હાર્દિક પંડ્યાએ આ ખેલાડીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું- ટૂંક સમયમાં ભારત માટે રમશે

PC: twitter.com

IPL 2023માં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે તેમની સતત બીજી જીત નોંધાવીને સાબિત કર્યું છે કે, તેઓએ ગયા વર્ષની ટૂર્નામેન્ટ જ્યાંથી સમાપ્ત કરી હતી ત્યાંથી આ સિઝનની શરૂઆત કરી છે. ગુજરાતે મંગળવારે દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. યુવા બેટ્સમેન B સાઈ સુદર્શન ગુજરાતની જીતનો હીરો રહ્યો હતો. સુદર્શને 48 બોલમાં અણનમ 62 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના કારણે ગુજરાતની ટીમ દિલ્હી સામે જીત મેળવવામાં સફળ રહી હતી.

સાઈ સુદર્શનની આ ખાસ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ તેનો પહેલો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો. આ પ્રસંગે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સાઈ સુદર્શનની જોરદાર પ્રશંસા કરી હતી. તેણે એવી આગાહી પણ કરી હતી કે આ ખેલાડી ટૂંક સમયમાં ભારત માટે રમતા જોવા મળશે. હાર્દિકે મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે, જો હું ખોટો નથી, તો આ ખેલાડી આગામી 2 વર્ષમાં ફ્રેન્ચાઇઝી માટે અને ભારત માટે પણ કંઈક મોટું કરશે.

હાર્દિક પંડ્યાએ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે, તે (સાઈ સુદર્શન) શાનદાર બેટિંગ કરી રહ્યો છે, તેણે તેની બેટિંગ પર ખૂબ જ મહેનત કરી છે. સાઈ સુદર્શને છેલ્લા 15 દિવસમાં જેટલી બેટિંગ પ્રેક્ટિસ કરી છે, તેનું જ પરિણામ છે કે, આજે તેણે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. હાર્દિકે વધુમાં કહ્યું કે, જો હું ખોટો નથી, તો આગામી બે વર્ષમાં તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ અને પછી ભારતીય ક્રિકેટ માટે પણ કંઈક મોટું કરશે.

વાસ્તવમાં, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં દિલ્હીની ટીમનો આ સતત બીજો પરાજય હતો. જ્યારે, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ વતી ડેવિડ મિલરે આ મેચમાં જોરદાર વાપસી કરી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય સાઈ સુદર્શનનું બેટ જોરદાર રનના ઢગલા કરતુ હતું, જેણે અણનમ અડધી સદી ફટકારી હતી.

સાઈ સુદર્શન, જેણે તેનો પ્રથમ IPL પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો, તેણે તે સમયે તેની ટીમ માટે નિર્ણાયક દાવ રમ્યો હતો, જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી. ગુજરાત ટાઇટન્સે 54 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને તેઓ જીતથી ઘણા દૂર હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા સાઈ સુદર્શને 48 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રનની ઈનિંગ રમી હતી. સાઈ સુદર્શને વિજય શંકર સાથે મળીને અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. વિજય શંકરે પણ 23 બોલમાં 29 રનની ઇનિંગ રમીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp