હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ડૉક્ટર દંપતી સહિત 6 લોકો જીવતા સળગ્યા

PC: twitter.com

ઝારખંડમાં ધનબાદ સ્થિત હાજરા હૉસ્પિટલમાં શુક્રવારે રાત્રે આગ લાગવાથી 2 ડૉક્ટર (પતિ-પત્ની) સહિત 6 લોકોના મોત થઇ ગયા. આ મોટા અકસ્માતમાં ડૉક્ટર દંપતી વિકાસ હાજરા અને ડૉક્ટર પ્રેમા હાજરાનું મોત થઇ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી અને ધીરે-ધીરે તેણે હૉસ્પિટલના પહેલા માળને ઝપેટમાં લઇ લીધો. જેથી હૉસ્પિટલમાં બીજા હિસ્સામાં લોકો પ્રભાવિત થયા. અકસ્માતના સમયે મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા.

આગ પર નિયંત્રણ મેળવવા માટે બાથરુમના ટબ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આગ ખૂબ વિકરાળ હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે, જીવ બચાવવા મુશ્કેલ થઇ ગયા. આ ઘટના પર મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને કહ્યું કે, ‘ધનબાદ સ્થિત હાજરા મેમોરિયલ હૉસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગથી ડૉક્ટર દંપતી ડૉ. વિકાસ અને ડૉ. પ્રેમા હાજરા સહિત સહિત 6 લોકોના મોતથી મન વ્યથિત છે. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરી શોકમગ્ન પરિવારજનોને દુઃખના આ મુશ્કેલ સમયમાં સહન કરવાની શક્તિ આપે.

આગ લાગવાની જાણકારી ફાયર વિભાગને મળી તો ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફાયર વિભાગના કર્મચારીઓએ હૉસ્પિટલની બંને તરફથી કુલ 9 લોકોને બચાવીને કાઢ્યા. આ બધાને પાસેના પાટલિપુત્ર નર્સિંગ હોમમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાના સંબંધમાં હૉસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે, હાલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાઇ રહ્યું છે. આગ લાગવા દરમિયાન ગેસ ભરેલા સિલિન્ડરને રસોઇમાંથી સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા નહિતર આ અકસ્માત વધુ ભીષણ થઇ શકતો હતો.

ઘટનાસ્થળ પર બાંકોના ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટેશનના પ્રભારી પી.કે. સિંહ અને DSP કાયદા વ્યવસ્થા અરવિંદ કુમાર બિન્હાએ મોરચો સંભાળ્યો. સુરક્ષાની સાવધાનીના ધ્યાનમાં રાખતા પ્રશાસને બાહ્ય લોકો માટે ઉપર જવા પર પ્રતિબંધ લગાવી દીધો. ફાયર વિભાગના કર્મચારીઓના જણાવ્યા મુજબ, હૉસ્પિટલમાં આગ રોકવા માટે સુરક્ષાની કોઇ ખાસ વ્યવસ્થા નહોતી. અહીં એન્ટિ ફાયર મશીન પણ સક્રિય નહોતા, એટલે ઘટનાનું કારણ સુરક્ષામાં બેદરકારી માની શકાય છે.

તો આસપાસના લોકો આ અકસ્માતથી ખૂબ ડરેલા, દુઃખી અને ચિંતિત છે. અહીં સુધી કે હૉસ્પિટલની એકદમ બાજુમાં 15-16 માળનો એક મોટો અપાર્ટમેન્ટ (એમ્પાયર, હાર્મની) પણ છે. આગ પાસેની બિલ્ડિંગ સુધી પહોંચી શકતી હતી, પરંતુ મોટા ટાવરોવાળા ઘરોમાં પણ અકસ્માતને રોકવા માટે કોઇ ખાસ વ્યવસ્થા નજરે ન પડી.

દર્દીઓના કેટલાક સંબંધી એવા પણ હતા જે, ડૉ. પ્રેમા હાજરા અને તેમના પતિ ડૉ. વિકાસ હાજરાના મોતના સમાચાર સાંભળીને હૉસ્પિટલ પહોંચ્યા. કોલકાતાથી આવેલા પરિવારના સભ્યોમાંથી એક મહિલાએ ભાવુક થઇને પોતાની વ્યથા સંભળાવી કે પ્રેમા હાજરા ગરીબોના મસીહા હતા. તેઓ બધાનું ધ્યાન રાખતા હતા, તેમના જવાથી ગરીબ દર્દીઓનું ખૂબ નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp