EDએ 8 વર્ષમાં 3000થી વધુ દરોડા પાડ્યા, નિશાના પર માત્ર વિરોધ પક્ષ: કોંગ્રેસ

PC: twitter.com/KumarVikrantS

છત્તીસગઢમાં કોંગ્રેસે કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસના નેતાઓના સ્થાનો પર EDના દરોડા પર કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસના 85માં અધિવેશન પહેલા નેતાઓ પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડા વેર અને ઉત્પીડનની રાજનીતિનું ઉદાહરણ છે. જ્યારે, કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, 2004 થી 2014 વચ્ચે UPA સરકાર દરમિયાન EDએ 112 વખત દરોડા પાડ્યા હતા, જ્યારે છેલ્લા 8 વર્ષમાં 3010 દરોડા પાડવામાં આવ્યા છે.

પવન ખેડાએ કહ્યું કે, માત્ર રાજકીય પક્ષોની વાત કરીએ તો 95 ટકા દરોડા વિરોધ પક્ષના નેતાઓ પર જ પડ્યા છે. તેમણે કહ્યું કે, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરવામાં આવી હતી. હવે જ્યારે અમારું સંમેલન થવાનું છે ત્યારે છત્તીસગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હવે EDનો અર્થ (Eliminating Democracy) લોકશાહીને ખતમ કરવાનો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે વ્યાખ્યાઓ અને પરંપરાઓ બદલી નાંખી છે.

કોંગ્રેસના નેતા પવન ખેરાએ 2014થી વિપક્ષી પાર્ટીઓ પર EDના દરોડાના આંકડા આપતા કહ્યું કે, કોંગ્રેસ પર 24, TMC પર-19, NCP પર-11, શિવસેના પર-8, DMK પર-6, RJD પર-5, BSP પર-5, PDP પર-5, INLD પર-3, YSRCP પર-2, CPM પર-2, નેશનલ કોન્ફરન્સ પર-2, PDP પર-2, AIADMK પર-1, MNS પર-1 અને SBSP પર-1 વખત છાપામારી કરવામાં આવી છે.

તેમણે છત્તીસગઢમાં જે નેતાઓ પર EDએ દરોડા પાડ્યા હતા તેમના નામ પણ રાખ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ રામ ગોપાલ અગ્રવાલ, દેવેન્દ્ર યાદવ, ગિરીશ દેવાંગન, RP સિંહ, વિનોદ તિવારી અને સની અગ્રવાલ પર EDના દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે પવન ખેડાએ કહ્યું કે, અમારી શાલીનતાને અમારી નબળાઈ ન સમજો, તે અમારું ઘરેણું છે. તેમણે કહ્યું કે, અમે પણ જ્યારે સત્તામાં આવીશું ત્યારે ઘણું બધું બતાવી શકીશું.

EDના દરોડા પર સવાલ ઉઠાવતા પવન ખેડાએ કહ્યું કે, BJP હિમંતા બિસ્વા સરમા સામે પણ ઘણા કાગળો લહેરાવતી હતી, પરંતુ આજે તે સાફસૂથરો અને સુંદર તરીકે ઉભરી આવ્યો છે. પશ્ચિમ બંગાળના શુભેન્દુ અધિકારી, કર્ણાટકના BS યેદિયુરપ્પા, રેડ્ડી બ્રધર્સ, નારાયણ રાણે, મુકુલ રોય જેવા નામોની યાદી છે. તેમણે કહ્યું કે મીડિયા જો કોઈ વસ્તુ પ્રકાશિત કરે છે તો તેના પર છાપો મારવામાં આવે છે, જ્યારે વિપક્ષ સંસદમાં પ્રશ્નો પૂછે છે ત્યારે તે નિવેદનને હટાવી દેવામાં આવે છે, કાયદા મંત્રી ખુલ્લેઆમ ન્યાયતંત્ર પર ટિપ્પણી કરે છે.

જયરામ રમેશે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ PM નરેન્દ્ર મોદીના હાથમાં વિપક્ષો સામે એક હથિયાર બની ગયું છે. તેમણે કહ્યું કે ED નિષ્પક્ષ રીતે કામ કરી રહી નથી. જ્યારે, આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ED દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં 95 ટકા વિપક્ષી નેતાઓ છે અને મોટાભાગના કોંગ્રેસના નેતાઓની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, રાયપુરમાં કોંગ્રેસના સંમેલન પહેલા PM મોદી સરકાર વતી EDનો દુરુપયોગ કરીને છત્તીસગઢના અમારા કોંગ્રેસી નેતાઓ પર દરોડા પાડવો એ BJPની કાયરતા દર્શાવે છે.

ખડગેએ કહ્યું કે, અમે આ કાયરતાવાળી ધમકીઓથી ડરવાના નથી. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાની જોરદાર સફળતાને કારણે BJPની બેચેની દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, જો PM મોદીમાં ઈમાનદારી હોય તો તેમણે પોતાના ખાસ મિત્રના મોટા કૌભાંડો પર દરોડા પાડવા જોઈએ. તેમણે કહ્યું કે, લોકતંત્રને કચડી નાખવાના આ પ્રયાસનો અમે મજબૂતીથી સામનો કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp