છેવટે પાઇલટ માની ગયા! CM ગેહલોતના કર્યા વખાણ, ચૂંટણીમાં રેકોર્ડ તોડવાનો દાવો

PC: hamaramahanagar.net

રાજધાની દિલ્હીમાં ગુરૂવારે કોંગ્રેસની એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના કોંગ્રેસના કુલ 29 નેતાઓએ હાજરી આપી હતી. રાજસ્થાનના રાજકારણમાં રસ ધરાવતા લોકો સવારથી જ આ બેઠક પર નજર રાખી રહ્યા હતા. હકીકતમાં રાજસ્થાનમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કર્ણાટકમાં સરકાર બન્યા પછી કોંગ્રેસનો ઉત્સાહ વધારે છે. કોંગ્રેસ હવે રાજસ્થાનમાં સરકારનું પુનરાવર્તન કરવાની યોજના બનાવી રહી છે. જો કે, હાઈકમાન્ડ સામે એક બહુ મોટો પડકાર હતો, સચિન પાયલટ અને CM અશોક ગેહલોત વચ્ચે વધતો વિવાદ. માનવામાં આવી રહ્યું હતું કે, આ બેઠક પછી બંને દિગ્ગજ નેતાઓ વચ્ચેનો ખટરાગ ખતમ થઈ જશે. આ બેઠક પછી હવે રાજ્યના પૂર્વ DyCM સચિન પાયલટનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન સાંભળીને એવું માનવામાં આવી રહ્યું છે કે, હાઈકમાન્ડે નારાજ પાયલોટને મનાવી લીધા છે.

સચિન પાયલટે કહ્યું, 'અમારી ચર્ચા લગભગ ચાર કલાક સુધી ચાલી. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. રાજસ્થાનમાં પચીસ વર્ષથી એક વખત BJP અને એક વખત કોંગ્રેસના ચાલતા ચક્રનો અંત કેવી રીતે કરવો અને ફરીથી કોંગ્રેસની સરકાર કેવી રીતે બનાવવી તે અંગે ખૂબ જ અર્થપૂર્ણ અને વ્યાપક ચર્ચા થઈ હતી.'

સચિન પાયલોટે આગળ કહ્યું, 'અમે બધા મુદ્દાઓ પર ખુલ્લા મનથી ચર્ચા કરી. બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આવનારા મહિનાઓમાં વધુ મહેનત કરીને અમે અમારી સરકારનું પુનરાવર્તન કરી શકીશું.' CM અશોક ગેહલોતનું નામ લીધા વિના તેમના વખાણ કરતા પાયલોટે કહ્યું, 'અમારી સરકારે રાજસ્થાનની અંદરના જે મુદ્દાઓ હતા તેના પર કામ કર્યું છે, અમારા કાર્યકર્તા લોકોને સરકારના કામ વિશે જણાવશે. અમારું સંગઠન, નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ, બધા લોકો સાથે મળીને કામ કરશે. અમારા બધાનો ઉદ્દેશ્ય એ છે કે, ફરીથી કોંગ્રેસની સરકાર કેવી રીતે બનાવવી.'

ચૂંટણીની આગાહી કરતા સચિન પાયલટે કહ્યું, 'મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન... વર્ષ 2018માં કોંગ્રેસ પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં જીત મેળવી હતી. આ વખતે ફરી એવું જ થવાનું છે. અમે જંગી બહુમતી સાથે સરકાર બનાવીશું. અને તેની અસર 2024ની લોકસભા ચૂંટણી પર પણ પડશે.'

સચિન પાયલટ અને CM અશોક ગેહલોત વચ્ચેનો અણબનાવ કોઈનાથી છુપાયેલો નથી. બંને નેતાઓએ ઘણી વખત એકબીજા પર 'શબ્દ તીર'નો ઉપયોગ કર્યો છે. ગયા મહિને સચિન પાયલોટ પણ CM અશોક ગેહલોતને સવાલ પૂછીને ઉપવાસ પર બેઠા હતા. નારાજ પાયલોટે રાજસ્થાન સરકાર વિરુદ્ધ યાત્રા પણ કાઢી હતી. હાઈકમાન્ડે મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથને બંને નેતાઓ વચ્ચે બધું ઠીક કરવાની જવાબદારી સોંપી હતી. જોકે, કમલનાથને મળ્યા પછી પણ પાયલટની નારાજગી યથાવત રહી હતી.

રાજસ્થાનમાં થોડા મહિના પછી ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા દિલ્હીમાં યોજાયેલી આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. મીટિંગ પછી પાઈલટનું વલણ નરમ દેખાયું. તેમણે CM ગેહલોત પર પ્રહાર નથી કર્યા, પરંતુ તેમણે રાજ્ય સરકારના કામની પ્રશંસા કરી છે. આવી સ્થિતિમાં હવે હાઈકમાન્ડે પાઈલટને મનાવી લીધા હોવાનું માનવામાં આવે છે. પાયલોટની નારાજગી કઇ પરિસ્થિતિઓમાં દૂર કરવામાં આવી તે હજુ બહાર આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp