
છત્તીસગઢના દુર્ગ જિલ્લાની હિશા બઘેલ રાજ્યની પ્રથમ મહિલા અગ્નવીર બની છે. તેની નેવી માટે પસંદગી કરવામાં આવી છે. હિશા હાલમાં ઓડિશાના ચિલ્કા ખાતે ભારતીય નૌકાદળના વરિષ્ઠ માધ્યમિક ભરતી માટે તાલીમ લઈ રહી છે. તેની આ તાલીમ માર્ચ સુધી ચાલશે, ત્યારબાદ તેને દેશની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.
ખાસ વાત તો એ છે કે, હિશાએ અગ્નિવીર બનવા માટે પોતે જાતે જ તાલીમ લીધી છે. આ માટે તે શાળાના દિવસોથી જ દરરોજ દોડ અને યોગ દ્વારા પોતાને તૈયાર કરતી હતી. હિશાની સફળતા પર તેની માતાએ કહ્યું, 'મને ખૂબ ગર્વ છે. તે ખૂબ જ મહેનતુ છે અને તાલીમ માટે સવારે 4 વાગે ઉઠી જતી હતી. અમે અમારી જમીન અને કાર વેચી દીધી અને પૈસા બાળકોના શિક્ષણ અને કેન્સરથી પીડિત મારા પતિની સારવાર માટે વાપર્યા છે.'
હિસાની માતાએ જણાવ્યું કે, પિતા સંતોષ બઘેલે બાળકોના શિક્ષણમાં કોઈ કસર છોડી નથી. તેણે કહ્યું કે, હિશાના પિતા કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. પરિવારનું ભરણપોષણ કરવા અને દીકરીને ભણાવવા માટે તેણે પોતાની ઓટો અને જમીન સુધ્ધાં પણ વેચી દીધી. પરિવારના ખર્ચને પહોંચી વળવા હિશાએ બાળકોને ટ્યુશન શીખવવાનું કામ પણ કર્યું હતું.
બીજી તરફ, અગ્નિપથ યોજનામાં હિશા બઘેલની પસંદગી પર, તેની શાળાના શિક્ષકે કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું કે અમારી શાળાની એક વિદ્યાર્થીનીને પ્રથમ મહિલા અગ્નવીર તરીકે પસંદ કરવામાં આવી છે. તે ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતી. તે રમતગમતમાં પણ સારી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તે સફળ થઈ શકી.'
હિશા દુર્ગના નાના ગામ બોરી ગારકાની રહેવાસી છે. તેણે પોતે જાતે જ અગ્નવીર બનવાની તાલીમ લીધી હતી. તેના શાળાના દિવસો દરમિયાન, તે દરરોજ સવારે દોડવા જતી હતી. તૈયારી માટે તેણે યોગનો પણ આશરો લીધો. કોલેજમાં અભ્યાસ કરતી વખતે હીશાએ NCCમાં જોડાવાનું નક્કી કર્યું. NCCની ટ્રેનિંગ દરમિયાન જ અગ્નિવીરનું ફોર્મ બહાર આવ્યું હતું અને હીશાએ તેના માટે અરજી પણ કરી હતી. ટૂંક સમયમાં તેની પસંદગી પણ થઈ ગઈ.
હિશા બઘેલે અગ્નિવીરની તૈયારી માટે ગામના યુવાનો સાથે દોડવાની પ્રેક્ટિસ કરી હતી. આવું કરનાર તે ગામની પ્રથમ અને એકમાત્ર છોકરી હતી.
ભારતીય નૌકાદળમાં અગ્નિવીર યોજના હેઠળ મહિલાઓની કુલ 560 જગ્યાઓ પર ભરતી થવાની હતી. પ્રથમ તબક્કામાં 200 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં મેરિટ અને શારીરિક કસોટીના આધારે હિશા બઘેલને છત્તીસગઢની પ્રથમ મહિલા અગ્નિવીર તરીકે પસંદ કરવામાં આવી છે. હિશાની શાળાની શિક્ષિકા અનીમા ચંદ્રકરે જણાવ્યું કે, હિશા શરૂઆતથી જ અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ હતી. હિશાની આ સિદ્ધિ જોઈને ગામની અન્ય યુવતીઓએ પણ સેનામાં જોડાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp