
સંસદના બજેટ સત્રનું બીજું ચરણ આજે શરૂ થઈ ગયું છે. સત્ર શરૂ થતા જ રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદનોને લઈને લોકસભા અને રાજ્યસભામાં ખૂબ હોબાળો થયો. ભાજપના નેતા રાજનાથ સિંહ અને પિયુષ ગોયલે રાહુલ ગાંધીને દેશ પાસે માફી માગવા કહ્યું. આખરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એવું શું કહ્યું હતું, જેના કારણે રાહુલ ગાંધી ઘેરાઈ ગયા છે, ચાલો જાણીએ આર્ટિકલમાં.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સરકાર અને એજન્સીઓને લઈને નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં બધી સ્વતંત્ર એજન્સીઓ પર કબજો થઈ ગયો છે અને તેના કારણે દેશમાં લોકતંત્ર જોખમમાં છે. ભારતમાં વિપક્ષ સાથે સાથે લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે, ભારતમાં અલગ અલગ સ્વતંત્ર સંસ્થાઓ પણ જોખમમાં છે. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, અલગ અલગ સંસ્થાઓ પર કબજો થઈ ચૂક્યો છે, જેથી લોકતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પછી, સંસદ, કોર્ટ, પ્રેસ કે ચૂંટણી આયોગ હોય બધા પર કોઈક ને કોઈક પ્રકારે નિયંત્રણ કરી લેવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમ પણ કહ્યું કે, ભારતમાં લોકતંત્રને જોખમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નામના સંગઠનથી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવું સંગઠન છે, જેણે પોતાની કટ્ટરપંથી અને ફાંસીવાદી વિચારને આગળ વધારવા માટે ભારતની સંસ્થાઓ પર કબજો કરી રખ્યો છે.
રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું કે, ભારતમાં લઘુમતીઓ પર નિશાનો બનાવવામાં આવી રહ્યા છે અને તેના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. દેશમાં વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એટલે તેમને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIની છાપેમારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
કોંગ્રેસ નેતાએ લંડનમાં એમ પણ કહ્યું કે, તેમના ફોનમાં પેગાસસ જેવું સોફ્ટવેર નાખીને જાસૂસી કરવાનો પ્રયત્ન કર્યો. તેની જાણકારી પોતે ઇન્ટેલિજેન્સ વિભાગના અધિકારીઓએ તેમને આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp