ગુજરાતની ફાર્મા કંપનીના આઈ ડ્રોપથી 30 લોકોને સંક્રમણનો શ્રીલંકાનો આરોપ, તપાસ શરૂ

PC: aao.org

શ્રીલંકામાં ભારતીય આઈ ડ્રોપથી 35 દર્દીઓની આંખોમાં સંક્રમણ થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ ભારત નિર્મિત દવાની તપાસ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) ના સુત્રોએ જણાવ્યું કે, ગુજરાતની ફાર્મા કંપનીની દવાની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદ મળી છે કે મિથાઇલ પ્રેડનિસોલોન આઈ ડ્રોપનો ઉપયોગ કર્યા બાદ દર્દીઓમાં બેક્ટેરિયાનું સંક્રમણ વધી ગયુ છે. આ વર્ષે માર્ચ મહિનામાં કંપનીએ આઈ ડ્રોપના બે મોટા બેચ શ્રીલંકામાં નિકાસ કર્યા હતા પરંતુ, એપ્રિલ મહિનામાં ત્યાંની ત્રણ મોટી હોસ્પિટલોએ આશરે 30 લોકોની આંખમાં દવા મુક્યા બાદ આંખોમાં સંક્રમણની ફરિયાદ કરી.

ત્યારબાદ શ્રીલંકાની સરકારે દવા પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો સાથે જ તેની વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કંપનીએ પણ પોતાની દવાઓને પાછી લઈ લીધી. શ્રીલંકા સરકારે 16 મેના રોજ પત્ર લખીને ભારત પાસે પણ નિષ્પક્ષ તપાસની અપીલ કરી છે. હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચેતવણી આપતા કહ્યું હતું કે, ફાર્મા ઉદ્યોગ દેશની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલો છે. જો ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવે તો તે દેશ માટે સારું નહીં રહેશે અને તેને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા તરફથી પત્ર મળ્યા બાદ તાત્કાલિક દવાની તપાસ કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. કંપનીના હાલના બેચને સીલ કરી દેવામાં આવ્યો છે. નમૂના કેન્દ્રીય પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે, જ્યાંથી 10થી 15 દિવસની અંદર રિપોર્ટ મળવાની સંભાવના છે.

ગુજરાતની આ દવા કંપનીને આઈ ડ્રોપ્સની તપાસ કરી 3 જૂન એટલે કે શનિવાર સુધીમાં એક્સપોર્ટ કાઉન્સિલ સુધી જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું છે. જો 3 જૂન સુધીમાં કંપની તપાસનો રિપોર્ટ દાખલ ના કરી શકી તો તેનું રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ કોઈપણ પ્રકારની નોટિસ વિના રદ્દ કરી દેવામાં આવશે. નોટિસમાં કંપનીના પાર્ટનર નીરવ આર ભટ્ટ પાસે ખાસકરીને શ્રીલંકામાં જે આઈ ડ્રોપ્સ સપ્લાઈ કરવામાં આવ્યા હતા, તેની સંપૂર્ણ જાણકારી સાથે સપ્લાઈ કરવામાં આવેલા પ્રોડક્ટની પરમિશન અને મેન્યુફેક્ચરિંગ લાઇસન્સની ડિટેલ્સ માંગવામાં આવી છે.

આ નવ મહિનામાં ચોથો એવો મામલો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય દવાઓની ગુણવત્તાને લઇને સવાલ ઊભા થયા છે. પહેલા ગાંબિયા અને ઉજ્બેકિસ્તાનમાં બાળકોના મોતની પાછળ ભારતીય કંપનીઓના કફ સીરપને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય ફાર્મા ક્ષેત્રની ગુણવત્તાને લઇને સવાલ ઊભા થતા રહ્યા હતા. આ પ્રકારનો એક મામલો માર્શલ આઇલેન્ડ્સ અને માઇક્રોનેશિયામાં પણ સામે આવ્યો, ત્યારબાદ ગત એપ્રિલ મહિનામાં WHO એ એલર્ટ જાહેર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp