RSS ગોલવલકરે કહ્યું હતું- દેશ માટે UCCની જરૂર છે, એવું હું માનતો નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના નિવેદન પછી દેશભરમાં આ વિશે ચર્ચા શરૂ થઇ છે. UCC એવો મુદ્દો છે, જે લાંબા સમયથી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ રહ્યો છે અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS)ની દીલની પણ નજીકનો મુદ્દો છે. જો કે RSSના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં હતા. તેમણે અંગ્રેજી અખબાર ‘મધરલેન્ડ’ના સંપાદક કે.આર. મલકાનીને 23 ઓગસ્ટ 1972માં દિલ્હીમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં UCC પર વિસ્તારથી વાત કરી હતી. એનું વિવરણ ‘શ્રી ગુરુજી સમગ્ર’ના નવમા ખંડમા મળે છે, જે ગોલવલકરના પત્રો, ઇન્ટરવ્યૂ અને વાતચીતનું સકંલન છે.
ગુરુ ગોલવલકરને મલકાની સવાલ કરે છે કે શું તમે રાષ્ટ્રીય ભાવનાને વધારવા માટે સમાન નાગરિક સંહિતાને જરૂરી નથી માનતા? એની પર ગુરુ ગોલવલકર કહે છે કે, હું બિલકુલ નથી માનતો. આને કારણે તમને અને ઘણા લોકોને આશ્ચર્ય થઇ શકે છે, પરંતુ મારું માનવું છે કે જે સત્ય મને દેખાઇ રહ્યું છે તે મારે કહેવું જોઇએ. એની પર મલકાની સવાલ પુછે છે કે શું તમે નથી માનતા કે દેશમાં એકરૂપતા જરૂરી છે? જેના જવાબમાં ગુરુ ગોલવકરે કહેલું કે સમરસતા અને એકરૂપતા બંને અલગ-અલગ બાબત છે. એકરૂપતાની જરૂર નથી. ભારતમાં હમેંશાથી વિવિધતા છે અને એકતા માટે એકરૂપતા નહી, બલ્કે સમરસતાની જરૂર છે.
ગુરુ ગોલવલકરને સવાલ પુછાયો કે બંધારણમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ માટે પ્રયાસ કરશે? જેના જવાબમાં ગોલવલકરે કહ્યુ હતું કે,યુનિફોર્મ સિવિલ કોડ માટે મારો કોઇ વિરોધ નથી, પરંતુ બંધારણમાં કોઇ વાત હોય તો તેનો મતલબ એ નથી કે તે જરૂરી બની જાય છે. પાછું એ પણ છે કે ભારતનું બંધારણ અનેક વિદેશી બંધારણોના જોડતોડથી બન્યું છે. ભારતીય બંધારણ ન તો ભારતીય જીવનના દ્રષ્ટિકોણથી બન્યું છે, ન તો એની પર આધારિત છે.
મલકાની ગુરુ ગોલવલકરને સવાલ કરે છે કે શું તમને એવું લાગે છે કે મુસલમાન યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ માત્ર એટલા માટે કરે છે કે, કારણકે તેઓ પોતાનું અલગ અસ્તિત્વ બનાવી રાખવા માંગે છે? જેના જવાબમાં ગોલવલકર કહે છે કે,કોઇ વર્ગ, જાતિ, સંપ્રદાય દ્રારા પોતાના અસ્તિત્વ બનાવી રાખવા સામે મારો ત્યાં સુધી કોઇ ઝગડો નહી હોય જ્યાં સુધી આ પ્રકારનાં અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દુર હટવાનું કારણ ન બને.
ગુરુ ગોલવલકરે કહ્યું હતું કે, મારું માનવું છે કે કેટલાંક લોકો સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા એટલા માટે મહેસૂસ કરી રહ્યા છે તેઓ વિચારે છે કે મુસલમાનોને 4 લગ્ન કરવાનો અધિકાર છે અને તેને કારણે તેમની વસ્તીમાં અસંતુલિત વૃદ્ધિ થઇ રહી છે. પરંતુ મને ડર છે કે સમસ્યા પ્રત્યે વિચારવાનો આ દ્રષ્ટિકોણ યોગ્ય નથી. વાસ્તવિક સમસ્યા તો એ છે કે હિંદુ અને મુસલમાનો વચ્ચે ભાઇચારો નથી. ધર્મનિરપેક્ષ કહેનારા પણ મુસલમાનોને અલગ નજરથી જુએ છે.
ગોલવલકરે કહ્યું હતું કે જ્યાં સુધી મુસલમાન આ દેશને, અહીંની સંસ્કૃતિને પ્રેમ કરે છે તેમની જીવન પદ્ધતિ અનુસાર ચાલવું સ્વાગત યોગ્ય છે. મારું ચોક્કસપણે માનવું છે કે મુસલમાનોને રાજકારણ રમવાવાળાએ ખરાબ કર્યા છે. કોંગ્રેસ છે, જેણે કેરળમાં મુસ્લિમ લીગને પુનર્જિવિત કરીને દેશભરમાં મુસ્લિમ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપ્યું .
મલકાની ગોલવલકર આગળ સવાલ કરે છે કે શું આ જ તર્કના આધાર પર એવું ન કહી શકાય કે હિંદ કોડ બિલનું નિર્માણ પણ બિનજરૂરી અને અનિચ્છનીય હતું? જેના જવાબમાં ગોલવલકર જવાબ આપે છે કે, હું ચોક્કસપણે માનું છું કે હિંદુ કોડ બિલ રાષ્ટ્રીય એકતા અને એકસૂત્રતાની દ્રષ્ટ્રિએ બિનજરૂરી છે. વર્ષોથી આપણે ત્યાં અનેક સંહિતાઓ રહી છે, પરંતુ તેને કારણે કોઇ નુકશાન થયું નથી. અત્યાર સુધી કેરમાં માતૃસતાત્મક પદ્ધતિ હતી, તેમાં શું ખરાબી હતી? સ્થાનિક રીતિ રિવાજો અથવા સંહિતાઓને બધા સમાજ દ્રારા માન્યતા આપવામાં આવી છે.
સમાન નાગરિક સંહિતા જરૂર નથી તો પછી સમાન દંડ કાયદાની શું જરૂર છે? એવા સવાલના જવાબમાં ગોલવલકર કહે છે કે બંનેમાં અંતર છે. નાગરિક સંહિતાનો સંબંધ વ્યકિત અને તેના પરિવાર સાથે છે જ્યારે સમાન દંડ કાયદો ન્યાય વ્યવસ્થા અને અન્યા વાત સાથે છે, જેનો સંબંધ ન માત્ર વ્યકિતથી જ નહી, પરંતુ સમગ્ર સમાજ સાથે પણ સંબંધિત છે.
મલકાની પુછે છે કે શું મુસ્લિમ બહેનોને બુરખામાં રાખવા અને બહુપત્નીત્વનો શિકાર થવા દેવી એ વાત કેટલી યોગ્ય છે? જેના જવાબમાં ગોલવલકર કહે છે કે મુસ્લિમ પ્રથાઓ પ્રતિ તમારી આપત્તિ જો માનવ કલ્યાણ પર આધારિત છે તો એ યોગ્ય છે. આવા મામલાઓમાં સુધારવાદી દ્રષ્ટિકોણ ઠીક છે. પરંતુ જો મિકેનીકલી રીતે કાયદા દ્રારા બધાને સમાન લાવવાનો દ્રષ્ટિકોણ યોગ્ય નહીં હોય. મુસલમાનો જાતે જ તેમના જૂના નિતી નિયમોમાં સુધારો કરી દે. જો મુસલમાનો એ નિષ્કર્ષ પર પહોંચે છે કે બહુપત્નીત્વ પ્રથા તેમના માટે યોગ્ય નથી તો મને સૌથી વધારે ખુશી થશે. પરંતુ મારું માનવું છે હુ મારી વિધારધાર તેમની પર થોપવા માંગતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp