રાહુલ ગાંધી વિશે જર્મનીની ભારતને સલાહ- આશા છે કે લોકતાંત્રિક રીતે નિર્ણય લેવાશે

PC: twitter.com

રાહુલ ગાંધીની સદસ્યતાના મામલામાં જર્મનીએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, અમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયની નોંધ લીધી છે.

નિવેદનમાં જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય વિપક્ષી રાજનેતા રાહુલ ગાંધી વિરુદ્ધ લેવામાં આવેલા નિર્ણયની સાથે સાથે તેમની સભ્યપદના મુદ્દાની પણ નોંધ લીધી છે.

જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, 'અમારી માહિતી અનુસાર, ગાંધી આ નિર્ણયને પડકારતી તેમની અપીલ દાખલ કરી શકે છે.'

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે, ન્યાયિક સ્વતંત્રતાના ધોરણો અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો રાહુલ ગાંધીના કેસમાં લાગુ થશે.'

જર્મન વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે જર્મન વિદેશ મંત્રાલયનો આભાર માનતા ટ્વીટ કર્યું હતું.

દિગ્વિજયે કહ્યું, 'રાહુલ ગાંધીને પરેશાન કરીને ભારતમાં લોકશાહી સાથે કેવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે તેની નોંધ લેવા માટે જર્મન વિદેશ મંત્રાલય અને રિચર્ડ વોકરનો આભાર.'

અહીં તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયાની શરૂઆતમાં US સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે, અમેરિકા ભારતીય અદાલતોમાં રાહુલ ગાંધીના કેસની તપાસ કરી રહ્યું છે.

કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. મોદી સરનેમ અંગે 23 માર્ચના આદેશ બાદ તેમની સદસ્યતા જતી રહી હતી.

લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, 23 માર્ચે તેમની વિરુદ્ધના આદેશ પછી તરત જ તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. સુરતની એક કોર્ટે એક દિવસ પહેલા જ તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમને બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના ચાર વર્ષ બાદ સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી, જેના પછી તરત જ તેમને જામીન મળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp