પિતાની અંતિમયાત્રા પાછળ-પાછળ મારો ભાઈ.., પ્રિયંકાએ રાહુલ વિશે સંભળાવી જૂની કહાની

PC: livehindustan.com

પ્રિયંકા ગાંધીએ રાજઘાટ પરથી PM નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ સંકલ્પ સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું કે, મારા પરિવારે પોતાના લોહીથી આ દેશની લોકશાહીનું સિંચન કર્યું છે. આ સાથે પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ગાંધી પરિવારના અપમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ રાજઘાટ પર આ વિશે એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, વર્ષ 1991માં મારા પિતાની અંતિમયાત્રા તીન મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. મારી માતા સાથે, મારા ભાઈ સાથે, અમે કારમાં બેઠા હતા અને અમારી સામે ભારતીય સેનાની ફૂલોથી લદાયેલી ટ્રક હતી. તેની ઉપર મારા પિતાનો મૃતદેહ હતો. જ્યારે કાફલો થોડે દૂર ગયો ત્યારે રાહુલે કહેવાનું શરૂ કર્યું કે, મારે નીચે ઉતરવું છે, ત્યારે મારી માતાએ ના પાડી, કારણ કે સુરક્ષાનો મોટો મુદ્દો હતો.

આ પછી પ્રિયંકાએ કહ્યું, રાહુલ કારમાંથી નીચે ઉતર્યો અને સેનાની પાછળ જવા લાગ્યો. ધોમધખતા તાપમાં પિતાની અંતિમયાત્રાની પાછળ-પાછળ ચાલીને અહીં પહોંચ્યો હતો. મારા ભાઈએ મારા શહીદ પિતાના અંતિમ સંસ્કાર આ સ્થળથી લગભગ 500 ગજ દૂર કર્યા હતા.

એ ચિત્ર આજે પણ મારા મગજમાં છે. મારા પિતાનું શરીર આ ત્રિરંગામાં લપેટાયેલું હતું. તેની પાછળ-પાછળ ચાલતો મારો ભાઈ અહીં સુશી આવ્યો. શહીદ પિતાનું સંસદમાં અપમાન થાય છે. તમે શહીદના પુત્રને દેશદ્રોહી અને મીર જાફર કહો છો, તેની માતાનું અપમાન કરો છો. તમે (કેન્દ્ર સરકારના) મંત્રીઓ સંસદમાં મારી માતાનું અપમાન કરો છો. એક મંત્રી કહે છે કે રાહુલ ગાંધીને ખબર નથી કે તેમના પિતા કોણ છે. આગળ, પ્રિયંકાએ કહ્યું, 'PM ગાંધી પરિવાર માટે કહે છે, તેઓ શા માટે નહેરુ અટકનો ઉપયોગ કરતા નથી? તમારી સામે તો કોઈ કેસ નથી કરતુ, તમારૂ સભ્યપદ રદ કરવામાં નથી આવતું.'

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પ્રિયંકાએ કહ્યું કે, એક પુત્ર તેના પિતાના મૃત્યુ બાદ પરિવારની પાઘડી પહેરે છે અને પરંપરાને આગળ ધપાવે છે. સરકારના લોકો અપમાન કરે છે, પરંતુ તેમની સામે કોઈ કેસ નથી, તેમને સજા થતી નથી. કોઈ તેમને સંસદમાંથી બહાર કાઢતું નથી. તેમને કોઈ કહેતું નથી કે તેઓ વર્ષો સુધી ચૂંટણી નહિ લડી શકે.

પ્રિયંકાએ કહ્યું, તેઓ અમારા પરિવારનું અપમાન કરતા રહ્યા. સંસદમાં મારા ભાઈએ PM મોદીજીને ગળે લગાવીને કહ્યું કે, હું તમને નફરત નથી કરતો. આપણી વિચારધારા અલગ છે, પણ આપણી નફરતની વિચારધારા નથી.'

શું આ દેશની પરંપરા છે? જો તમે કુટુંબવાદી કહો તો ભગવાન રામ કોણ હતા? ભગવાન રામને વનવાસમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેમના પરિવાર અને પૃથ્વી પ્રત્યેની તેમની ફરજ નિભાવી હતી. તો શું ભગવાન રામ પરિવારવાદી હતા? શું પાંડવો પરિવારવાદી હતા જેઓ તેમના પરિવારના મૂલ્યો માટે લડ્યા હતા? શું આપણને શરમ આવવી જોઈએ કે, આપણા પરિવારના સભ્યો આ દેશ માટે શહીદ થયા.

વાસ્તવમાં પ્રિયંકા ગાંધીએ આ બધું કોંગ્રેસના એક દિવસીય 'સંકલ્પ સત્યાગ્રહ' દરમિયાન કહ્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ આજે રાજઘાટ પાસે સત્યાગ્રહ કરી રહી છે. આ સત્યાગ્રહ દ્વારા કોંગ્રેસના તમામ નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સત્યાગ્રહ રાહુલની સંસદમાંથી સદસ્યતા રદ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે રાહુલ ગાંધીની સંસદમાંથી સદસ્યતા રદ કરવામાં આવી હતી. આના એક દિવસ પહેલા રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. સુરત સેશન્સ કોર્ટે તેના એક નિવેદન માટે તેને દોષિત ઠેરવ્યો હતો. તેમજ કોર્ટે રાહુલની જેલની સજાને એક મહિના માટે સ્થગિત કરી હતી. જો કે તેની પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે.

કોર્ટનો નિર્ણય આવ્યાના એક દિવસ બાદ લોકસભા સચિવાલયે નિયમ મુજબ કાર્યવાહી કરી હતી. લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ હતા. રાહુલનું નામ લોકસભાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.

હકીકતમાં, વર્ષ 2019માં, કર્ણાટકમાં એક જાહેર સભા દરમિયાન, રાહુલ ગાંધીએ 'મોદી' અટકને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, 'બધા ચોરની અટક મોદી કેમ છે?' આ નિવેદન બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ અને કોર્ટે રાહુલને દોષિત માનીને બે વર્ષની સજા ફટકારી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp