શું અદાણીના ચક્કરમાં સરકારી બેંક અને LIC ડુબી જશે? SEBI બધી ડીલની તપાસ કરશે

PC: facebook.com/profile.php?id=100077707842919

શુક્રવારે સતત બીજા સત્રમાં અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. તેની અસર બેંક અને નાણાકીય શેરો પર પણ જોવા મળી હતી. ભારતીય બેંકોએ અદાણી ગ્રુપની કંપનીઓને લગભગ 80,000 કરોડ રૂપિયાની લોન આપી છે. બીજી તરફ LIC અદાણી ગ્રુપની કંપનીઓમાં રૂ. 70,000 કરોડનું રોકાણ ધરાવે છે. આ લોન અને રોકાણ ડૂબી જવાના ભયને કારણે બેંકો અને LICના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

બેન્ક ઓફ બરોડાનો શેર સાત ટકાથી વધુ ઘટ્યો હતો જ્યારે SBIનો શેર 4.69 ટકા ઘટ્યો હતો. દેશની સૌથી મોટી વીમા કંપની LICનો શેર એક તબક્કે 4.3 ટકા જેટલો તૂટ્યો હતો, પરંતુ બાદમાં 3.25 ટકા ઘટીને બંધ થયો હતો.

WealthMills Securities Pvtના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથાનીએ કહ્યુ કે બજાર પર નેગેટીવ સેન્ટીમેન્ટ હાવી થઇ ગયું છે જેની અસર બેંક સ્ટોક્સમાં પણ જોવા મળી રહી છે.જેનું કારણ અદાણી ગ્રુપ વિશે આવેલો એક રિપોર્ટ છે. અદાણી ગ્રુપની ટોપ 5 કંપનીઓનું છેલ્લાં 4 વર્ષમાં દેવું બમણું થઇ ગયું છે. બ્રોકરેજ ફર્મ CLSAના એક રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપના કુલ દેવામાં ભારતીય બેંકોની હિસ્સેદારી 40 ટકા કરતા પણ ઓછી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ અદાણીના કુલ દેવામાં બેંકોના 38 ટકા, બોન્ડસ અને કોર્મશિયલ પેપર્સના 37 ટકા અને નાણાકીય સંસ્થાના 11 ટકા છે. નાણાંકીય વર્ષ 2022માં અદાણી ગ્રુપ પર 2 લાખ કરોડ રૂપિયાનું  દેવું હતું, જેમાંથી લગભગ 80,000 કરોડ રૂપિયા બેંકના હતા.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું કે સરકારી બેંકોએ અદાણી ગ્રુપને ખાનગી બેંકોની તુલનામાં ડબલ ધિરાણ આપ્યું છે. એમાંથી 40 ટકા ધિરાણ SBIએ આપ્યું છે.આ કારણે જે લોકોએ પોતાની મહેનતની કમાણી LIC અને SBIમાં રોકી છે તેમના પૈસા ડૂબવાના આરે છે.   જયરામ રમેશે કહ્યું કે જો અદાણી ગ્રુપ સામેના આરોપો સાચા હોય તો SBI જેવી જાહેર ક્ષેત્રની બેંકોને ભારે નુકસાન થઈ શકે છે. આદર્શ પરસરામપુરિયાની આગેવાની હેઠળના વિશ્લેષકોએ તાજેતરની નોંધમાં જણાવ્યું હતું કે અદાણી જૂથ ખાનગી બેંકો કરતાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ એક્સ્પોઝર ધરાવે છે. SBIનું કહેવું છે કે અદાણી ગ્રુપની કંપનીઓમાં તેની લોન મર્યાદા કરતા ઓછી છે. જોકે બેંકે આ રકમનો ખુલાસો કર્યો નથી.

LICએ અદાણીની ગ્રુપ કંપનીઓમાં પોતાનું રોકાણ વધાર્યું છે. 30 સપ્ટેમ્બર 2022 સુધીના આંકડા મુજબ LICનો કુલ ઇક્વિટી પોર્ટફોલિયો 10.27 લાખ કરોડ રૂપિયા હતો. જેમાંથી અદાણીની ગ્રુપ કંપનીઓમાં LICનું રોકાણ 7 ટકા જેટલું છે. તાજેતરના મહિનાઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અદાણીની કંપનીમાં તેમનું રોકાણ ઘટાડ્યું છે.

LICએ તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં રોકાણ વધાર્યું છે. 30 સપ્ટેમ્બર સુધીમાંLICનું અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 4.02 ટકા એટલે કે 17.966 કરોડ રૂપિયા, અદાણી ટોટલ  ગેસમાં5.77 ટકા , અદાણી ટ્રાન્સમિશનમાં 3.46 ટકા અને અદાણી ગ્રીન એનર્જિમાં 1.15 ટકા, અદાણી પોર્ટસમાં 11.9 ટકા હિસ્સેદારી છે.

અદાણી ગ્રુપની આ કંપનીઓના શેરોમાં શુક્રવારે 20 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો જેને કારણે LICને 16.300 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

રોઇટર્સના એક અહેવાલ મુજબ સેબી અદાણી ગ્રુપના બધા સોદાની બારીકીથી તપાસ કરશે. અદાણીએ તાજેતરમાં અનેક મોટા ડીલ કર્યા છે. તાજેતરમાં જ અદાણીએ ગુજરાત અંબૂજા સીમેન્ટ અને એસીસીને ટેઇક ઓવર કરી હતી. સાથે જ અમેરિકાની શોર્ટ સેલર કંપની Hindenburg Researchના રિપોર્ટનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp