સતત 5 વર્ષથી ઇન્ટરનેટ બંધ રાખવા મામલે ભારત દુનિયામાં નંબર -1

PC: thewire.in

દુનિયાભરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાના મામલામાં સતત પાંચમાં વર્ષે ભારત સૌથી આગળ છે. ઈન્ટરનેટ સર્વિસ ઠપ્પ થવાને લઈને મંગળવારે જાહેર કરવામાં આવેલા એક ગ્લોબલ રેંકિંગ રિપોર્ટમાં ભારત આ વર્ષે પણ પહેલા નંબર પર રહ્યું છે. ઈન્ટરનેટ એડવોકેસીના ક્ષેત્રમાં કામ કરનારી એજન્સી એક્સેસ નાઉ અને કીપ ઈટઓન ના સંયુક્ત રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ભારતમાં સૌથી વધુ વાર ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકારે વિરોધ-પ્રદર્શનો, પરીક્ષા અને ચૂંટણી સહિત ઘણા કારણોસર ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપ્યા હતા.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2016 બાદથી દુનિયાભરમાં કરવામાં આવેલા ઈન્ટરનેટ શટડાઉનના કુલ મામલામાં આશરે 58 ટકા એકલા ભારતમાં થયા હતા. દુનિયાભરમાં ગત વર્ષ 2022માં ઈન્ટરનેટ શટડાઉન થવાના કુલ 187 મામલા સામે આવ્યા હતા. તેમા 84 મામલા એકલા ભારતમાં સામે આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં સૌથી વધુ 49 વાર ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જમ્મૂ કાશ્મીરમાં વર્ષ 2022માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વચ્ચે અથવા બે મહિનામાં જ એક પછી એક 16 વાર ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. તેમજ, રાજસ્થાનમાં અલગ-અલગ અવસરો પર 12 વાર ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં 7 વાર ઈન્ટરનેટ શટડાઉનનો આદેશ આપવામાં આવ્યો હતો.

વર્ષ 2021માં ખેડૂત આંદોલન દરમિયાન રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ શટડાઉન કરવામાં આવ્યું હતું. તે વર્ષે દુનિયાભરમાં કુલ 30 હજાર કલાક માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. તેનાથી 5.45 બિલિયન ડૉલર એટલે કે આશરે 40300 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતું. આ સાથે જ દુનિયાભરમાં ઈન્ટરનેટ શટડાઉન થવાથી 5.9 કરોડ લોકો પર ખરાબ અસર થઈ હતી. નુકસાન ઝેલવાના મામલામાં ભારત દુનિયાભરમાં ત્રીજા નંબર પર હતું. વર્ષ 2021માં ભારતમાં કુલ 1157 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું હતું.

રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2016 બાદથી સતત ઈન્ટરનેટ શટડાઉન કરવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં દૂરસંચાર સેવાઓના અસ્થાયી સસ્પેન્શન (સાર્વજનિક આપાતકાલ અથવા સાર્વજનિક સુરક્ષા) નિયમ, 2017 અંતર્ગત ઈન્ટરનેટ શટડાઉનના આદેશ આપવામાં આવે છે. DoT તરફથી બનાવવામાં આવેલા નિયમો કહે છે કે, ઈન્ટરનેટનું અસ્થાયી સસ્પેન્શન સાર્વજનિક આપાતકાલ અથવા સાર્વજનિક સુરક્ષાના કારણે હોઈ શકે છે. દેશમાં ઈન્ટરનેટ શટડાઉનનો અધિકાર કેન્દ્રીય અને રાજ્ય સ્તર પર ગૃહ મંત્રાલયની પાસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp