26th January selfie contest

8 વર્ષમાં દેશમાં દર ત્રીજી ગાડી ઇલેક્ટ્રિક હશે, અત્યાર સુધી 13 લાખ EV રજીસ્ટર

PC: blog.ipleaders.in

ગ્રીન એનર્જી પર ફોકસ અને મોઘા થઇ રહેલા પેટ્રોલ ડીઝલના કારણે વિશ્વ ભરમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સની ડિમાન્ડ વધી રહી છે. ભારતમાં સરકાર દ્વારા મળી રહેલી સબસીડી પણ ઇલેક્ટ્રિક વેહિકલ્સની માગને ઝડપી બનાવી રહી છે. પાછલા કેટલાક મહિના દરમિયાન આગ લાગવાની ઘટનાઓ સામે આવ્યા બાદ માગ પર જરૂર અસર પડી છે, પણ આવનારા વર્ષોમાં સ્થિતિ સુધરવાની આશા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2030 સુધીમાં ભારતમાં વેચાનારી દર ત્રીજી ગાડી ઇલેક્ટ્રિક હશે.

ક્લાઇમેટ એન્ડ એનર્જી થિંકટેન્ક ‘કાઉન્સીલ ઓન એનર્જી, એનવાયર્નમેન્ટ એન્ડ વોટર(CEEW)’ની એક તાજી સ્ટડી અનુસાર, વર્ષ 2030 સુધીમાં નવી વેચાનારી ગાડીઓમાં ઇલેક્ટ્રિક ગાડીઓની હિસ્સેદારી વધીને 30 ટકા પર પહોંચી જશે. તેના 20 વર્ષ બાદ એટલે કે વર્ષ 2050 સુધીમાં તો કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોની હિસ્સેદારી 75 ટકા પર પહોંચી જશે. સ્ટડી અનુસાર, વર્ષ 2030 સુધી નવા ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં 50 ટકા ઇલેક્ટ્રિક હશે. નવા થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર્સના મુદ્દે ઇલેક્ટ્રિક વાહનોની હિસ્સેદારી 25 ટકા જેટલી રહેશે.

CEEWની સ્ટડીમાં કહેવાયું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચાર્જીંંગની માળખાગત સંરચના તૈયાર કરવામાં જોર શોરથી રોકાણ કરવું પડશે. તે સિવાય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ગ્રોથને સપોર્ટ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ લોકલ સપ્લાઇ ચેનના ડેવલપમેન્ટ પર પણ ઇનવેસ્ટ કરવું પડશે.

કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આ સપ્તાહે રાજ્યસભામાં કહ્યું કે, અત્યાર સુધી દેશમાં લગભગ 13 લાખ ઇલેક્ટ્રિક વાહનો રજિસ્ટર થયા છે. તેમણે એ પણ કહ્યું કે, આ આંકડામાં આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વીપમાં રજિસ્ટર્ડ વાહન શામેલ નથી. તેમણે કહ્યું કે, ફેમ-2 યોજના હેઠળ 68 શહેરોમાં કુલ 2877 સાર્વજનિક ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન આવંટિત કરવામાં આવ્યા છે. તે સિવાય 9 એક્સપ્રેસવે અને 16 હાઇવેના કિનારા પર 1576 ઇવી ચાર્જીંંગ સ્ટેશન લગાવવાની મંજૂરી આપવામાં આવી છે.

વાહન4 પર હાજર આંકડા અનુસાર, અત્યાર સુધી દેશમાં 13,34,385 ઇલેક્ટ્રિક વેહિકલ રજિસ્ટર થયા છે. વાહન પોર્ટલ પર હાલ આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપના આંકડા અપડેટેડ નથી. ગડકરીએ સંસદમાં એ પણ દાવો કર્યો છે કે, આ વર્ષે 14મી જુલાઇ સુધી દેશમાં 2826 સાર્વજનિક ઇવી ચાર્જીંગ સ્ટેશન કામ કરી રહ્યા હતા. એક અલગ સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે, ભારતમાં અત્યાર સુધી 27,25,87,170 વાહન રજિસ્ટર્ડ છે. આ 207 દેશોના કુલ 2,05,81,09,486 રજિસ્ટર્ડ વાહનોના 13.24 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp