લગ્ન માટે ઘર ગિરવે મુક્યુ અને દુલ્હન લગ્ન પહેલા જ પૈસા લઇને ભાગી ગઈ

PC: postsen.com

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક છોકરી લગ્ન પહેલા વરરાજાને છોડીને ચાલી ગઈ. આરોપ છે કે, તેણે પોતાને ગરીબ જણાવીને વરરાજા સાથે લગ્નની તૈયારીઓ માટે પૈસાની માંગણી કરી હતી. પીડિત યુવકના ક્યાંય લગ્ન થઈ રહ્યા નહોતા. આથી, તે પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો. પરંતુ, લગ્ન પહેલા જ દુલ્હન સામાન ખરીદવાના બહાને વરરાજાએ આપેલા એક લાખ રૂપિયા લઇને રફુચક્કર થઈ ગઈ. જણાવવામાં આવ્યું છે કે, પીડિત વરરાજાએ લગ્ન માટે પોતાનું ઘર પણ ગિરવે મુકી દીધુ હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, વરરાજા રામેશ્વર વાનખેડે અને તેના પરિવારે મેનગાંવ પોલીસ સ્ટેશનમાં દુલ્હન વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ખરગોનના એસડીઓપી આરએમ શુક્લાનું કહેવુ છે કે મામલામાં તપાસ કરવા પર જાણકારી મળી છે કે, વરરાજા અને દુલ્હનની વચ્ચે પૈસાની લેવડ દેવડ ટેમલા રોડ સ્થિત મેનગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં થઈ હતી. પીડિત પક્ષની ફરિયાદ પર FIR દાખલ કરી લેવામાં આવી છે. છેતરપિંડી કરનારી દુલ્હન અને અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.

પીડિતે જણાવ્યું કે, તે અને તેના પરિવારના સભ્યો દુલ્હનના ઘરે ગયા હતા પરંતુ, ત્યાં કોઈ ના મળ્યું. તેનું કહેવુ છે કે, તેને એ પણ નથી ખબર કે તે ઘર પણ દુલ્હનનું હતું કે નહીં. રામેશ્વર વાનખેડેએ જણાવ્યું, આજે લગ્ન માટે કોર્ટમાં બોલાવ્યા હતા. લગ્ન પહેલા તેણે અમને રોક્યા અને કહ્યું કે જ્વેલરી લેવી છે. કહ્યું- એક લાખ રૂપિયા મને આપી દો. અમે તેમને એક લાખ રૂપિયા આપી દીધા અને તેમના આવવાની રાહ જોતા રહ્યા. પરંતુ, તે ના આવી અને ભાગી ગઈ. અમારો પરિચય રાહુલ અને જિતેન્દ્રએ કરાવ્યો હતો. તેઓ સાંગવીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. પહેલા 10 હજાર આપ્યા હતા અને આજે એક લાખ આપ્યા. અમે ધોમનોદથી વરઘોડો લઇને આવ્યા હતા.

ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશ પટેલે જણાવ્યું હતું કે, વિસ્તારમાં એક લૂટેરી દુલ્હન છે અને ખરગોન જિલ્લામાં ગેંગ ચાલી રહી છે. મહેશે જણાવ્યું હતું કે- ગત અઠવાડિયે બંનેના લગ્નની વાત થઈ હતી. તેમણે લગ્ન માટે પૈસા માંગ્યા હતા અને આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, કોર્ટમાં આવી જજો અમે દુલ્હન તમને સોંપી દઇશું. તે લોકો આમના એક લાખ 10 હજાર રૂપિયા લઇને ભાગી ગયા. સંબંધ નક્કી કરનાર દલાલ સુરેશ છે અને છોકરીનું નામ મમતા જણાવવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિએ રામેશ્વરને લગ્ન માટે 25 વર્ષીય મમતા વિશે જણાવ્યું હતું. ગત 7 જૂને છોકરાવાળા જલાલાબાદમાં મમતાને જોવા તેના ઘરે ગયા તો ઘરે માત્ર છોકરી અને તેનો ભાઈ હતા. છોકરીના કથિત પિતાએ ફોન પર જ કહી દીધુ કે તમે સંબંધ પાક્કો કરી લો. છોકરીવાળાએ પોતે ગરીબ હોવાનું કહી કોર્ટ મેરેજની વાત કહી હતી. છોકરાવાળા કોર્ટમાં લગ્ન માટે તૈયાર થઈ ગયા અને છોકરીને 10 હજાર રૂપિયા પણ આપી દીધા. સોમવાર, 12 જૂને બપોરે એક વાગ્યે લગ્ન નક્કી થયા.

સવારે 9 વાગ્યે રામેશ્વરની જાન નીકળી. 11.30 વાગ્યે જાન ટેમલા પાસે પહોંચી ત્યારે દુલ્હન મમતા અને તેનો કથિત જીજા સુરેશ ત્યાં પહોંચ્યા. તેમણે કથિતરીતે દુલ્હનના ઘરેણાં અને છોકરાની વીંટી ખરીદવા માટે એક લાખ રૂપિયા માંગ્યા. પૈસા લઇને તેઓ બજાર તરફ ગયા અને પાછા ના આવ્યા. છોકરીને પૈસા આપવા માટે છોકરાએ પોતાનું ઘર 5 ટકા વ્યાજ સાથે ગિરવે મુકી દીધુ. લગ્નની તારીખ અને જગ્યા નક્કી થયા. પરંતુ, લગ્ન પહેલા જ દુલ્હન પૈસા લઇને ભાગી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp