
જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની એક માંગ સામે મસ્જિદ સમિતિએ આપત્તિ વ્યકત કરીને કહ્યું છે કે મુસ્લિમ શાસકો સામે ખોટું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. આવું કહેવાનો આશય માત્ર હિંદુ અને મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવાનો છે. મુસ્લિમ સમિતિએ દાખલ કરેલી અરજી પર હવે કોર્ટે 7 જુલાઇએ સુનાવણી કરવાનું કહ્યું છે.
જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરનો Archaeological Survey of India (ASI) પાસે સર્વે કરાવવાના આગ્રહ કરતી એક અરજી વારાણસી જિલ્લા અદાલત કરવામાં આવી છે. આ અરજી પર મુસ્લિમ પક્ષે પોતાની આપત્તિ રજૂ કરતી અરજી દાખલ કરી હતી. આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કહ્યુ કે ન તો મોઘલ બાદશાહ ઔરંગઝેબ ક્રુર હતો કે ન તો તેણે વારાણસીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડ્યું હતું.
જ્ઞાનવાપી મસ્જિદમાં ASIના સર્વે પર પોતાની આપત્તિમાં અજુમન ઇંતિજામિયા મસ્જિદ સમિતિએ હિંદુ પક્ષની દલીલમાં કરવામાં આવેલા એ દાવાનું ખંડન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન આદિ વિશ્વેશ્વર મંદિર પર મુસ્લિમ આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ કરી દીધું હતું અને એ પછી 1580 ઇ.માં રાજા ટોંડલ મલે એ જ સ્થાન પર મંદિર બનાવ્યું હતું. કોર્ટે આગામી સુનાવણી માટે 7 જુલાઇની તારીખ નક્કી કરી છે.
મસ્જિદ સમિતિએ ગયા વર્ષે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા કમિશ્નરના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની શોધનો પણ ઇન્કાર કર્યો છે. મસ્જિદ સમિતિએ કહ્યું કે જ્ઞાનવાપીમાં કોઇ શિવલિંગ મળ્યું નથી એ એક માત્ર ફુવારો છે. વારાણસીમાં બે કાશી વિશ્વનાથ મંદિરો નવા અને જુનાનો કોઇ ખ્યાલ નહોતો. ઉપરાંત મસ્જિદ સમિતિએ મુસ્લિમ શાસકોને આક્રમણકારો કહેતી હિંદુ પક્ષની દલીલ પર આપત્તિ વ્યકત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ વાત હિંદુ- મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવા માટે કહેવામાં આવી હતી.
મસ્જિદ કમિટીની અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ પર હાજર ઈમારત, જ્ઞાનવાપી મસ્જિદ, હજારો વર્ષોથી ત્યાં છે. તે ગઈ કાલે પણ મસ્જિદ હતી અને આજે પણ મસ્જિદ છે. વારાણસી અને આજુબાજુના જિલ્લાના મુસ્લિમો કોઈપણ પ્રતિબંધ વિના ત્યાં નમાઝ અદા કરી રહ્યા છે. દરમિયાન, વારાણસીની એક જિલ્લા અદાલતે મંગળવારે જ્ઞાનવાપી કેસ સાથે સંબંધિત સમાન પ્રકૃતિના સાત કેસોની સુનાવણી એકસાથે કરવાનો આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp