ડુપ્લીકેટ ચાવી-કોન્સ્ટેબલને બંધક બનાવીને જેલમાંથી ભાગનાર કેદી 17 વર્ષ પછી ઝડપાયો

PC: divyabhaskar.co.in

17 વર્ષ પહેલા જૂનાગઢ જેલમાંથી નાસી છૂટેલા કેદીને પકડવામાં ગુજરાતની સુરત પોલીસને સફળતા મળી છે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઓળખ બદલીને દિલ્લીમાં રહેતા કેદીને પકડીને જૂનાગઢ પોલીસને હવાલે કર્યો હતો. જે જેલમાંથી તે 17 વર્ષ પહેલા ભાગી ગયો હતો, હવે તેને ફરીથી તે જ જેલમાં રહેવું પડશે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા એક બાતમીદાર દ્વારા માહિતી આપતા મળી હતી. જેલમાંથી નાસી છૂટેલા આ નરાધમને પકડવા માટે પોલીસે ખૂબ જ ગુપ્ત રીતે સમગ્ર ઓપરેશન પાર પાડીને સફળતા મેળવી હતી.

દિલ્હીના ત્રિરમપુરામાં રહેતા ભુજબલ કેવટ (38)એ 2004માં સુરતના સચિન વિસ્તારમાં લૂંટને અંજામ આપ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભુજબળ કેવટે તેના સાગરિતો સાથે મળીને હથિયારોની મદદથી ઔદ્યોગિક લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ચાર્જશીટ બાદ આરોપીને સજા થઈ હતી અને ત્યારબાદ કોર્ટે તેને પાંચ વર્ષની કેદની સજા ફટકારી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો. જુનગઢ જેલમાં પહોંચેલા ભુજબલ કેવટ થોડા દિવસો સુધી સજા ભોગવીને 2006માં પોતાના સાથીઓની સાથે જેલ તોડીને ફરાર થઈ ગયો હતો.

ભુજબળ કેવટના જેલમાંથી ભાગી જવાની ઘટનામાં બેરેકના તાળાની ચાવી તેમણે કોઈક રીતે બનાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. તે ચાવી વડે તાળું ખોલીને બહાર આવ્યો હતો અને પછી જેલની છત પર પહોંચ્યો હતો, પરંતુ જ્યારે તેને ત્યાંથી ભાગવાનો મોકો ન મળ્યો ત્યારે તે તેના સાથીઓ સાથે મુખ્ય દ્વાર પર પહોંચ્યો અને ત્યાં તૈનાત કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. આમાં તેણે કોન્સ્ટેબલને ઝાડ સાથે બાંધી દીધો અને પછી ફરાર થઈ ગયો. 2006માં જૂનાગઢ જેલ તૂટી ત્યારે મામલો ખૂબ ગરમાયો હતો, પરંતુ તે પછી પોલીસ ભુજબળને પકડી શકી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે દિલ્હી જવાને બદલે પહેલા UP ગયો અને પછી પોતાની ઓળખ બદલીને દિલ્હી આવ્યો.

બાતમીદારની બાતમીના આધારે સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી ખાતે એક ટીમ મોકલી હતી અને ત્યાં ઓળખ બદલીને છુપાયેલા ભુજબળ કેવટને પકડી લીધો હતો. ટીમ બુધવારે તેને સુરત લાવી હતી. ત્યાર પછી તેને જૂનાગઢ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2006માં જૂનાગઢ જેલ તોડની ઘટનામાં કુલ ત્રણ કેદીઓ નાસી છૂટ્યા હતા. જેમાં એક કેદી પોલીસના હાથે ઝડપાયો હતો, પરંતુ બે કેદી કસ્ટડીમાં આવ્યા ન હતા. પોલીસે આ કેસમાં 17 વર્ષથી ફરાર કેદીની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp