અતિક અહમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં અપાઇ સજા, હવે જિંદગી...

PC: deccanherald.com

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરજની MP-MLA કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે બાહુબલી અતિક અહમદ સહિત 3 આરોપીઓને દોષી કરાર આપતા આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે અપહારણના આ કેસમાં અતિક અહમદ સિવાય હનીફ, દિનેશ પાસીને પણ દોષી ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેય પર 1-1 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો. આ દંડ વસૂલીને ઉમેશ પાલના પરિવારજનોને આપવામાં આવશે. જ્યારે અતિકના ભાઈ અશરફ સહિત 7ને મુક્ત કે દેવામાં આવ્યા છે. ઉમેશ પાલ 2005માં થયેલા રાજૂ પાલ હત્યાકાંડમાં મુખ્ય સાક્ષી હતો.

કોર્ટનો આ નિર્ણય એટલે ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે ઉમેશની 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પણ અતિક અહમદ, તેનો ભાઈ અશરફ, દીકરો અસદ સહિત 9 લોકો આરોપી છે. આ અગાઉ સોમવારે અતિક અહમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો. એ સિવાય એક અન્ય આરોપી ફરહાનને પણ અહી લઈ જવામાં આવ્યો હતો. ઉમેશપાલ અપહરણ કેસમાં કુલ 11 આરોપી હતા. તેમાંથી એકનું મોત થઈ ગયું હતું.

કોર્ટે અતિક અહમદ, દિનેશ પાસી ખાન, શૌલત હનીફ એમ 3 આરોપીઓને દોષી કરાર આપ્યો છે, જ્યારે અતિકનો ભાઈ અશરફ, ફરહાન, ઇસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને એજાજ અખ્તર એમ 7 લોકોને છોડી દીધા છે. તો અંસાર અહમદનું મોત થઈ ગયું હતું. રિપોર્ટ્સ મુજબ ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહમદ, દિનેશ પાસી અને શઔલત હાનિફને 36(A), 34, 120, 341, 342, 504, 506 કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. અત્યારે બાકી આરોપીઓની વધારે જાણકારી સામે આવી નથી. એક રિપોર્ટ મુજબ 10માંથી 3 આરોપી કોર્ટમાં રજૂ થયા નહોતા, જેમની વિરુદ્ધ ગેર-જામિની વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. નિર્ણય બાદ કચેરી પરિસરમાં વકીલોએ ‘ફાંસી દો, ફાંસી દો’ના નારા પણ લગાવ્યા હતા.

સજાની બહેસ દરમિયાન અતિકે પોતાનો પક્ષ પણ રાખ્યો છે. અતિકના ગુનાઓની કહાની કેટલી ખતરનાક છે તેનો અંદાજો પણ તેનાથી લગાવી શકાય છે કે વર્ષ 2006માં જ્યારે ઉમેશ પાલનું અપહરણ થયું તો એક વર્ષ સુધી અતિક વિરુદ્ધ કોઈ કેસ પણ નોંધાવી શક્યું નહોતું. અતિક વિરુદ્ધ કેસ થયો ઉત્તર પ્રદેશની સત્તામાં BSP આવવા અને માયાવતીના મુખ્યમંત્રી બન્યા બાદ. ઉમેશે 5 જુલાઇ 2007ના રોજ અતિક અને તેની ગેંગ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ઉમેશે તેમના પર અપહરણ કરીને પોતાની ઓફિસમાં લઈ જવા, બંધક બનાવવા, બળજબરીપૂર્વક એફિડેવિટ તૈયાર કરાવવા અને સાક્ષી અપાવવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp