અયોધ્યા, બારાબંકી, સુલતાનપુરમાં સાયકો સિરિયલ કિલરનો ભય, વૃદ્ધાઓને નિશાન બનાવે છે

PC: indiatoday.in

આ દિવસોમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા, બારાબંકી અને સુલતાનપુર જિલ્લામાં એક સાયકો સિરિયલ કિલરને લઈને ગભરાટનો માહોલ છે. અયોધ્યા અને બારાબંકી જિલ્લાની સરહદ પર સ્થિત રામ સનેહી ઘાટ પર એક પછી એક ત્રણ મહિલાઓની હત્યા બાદ પોલીસે શંકાસ્પદ હત્યારાનો સ્કેચ જાહેર કર્યો છે અને લોકોને તેના વિશે માહિતી આપવા અપીલ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સાયકો સિરિયલ કિલર ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવે છે અને તેમની હત્યા કરે છે. આ હત્યારાને પકડવા માટે બારાબંકી પોલીસે 6 ટીમ બનાવી છે. હાલમાં તો  પોલીસકર્મીઓને આના વિશે કશું હાથ લાગ્યું નથી. જ્યારે, આ હત્યારા માટે 25,000 રૂપિયાના ઈનામની જાહેરાતના પણ સમાચાર છે. સિરિયલ કિલરે ત્રણ જિલ્લાના પોલીસકર્મીઓની ઉંઘ ઉડાડી દીધી છે.

છેલ્લા એક મહિનામાં એક જ પેટર્નથી ત્રણ વૃદ્ધ મહિલાઓની હત્યા કરનાર સીરિયલ કિલર UP પોલીસને પરેશાન કરી રહ્યો છે અને ઘણા જિલ્લાની મહિલાઓ અને તેમના પરિવારોને ડરાવી રાખ્યા છે. આ સીરિયલ કિલરનો સ્કેચ બનાવીને પોલીસ તેને પકડવામાં મદદ કરવા માટે લોકોને અપીલ કરી રહી છે. જોકે, આ સ્કેચ પણ હત્યારાના વીડિયોમાંથી કાઢવામાં આવેલી ઝાંખી તસવીરના આધારે બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બારાબંકીના SP દિનેશ સિંહે આ કેસના તપાસ અધિકારીને પણ બદલી નાંખ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સીરિયલ કિલરનો પ્રથમ શિકાર બનેલી મહિલાનો મૃતદેહ 6 ડિસેમ્બરે અયોધ્યા જિલ્લામાંથી મળી આવ્યો હતો. 17 ડિસેમ્બરે બારાબંકીમાં બીજી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે ત્રીજો મૃતદેહ 30 ડિસેમ્બરે બંને જિલ્લાની સરહદ નજીક રામસનેહી ઘાટ કોતવાલીથી ત્રણ કિલોમીટર દૂર એક ખેતરમાંથી મળી આવ્યો હતો. અયોધ્યા અને બારાબંકી જિલ્લાની પોલીસે પોતપોતાના વિસ્તારોમાં તપાસની શરૂઆત કરી દીધી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ મુજબ ત્રણેયની હત્યામાં પણ એક જેવી જ પેટર્ન બહાર આવી છે. જ્યારે, જીવ ગુમાવનાર મહિલાઓની ઉંમર પણ લગભગ સમાન 60, 55 અને 62 વર્ષની છે. ત્રણેય મહિલાઓ હત્યાના એક દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્રણેયના મૃતદેહ પર કપડા નહોતા. તેના ચહેરા અને માથા પર ઘા હતા. ત્રીજી મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બળાત્કાર અને ગળું દબાવીને મારી નાંખ્યાનો મામલો સામે આવ્યો છે. બીજી બે મહિલાઓ વિશે પણ આ જ વાત કહેવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp