પહેલા તમે તમારી અરજી પાછી ખેંચી લો નહીંતર... CJIએ અરજદારને કેમ આવું કહ્યું
સુપ્રીમ કોર્ટે હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓની સંપત્તિની જાળવણી અને સંચાલન અંગેની PIL પર અરજીકર્તાને સખત ઠપકો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે અરજદારને કહ્યું હતું કે, ઓછામાં ઓછું તેની PILની પ્રાર્થના જોઈ તો લો. પ્રાર્થના એવી હોવી જોઈએ જેના પર અમે વિચાર કરી શકીએ. તમારી પ્રાર્થના તો લોકપ્રિયતા મેળવવાની અને મીડિયામાં છવાઈ જવાની છે. તમે પહેલા તમારી પિટિશન પાછી ખેંચી લો, નહીંતર અમે તેને ફગાવી દઈશું.
સુપ્રીમ કોર્ટની આ ફટકાર પછી અરજદાર BJPના નેતા અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. અશ્વિની ઉપાધ્યાય બીજી અરજી દાખલ કરવા માટે પરવાનગી માંગતા હતા પરંતુ CJI DY ચંદ્રચુડે કહ્યું કે તેમણે આ અરજી પાછી ખેંચવી પડશે. આ પછી ઉપાધ્યાયે અરજી પાછી ખેંચી લીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને અન્ય કેસમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરવા કહ્યું હતું. જ્યારે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું કે, અશ્વિની ઉપાધ્યાય તેમની PILની માહિતી સૌથી પહેલા મીડિયાને જણાવે છે, જ્યારે કોર્ટે પહેલા તેમની વિનંતી જોઈ લે. જે મુદ્દાઓ પર તેઓ તેમની અરજીમાં કોર્ટનો આદેશ ઈચ્છે છે તે બંધારણમાં પહેલાથી જ લખાયેલ છે.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર દેશમાં તમામ ધાર્મિક સ્થળોના સંચાલન માટે એક સમાન કાયદો બનાવવાની વિનંતી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયને ધાર્મિક સ્થળોની જાળવણી અને સંચાલન માટે સમાન અધિકાર મળવા જોઈએ જેટલો મુસ્લિમ સમુદાયને મળ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોની ધાર્મિક સંસ્થાઓ અને સ્થળોની જાળવણી અને સંચાલન રાજ્ય સરકારના હાથમાં છે અને આ માટે બનાવેલા કાયદાને ફગાવી દેવો જોઈએ કારણ કે આ કાયદો કાયદાના બંધારણની વિરુદ્ધ છે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય અને દેશભરના તમામ રાજ્યોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાન કાયદા અનુસાર, રાજ્ય સરકારો હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોના ધાર્મિક સ્થળોને નિયંત્રિત કરે છે. વર્તમાન કાયદા હેઠળ તમામ મંદિરો, ગુરુદ્વારા વગેરેનું નિયંત્રણ રાજ્ય સરકાર પાસે છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સ્થળોનું નિયંત્રણ સરકારના હાથમાં નથી. સરકારી નિયંત્રણના કારણે ઘણી જગ્યાએ મંદિરો, ગુરુદ્વારા વગેરેની હાલત ખરાબ છે.
હકીકતમાં, હિંદુ ધાર્મિક ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ હેઠળ, રાજ્ય સરકારને મંદિર વગેરેનું નાણાકીય અને અન્ય સંચાલન પોતાની પાસે રાખવાની છૂટ છે. આ માટે તેઓ રાજ્ય સરકારના વિભાગો અને મંદિરો વગેરેનું સંચાલન પોતાની પાસે રાખે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 14 સમાનતાની વાત કરે છે અને કલમ 15 કાયદા સમક્ષ ભેદભાવને અટકાવે છે. લિંગ, જાતિ, ધર્મ અને જન્મ સ્થળ વગેરેના આધારે કોઈની સાથે ભેદભાવ થઈ શકે નહીં.
અરજીમાં એવી વિનંતી કરવામાં આવી છે કે, હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોને ધાર્મિક સ્થળોની જાળવણી અને સંચાલન માટે સમાન અધિકારો મળવા જોઈએ, જેટલો મુસ્લિમ વગેરેને મળ્યો છે. આ સાથે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધોને પણ ધાર્મિક સ્થળો માટે ચલિત અને સ્થાયી મિલકત બનાવવાનો અધિકાર મળવો જોઈએ. એવી પણ વિનંતી કરવામાં આવી છે કે, હાલમાં મંદિરો વગેરેને નિયંત્રિત કરવા માટેના કાયદાને ફગાવી દેવામાં આવે. તેમજ કેન્દ્ર અને કાયદા પંચને ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ માટેના કોમન ચાર્ટર માટે ડ્રાફ્ટ તૈયાર કરવા અને એક સમાન કાયદો બનાવવાની સૂચના આપવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp