દીકરીના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા, 7 ફેરા પૂરા થયા કે તરત જ પિતાએ જમાઇ પર તલવારથી

PC: patrika.com

રાજસ્થાનમાં પ્રેમ પ્રકરણને લગતી ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે. રાજસ્થાનના આદિવાસી બહુલ ડુંગરપુર જિલ્લાના ઓબેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક વ્યક્તિએ તેની પુત્રીના લગ્ન થતાની સાથે જ તેના જમાઈ પર તલવારથી હુમલો કર્યો. જેના કારણે લગ્ન સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિની પુત્રી બે મહિના પહેલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તેની શોધખોળ કરીને પકડી લાવી હતી. ત્યાર પછી પિતાએ પોતાનું મન મારીને પુત્રીના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા. પણ તે મનમાં બદલાની ભાવના સાથે બેસી રહ્યો હતો. લગ્નમાં સાત ફેરા ફરતાની સાથે જ તેણે જમાઈને મારી નાંખવાનો પ્રયાસ કર્યો.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો ઓબેરી પોલીસ સ્ટેશન વિસ્તારના બરબોદનિયા ગામનો છે. ખરાગડા ગામના રહેવાસી ચિરાગ યાદવની જાન સોમવારે સવારે કાલુરામ યાદવની પુત્રી ભાવનાની સાથે લગ્ન કરવા માટે અહીં આવી હતી. લગ્નને લઈને બંને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લગ્નની જાન આવતાની સાથે જ દુલ્હનના પરિવારજનોએ તેનું સ્વાગત કર્યું હતું. લગ્નની જાન બેન્ડ વગાડતી અને નાચતી ગાતી કન્યાના ઘરે આવી. જાનૈયાઓની ખુબ આગતા સ્વાગતા કરવામાં આવી હતી.

લગ્નની તમામ વિધિ વર-કન્યાના પરિવારજનોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. લગ્નના 7 ફેરા પૂરા થયાના થોડા સમય પછી, સસરા કાલુરામ જમાઈ ચિરાગ યાદવને રૂમમાં લઈ ગયો. ત્યાં તેણે ચિરાગ યાદવ પર તલવાર વડે હુમલો કર્યો હતો. અચાનક હુમલો થતાં જ ચિરાગ બૂમ બરાડા પાડવા લાગ્યો હતો. વરરાજા પર હુમલાની જાણ થતાં જ ત્યાં હોબાળો મચી ગયો હતો. જ્યારે કન્યા ભાવના તેના પતિ ચિરાગને બચાવવા આવી ત્યારે પિતાએ તેના પર પણ તલવાર વડે હુમલો કર્યો હતો.

આ દરમિયાન વરરાજાને બચાવવા આવેલા તેનો ભાઈ અનુરાગ, તેના પરિવારજનો રોહિત વૈષ્ણવ પણ ઘાયલ થયા હતા. ઘટના બાદ ત્યાં ભાગ દોડ મચી ગઈ હતી. દરમિયાન કોઈએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. ઘાયલોને સાગવાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી વર પક્ષ તરફથી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવના બે મહિના પહેલા તેના પ્રેમી ચિરાગ સાથે જ ભાગી ગઈ હતી. આ અંગે પિતા કાલુરામે ઓબેરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેને શોધીને પક્ડી લાવી માં બાપને સોંપી દીધી હતી. આ પછી તેણે ચિરાગ સાથે જ લગ્ન કરવાની વાત કરી હતી. દીકરીના આગ્રહ પર એકાદ વાર પિતા રાજી તો થઇ ગયા. પરંતુ કાલુરામ તેમની પુત્રીના આ પ્રેમ લગ્નથી ખુશ ન હતા. આ કારણથી લગ્નના ફેરા થતાની સાથે જ પિતાએ બદલો લેવાની ભાવનાથી વરરાજા પર તલવાર વડે હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp