સરકારી નોકરી લાગતા પતિમાં જ્યોતિનું ભૂત ઘુસ્યું, સ્થિતિ બદલાઈ તો પત્નીને છોડી

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના બરેલીની રહેવાસી SDM જ્યોતિ મૌર્યના સમાચાર સામે આવ્યા બાદ દેશભરમાંથી પત્નીઓ પોતાના પતિને છોડીને જતી હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે. જ્યોતિ મૌર્ય કેસ પછી ઘણા પતિઓએ તેમની પત્નીઓને સરકારી નોકરીની તૈયારી કરાવવાનું બંધ કરીને ઘરે બેસાડી દીધી છે. જ્યોતિ મૌર્યથી બિલકુલ વિપરીત કિસ્સો બિહારના બાંકા જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક પતિ પર આરોપ છે કે, તેની પત્નીએ બાળકોને ટ્યુશન ભણાવીને પતિને સરકારી નોકરી માટે તૈયાર કરાવ્યો. બિહાર સરકારમાં રેવન્યુ કર્મચારી તરીકે પતિની પસંદગી થતાની સાથે જ તેણે પત્ની સાથેના સંબંધોનો અંત લાવી દીધો છે.

આરોપ છે કે પતિને રેવન્યુ કર્મચારી તરીકે પસંદ કરવામાં આવતા જ તેનો વ્યવહાર બદલાઈ ગયો. તેણે તેની પત્નીને અવગણવાનું શરૂ કર્યું. તે તેને દરેક બાબતે પરેશાન કરવા લાગ્યો. રેવન્યુ કર્મચારીની નોકરી મળતાં જ પતિને શું થઈ ગયું તે પત્ની સમજી શકી નહીં. જ્યારે તેણે સામેથી પૂછ્યું તો પતિએ સ્પષ્ટ કહ્યું કે, તે તેની સાથે તેનું હવે પછીનું જીવન વિતાવવા માંગતો નથી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બાંકા જિલ્લાના ચંદન પોલીસ સ્ટેશન વિસ્તારના બરમસિયા ગામના પાર્વતી અને બબલુ ઉર્ફે અમિત દાસ વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. 30 સપ્ટેમ્બર 2016ના રોજ, બંને પરિવારોની સંમતિથી, અમિત દાસ અને પાર્વતીએ મંદિરમાં લગ્ન કર્યા. પાર્વતી ઈચ્છતી હતી કે, તેનો પતિ સરકારી નોકરી કરે. આ માટે તેણે તેના પતિ અમિતને સરકારી નોકરીની તૈયારી કરવા કહ્યું, તે પોતે કમાઈને ઘર ચલાવશે.

પતિ ચિંતા કર્યા વગર સરકારી નોકરીની તૈયારી કરી શકે, તેથી પત્નીએ ગામમાં જ બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૈસાને માટે પત્ની પાર્વતી ઘણી શિફ્ટમાં ટ્યુશન ભણાવતી હતી, જેથી તેમાંથી મળેલી કમાણીથી તે પોતાના પતિની સરકારી નોકરીની તૈયારી કરી શકે અને ઘરનો ખર્ચ પણ ચલાવી શકે.

થોડા મહિના પહેલા અમિત દાસને અરરિયા જિલ્લાના પલાસી બ્લોકમાં રેવન્યુ કર્મચારી તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. હવે તે કહી રહ્યો છે કે, તે 2016માં બેરોજગાર હતો તેથી મફતમાં લગ્ન કર્યા. હવે તે સરકારી નોકરીમાં છે તેથી તેને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાની રોકડની જરૂર છે. અમિતની આ વાત સાંભળીને પાર્વતી પરેશાન થઈ ગઈ અને તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

આરોપ છે કે, અમિત પંચાયત અને વહીવટીતંત્રના લોકોની સામે સ્વીકારે છે કે તે પાર્વતીને પોતાની સાથે રાખશે. પરંતુ પાર્વતી તેના પતિ સાથે ઘરે પરત ફરતા જ તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. આરોપ છે કે અમિત તેની પત્ની પાર્વતી પર પણ મારપીટ કરે છે. એવું કહે છે કે, મફતમાં સરકારી નોકરીવાળો વર ક્યાંથી મળે. જો તેને સાથે રહેવું હોય તો તારા પિયરમાંથી 10 લાખ રૂપિયા રોકડા લઇ આવ.

આ મામલે મહિલા પોલીસ સ્ટેશન હેડ શ્વેતા કુમારીએ જણાવ્યું કે, પાર્વતીએ તેના પતિ વિરુદ્ધ અરજી આપી છે. તેમણે કહ્યું કે પહેલા બંનેને સાથે બેસાડીને કાઉન્સેલિંગ કરવામાં આવશે. પોલીસ પતિ-પત્ની વચ્ચે સુમેળ લાવવાનો પ્રયાસ કરશે. પરંતુ જો આ પછી પણ અમિત પાર્વતીને પોતાની સાથે રાખવા તૈયાર નહીં થાય તો, તપાસ કર્યા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp