CM મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, પીઠ અને ઘૂંટણમાં ઇજા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું મંગળવારે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. હવામાન ખરાબ થવાના કારણે ઉત્તરી બંગાળમાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ કરાવવામાં આવ્યું. તેમનું હેલિકોપ્ટર જલવાઈગુડીથી ઉડાન ભરીને બાગડોગરા જઈ રહ્યું હતું. દરમિયાન સાલુગાડા સ્થિત આર્મી એરબેઝ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. તપાસ માટે મમતા બેનર્જીને કોલકાતા એરપોર્ટથી ડાયરેક્ટ કોલકાતાના SSKM હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જણાવી દઇએ કે, મમતા બેનર્જીને તેમના હેલિકોપ્ટરના આપાતકાલીન લેન્ડિંગ દરમિયાન ઈજા પહોંચી હતી. કોલકાતા એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને કોલકાતાની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સુત્રોના જણાવ્યા અનુસાર, ઝટકા દરમિયાન મમતાની પીઠ અને ઘૂંટણમાં ઇજા પહોંચી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલી સંબોધિત કર્યા બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર જે સમયે બૈકંઠપુર ફોરેસ્ટ એરિયાની ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે જ હવામાન ખરાબ થઈ ગયુ, આ કારણે તેમના હેલિકોપ્ટરે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું. મુખ્યમંત્રી મમતા બેનર્જી પંચાયત ચૂંટણી માટે રાજ્યના ઉત્તરી હિસ્સામાં અનેક ક્ષેત્રોનો પ્રવાસ કરી રહ્યા છે. રાજ્યમાં પંચાયત ચૂંટણી માટે મતદાન 8 જુલાઈએ થશે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા હિંસાનો દોર જોવામાં આવ્યો. કૂચબિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ હિંસા થઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું કે, અહીં TMCના બે જૂથની એકબીજા સાથે અથડામણ થઈ. આ દરમિયાન એક TMC કાર્યકર્તાનું ગોળી લાગવાથી મોત પણ થઈ ગયુ. ઘણા કાર્યકર્તા ઇજાગ્રસ્ત પણ થયા. બંગાળમાં 8 જુલાઈએ પંચાયત ચૂંટણી માટે વોટિંગ થવા જઇ રહ્યું છે. વોટિંગ પહેલા નામાંકન દરમિયાન રાજ્યભરમાંથી હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. હિંસાની આ ઘટનાઓમા ઘણા લોકો જીવ પણ ગુમાવી ચુક્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, દિનહાટાના જરીધલ્લામાં મંગળવારે સવારે આ હિંસા ફેલાઇ. અહીં બે જૂથ એકબીજા સાથે લડ્યા. ત્યારબાદ ગોળીબારી પણ થઈ. જાણકારી અનુસાર, 5 લોકો ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એક બાબૂ હકનું મોત થઈ ગયુ. આ સ્થાન આંતરરાષ્ટ્રીય સીમા પર જિલ્લાની સૌથી નજીકમાં છે. અહીં પહોંચવાનું સાધન માત્ર હોડી છે. એટલું જ નહીં, આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઘટનામાં સ્થાનિક નેતાઓ દ્વારા બાંગ્લાદેશી અપરાધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જોકે, હવે સ્થિતિ કાબૂમાં છે. પોલીસે મામલો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp