી મળ્યા પછી મુંબઇની મધ્યમાં આવેલી ધારાવીના 259 હેકટર વિસ્તારને અદાણી પ્રોપર્ટીઝ રિડેવલપ કરશે. રિયલ એસ્ટેટ બિઝનેસ માટે અદાણી ગ્રુપની આ અલગ કંપની છે.

ધારાવી એ મુંબઈનો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. તેને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવામાં આવે છે. 2.5 ચોરસ કિલોમીટરના આ વિસ્તારમાં આઠ લાખથી વધુ લોકો રહે છે. પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારના લોકોનું 7 વર્ષમાં પુનર્વસન કરવાનું છે. આ પ્રોજેક્ટ ઘણા વર્ષોથી અટવાયેલો હતો. આ પ્રોજેક્ટ અંગે બોમ્બે હાઈકોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે, જોકે હાઈકોર્ટે કોઈ સ્ટે મુક્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારનો મંજૂરીનો આદેશ 13 જુલાઈએ આવ્યો હતો. આ પ્રોજેક્ટથી 20 હજાર કરોડની આવક થઈ શકે છે.

સમાચાર એજન્સી  PTIના અહેવાલ મુજબ, બીડ ભરવાની પ્રોસેસમાં અદાણી ગ્રુપે DLF ગ્રુપને પાછળ છોડી દીધુ દીધું હતું. DLFએ આ પ્રોજેક્ટ માટે 2,025 કરોડ રૂપિયાની બીડ ભરી હતી. સરકારે પ્રોજેક્ટ હાંસલ કરનારી કંપની સામે એક શરત રાખી હતી કે  એ કંપનીનું નેટવર્થ ઓછોમાં ઓછું 20 હજાર કરોડ રૂપિયાનું હોવું જોઇએ.

શિંદે-ફડણવીસ સરકારે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ પ્રોજેક્ટ માટે ગ્લોબલ ટેન્ડર જારી કર્યા હતા. આ હરાજીની બેઝ પ્રાઇસ 1600 કરોડ રૂપિયા હતા. સાઉથ કોરિયા અને UAE સહિત કુલ 8 કંપનીઓએ હરાજી પહેલા મળેલી બેઠકમાં ભાગ લીધો હતો. પરંતુ તેમાંથી માત્ર 3 કંપનીઓએ જ બીડ ભરી હતી. અદાણી, DLF અને ત્રીજી કંપની નમન ગ્રુપ હતી, પરંતુ તેની બીડને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. આખરે અદાણી ગ્રુપ આ બીડ જીતવામાં સફળ રહી હતી.

કોંગ્રેસના સાંસદ રમેશ જયરામે આરોપ લગાવ્યો છે કે, દેવેન્દ્ર ફડણવીસે હાઉસીંગ ડિપાર્ટમેન્ટ છોડ્યા પહેલા આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. તાજેતરમાં મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણ પહેલા હાઉસીંગ વિભાગ ફડણવીસ પાસે હતો. જયરામ રમેશે આરોપ મુકતા કહ્યુ કે PM મોદીના નજીકના મિત્રને પ્રોજેક્ટ આપવા માટે ટેન્ડરની શરતોમાં બદલાવ કરવામાં આવ્યો. જેમાં કંપનીની નેટવર્થને 10 હજાર કરોડથી વધારીને 20 હજાર કરોડ કરી દેવામાં આવી હતી.

જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે હાઉસીંગ ડિપાર્ટમેન્ટ છોડતા પહેલા છેલ્લું કામ અદાણી ગ્રુપના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ગેરકાયદે ટેકઓલરને મંજૂરી આપવાનું કર્યું છે. આ પ્રોજેક્ટ 5069 કરોડનો છે જેમાં  મુંબઇની 600 એકરની મુખ્ય જમીન પણ સામેલ છે. આ પ્રોજેક્ટ પહેલા કોઇ અન્ય બીડ ભરનારને આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp