G-20: ભારત મંડપમમાં પાણી ભરાઇ ગયા,કોંગ્રેસે કહ્યું- વિકાસ તરી રહ્યો છે

PC: india.postsen.com

ભારતે G-20 શિખર સંમેલનનું આયોજન કરીને દુનિયાભરમા છાકો પાડી દીધો છે, પરંતુ દિલ્હીમાં વરસાદને કારણે આયોજન સ્થળ પર પાણી ભરાયા તો તેમાં રાજકરણ શરૂ થયું છે. કોંગ્રેસે વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે સરકારના વિકાસની પોલ ખુલી ગઇ છે અને ભારત મંડપમમાં વિકાસ તરી રહ્યો છે.

દિલ્હીમાં છેલ્લાં 2 દિવસથી વરસાદને કારણે G-20ના આયોજન સ્થળ ભારત મંડપમમાં અંદર પાણી ઘુસી ગયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઇને કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સરકાર પોતાની કરતૂતોને ઢાંકી શકે નહીં.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટર પર પાણીથી ભરાયેલા ભારત મંડપનો વીડિયો શેર કર્યો છે. સુરજેવાલાએ લખ્યું કે, 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારત મંડપમાં આજે સાધારણ વરસાદમાં જ વિકાસ તરતો જોવા મળ્યો. સુરજેવાલાએ લખ્યું કે, ભગવાનને પ્રાર્થના છે કે આજે દિવસ દરમિયાન બિલકુલ વરસાદ ન પડે અને G-20 શિખર સંમેલન સલામત રીતે પૂર્ણ થાય.

કોંગ્રેસ નેતા સુરજેવાલાએ આગળ લખ્યું કે, મોદી સરકારે ગરીબોને તો પડદાંથી ઢાંકી દીધા છે, પરંતુ કેટલી પણ શો બાજી કરીને પણ તમારી કરતૂતોને ઢાંકી શકશો નહીં. આમ પણ મોદી સરકારમાં કોઇ પણ ઇવેન્ટ અને ઉદઘાટન પછી ટકતા નથી.

આ પહેલાં ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે વીડિયો શેર કરીને મોદી સરકારના વિકાસના દાવા સામે નિશાન સાધ્યું હતું. શ્રીનિવાસે ટ્વીટ કરીને લખ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે G-20 સભ્યોની મહેમાનગતિ માટે બનાવવામાં આવેલા ભારત મંડપમની તસ્વીર. વિકાસ તરી રહ્યો છે.

કોંગ્રેસમાં એકરાગિતા નથી એ પણ સામે આવી છે. રણદીપ સુરજેવાલાએ જ્યાં ભારત મંડપમનો ખર્ચ 3,000 કરોડ બતાવ્યો છે તો કોંગ્રેસે પોતાના સત્તાવાર મીડિયા પ્લેટફોર્મ INC ટીવીએ ભારત મંડપમાં પાણીનો વીડિયો શેર કરીને કહ્યું છે કે ખોખલા વિકાસની પોલ ખુલી ગઇ. G-20 માટે ભારત મંડપમ  તૈયાર કરવામાં આવ્યો. 2,700 કરોડ લગાવી દેવામાં આવ્યા, એક વરસાદમાં પાણી ફરી વળ્યું.

આ જ ભારત મંડપમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના પ્રધાનમંત્રી રૂષી સૂનક, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ સહિત 30 દેશો અને સંગઠનોના નેતાઓને આવકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp