પરીક્ષા હોલમાં બેઠા નહીં ને ITBP પરીક્ષા પાસ કરી,બાયોમેટ્રિક ટેસ્ટમાં થયો ખુલાસો
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કડક દેખરેખ હોવા છતાં કાનપુરમાં ચાર વિદ્યાર્થીઓએ છેતરપિંડી કરીને ITBP સિક્યુરિટી ફોર્સની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ જ્યારે ચારેય મુન્નાભાઈ પોતાનું મેડિકલ કરાવવા ITBP સેન્ટર પહોંચ્યા ત્યારે મામલો સામે આવ્યો. બાયોમેટ્રિક ટેસ્ટ દરમિયાન તેમની ચોરી પકડાઈ ગઈ હતી કે તેમણે પરીક્ષામાં તેમની જગ્યાએ સોલ્વરનો ઉપયોગ કર્યો હતો. હાલ પોલીસે ચારેયની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. તેની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હકીકતમાં, પકડાયેલા ચારેય મુન્નાભાઈએ તેમના સોલ્વરને કારણે પરીક્ષા પાસ તો કરી હતી. પરંતુ જ્યારે તેઓ મેડિકલ માટે પહોંચ્યા ત્યારે તે પરીક્ષા કેન્દ્રના બાયોમેટ્રિક્સ સાથે મેળ ખાતો નહોતો. કારણ કે, તેમણે તેમની જગ્યાએ સોલ્વરને પરીક્ષામાં બેસાડીને પરીક્ષા પાસ કરી લીધી હતી. આ ચારેયની પોલ બાયોમેટ્રિક ટેસ્ટમાં સામે આવી હતી. આ પછી પોલીસે FIR નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, કાનપુરમાં ITBPનું એક ભરતી કેન્દ્ર છે. અહીં 27 સપ્ટેમ્બરે 32મી કોર્પ્સમાં સૈનિકોની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા થઇ ગયા પછી તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ગુરુવારે શારીરિક અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં આ ચાર વિદ્યાર્થીઓનો બાયોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારે તેમના બાયોમેટ્રિક મેચ થયા ન હતા.
જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, અભિષેક કુમાર, રામકરણ, રામદેવ અને માનવેન્દ્ર કુમાર નામના ચાર વિદ્યાર્થીઓએ તેમની જગ્યાએ પરીક્ષા અપાવવા માટે સોલ્વર્સને પૈસા આપ્યા હતા. જો કે સોલ્વર્સે તેમને પરીક્ષા તો પાસ કરાવી દીધી હતી, પરંતુ તેઓ મેડિકલ અને ફિઝિકલ દરમિયાન બાયોમેટ્રિક ટેસ્ટમાં પકડાઈ ગયા હતા. જેના પર ITBPના ડેપ્યુટી કમાન્ડર GD દંડપાલે મહારાજપુર પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક શુક્લાએ જણાવ્યું કે ડેપ્યુટી કમાન્ડરની ફરિયાદ પર ચાર આરોપીઓ અને તેમની જગ્યાએ બેઠેલા ચાર અજાણ્યા સોલ્વર વિરુદ્ધ છેતરપિંડી અને ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલામાં જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારીનું કહેવું છે કે, ચાર વિદ્યાર્થીઓએ તેમના સ્થાને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા પરીક્ષા આપી હતી. પરંતુ બાયોમેટ્રિક ટેસ્ટમાં તે પકડાઈ ગયા છે. આ ચારેયની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં જ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp