
બિહારમાં લોખંડનો પુલ અને રેલ એન્જિન બાદ હવે મધુબની જિલ્લામાંથી ચોરીનો વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં પંડૌલ સ્ટેશન પાસે દોઢ કિલોમીટરના અંતરે બનેલો રેલવે ટ્રેક કાપીને વેચવામાં આવ્યો હતો. આ ઘટના બાદ રેલવે બોર્ડના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લોહટ સુગર મિલના પરિસરમાં ફેલાયેલા કાટમાળને હટાવવાની આડમાં ખાનગી એજન્સીના કેટલાક કર્મચારીઓએ રેલવે ટ્રેક વેચી દીધો છે.
હકીકતમાં, લગભગ ત્રણ દાયકા પહેલા સુધી મધુબની જિલ્લામાં લાખો પરિવારોના ચહેરા પર સ્મિત ફેલાવનારી લોહટ સુગર મિલ હવે ઈતિહાસ બની ગઈ છે. પરંતુ મિલના પરિસરમાં ફેલાયેલો કાટમાળ હટાવવાની આડમાં ખાનગી એજન્સીના કેટલાક કર્મચારીઓએ સુગર મિલ પાસેના રેલવે ટ્રેકને પણ કાપીને વેચી દીધો હતો. આવા સંજોગોમાં વિસ્મૃતિમાં ખોવાયેલી લોહટ સુગર મિલ ફરી એકવાર ચર્ચામાં છે.
લોહટ સુગર મિલના નિવૃત્ત કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, લોહટ સુગર મિલ સુધી શેરડી પહોંચાડવા માટે પંડૌલ રેલ્વે સ્ટેશનથી લોહટ સુગર મિલના પરિસર સુધી ભારતીય રેલ્વેનો આશરે 10 કિલોમીટર લાંબો રેલ ટ્રેક નાખવામાં આવ્યો હતો. જેના પર શેરડી ભરેલા માલવાહક વાહનો અવરજવર કરતા હતા. પરંતુ મિલ બંધ થયા બાદ, આ રેલવે ટ્રેક પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, મિલનો કાટમાળ હટાવવાની આડમાં ખાનગી એજન્સીના કેટલાક કોન્ટ્રાક્ટરોએ લગભગ દોઢ કિલોમીટર લાંબો રેલવે ટ્રેક કાપીને વેચી દીધો હતો. આ મામલાનો ખુલાસો થયા પછી જ્યાં સમસ્તીપુર રેલવે બોર્ડના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ લોહટ સુગર મિલની દુર્દશા જોઈને સ્થાનિક ગ્રામજનો હેબતાઈ ગયા છે.
અગાઉ નવેમ્બર 2022 માં, એક ટોળકીએ બરૌની (બેગુસરાય જિલ્લો)માં ગરહારા યાર્ડમાં સમારકામ માટે લાવવામાં આવેલી ટ્રેનના ડીઝલ એન્જિનની ચોરી કરી હતી. આ ટોળકીએ એક સમયે અમુક ભાગોની ચોરી કરીને આ પ્રાપ્ત કર્યું હતું. પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી. તેમની પૂછપરછ કર્યા પછી, મુઝફ્ફરપુરના પ્રભાત કોલોનીમાં સ્થિત ભંગારના ગોડાઉનમાંથી રેલ એન્જિનના પાર્ટસની 13 બોરીઓ મળી આવી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આશ્ચર્યજનક વાત એ છે કે અમને યાર્ડની નજીક એક સુરંગ મળી, જેના દ્વારા ચોર આવતા અને એન્જિનના પાર્ટ્સની ચોરી કરતા અને તેને બોરીઓમાં ભરીને લઈ જતા. રેલવે અધિકારીઓ આ બાબતથી સાવ અજાણ હતા.
જ્યારે, ચોરોએ રોહતાસના નસરીગંજ વિસ્તારના અમિયાવરમાં આરા કેનાલ નહેર પર 1972માં બનેલો લોખંડનો પુલ પણ વેચી માર્યો હતો. આ પુલ 60 ફૂટ લાંબો હતો. ચોર વિભાગીય અધિકારીઓનો વેશ ધારણ કરીને બુલડોઝર, ગેસ કટર અને વાહનો સાથે ત્યાં પહોંચ્યા હતા.
બ્રિજ 3 દિવસમાં કાપવામાં આવ્યો હતો, અને તેને વાહનોમાં ભરીને ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા. ચોરોએ સિંચાઈ વિભાગના અધિકારી હોવાનો ડોળ કરીને સ્થાનિક વિભાગીય કર્મચારીઓની મદદ પણ લીધી હતી. તેની હાજરીમાં આખો બ્રિજ ચોરી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp