પેશાબ કાંડ: એ અમારા ગામનો પંડિત છે, પ્લીઝ, છોડી દો,પીડિતે આરોપીને માફ કર્યો

PC: mathrubhumi.com

મધ્ય પ્રદેશના દેશભરમાં ગાજેલા પેશાબ કાંડમાં હવે નવો મોડ આવ્યો છે. પેશાબ કાંડના પીડિત આદિવાસીએ કહ્યું છે કે પ્રવેશ શુક્લા અમારા ગામનો પંડિત છે, એને છોડી મુકવામાં આવે, પ્રવેશને પોતાની ભુલનો પસ્તાવો થયો છે. મુખ્યમંત્રીએ ઘણું બધું આપી દીધું છે. હવે પ્રવેશ શુક્લોને છોડી મુકો. મધ્ય પ્રદેશની સીધી જિલ્લામાં  એક વ્યકિત પર પેશાબ કરતો વીડિયો વાયરલ થયો હતો, પછી ભાજપ યુવા નેતા પ્રવેશ શુક્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે નેશનલ સિક્યોરિટી એક્ટ પણ લગાવ્યો છે.

પ્રવેશ શુક્લા સામે આખો દેશ ગુસ્સામાં છે, કારણકે તેણે કરેલી અમાનવીય હરકત માફ કરી શકાય તેવી નથી. પરંતુ પીડિત આદિવાસી દશમત રાવતે આરોપી પ્રવેશ શુક્લોને છોડી દેવાની માંગ કરી છે એ સાંભળીને બધા ચોંકી ગયા છે. પીડિત દશમતનું કહેવું છે કે, પ્રવેશ શુક્લા અમારા ગામનો  પંડિત છે, જે ભુલ થઇ ગઇ તે થઇ ગઇ, પરંતું હવે તેને છોડી મુકવો જોઇએ. દશમતે કહ્યું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આર્થિક મદદ અને સન્માન આપ્યું છે. પ્રવેશ શુક્લાને પણ તેની ભુલનો પસ્તાવો છે.

મધ્ય પ્રદેશના સીધીમાં ભાજપના યુવા નેતા પ્રવેશ શુક્લાનો વીડિયો સામે આવ્યા પછી લોકોમાં ભારે આક્રોશ હતો અને પોલીસ પ્રવેશ શુક્લાને ઘસડીને પોલીસ સ્ટેશન લાવી હતી. મુખ્યમંત્રી શિવરાજે આ ઘટનાને ગંભીરતાથી લીધીને ભાજપના યુવા નેતા પ્રવેશ સામે  NSA લગાડવાની જાહેરાત કરી હતી. એ પછી મુખ્યમંત્રીએ પીડિત આદિવાસી દશમતને CM આવાસ પર બોલાવીને તેના પગ ધોયા હતા. તિલક કર્યુ હતુ, શાલ ઓઢાડી હતી અને આર્થિક મદદ પણ કરી હતી. એ પહેલાં ભાજપના યુવા નેતા પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યું હતું. હવે પીડિત આદિવાસી કહે છે કે,પ્રવેશ શુકલાને છોડી મુકો.

મધ્ય પ્રદેશમાં આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે શિવરાજ સિંહ સરકારને બબાલ થાય તે પોષાય તેમ નહોતું એટલે તાત્કાલિક ડેમેજ કંટ્રોલના પગલાં લેવાયા હતા. કોંગ્રેસે પણ આદિવાસીના નામ પર હલ્લો બોલાવ્યો હતો. મધ્ય પ્રદેશમાં ભારે રાજકારણ ગરમાયું હતું,

જો કે કેટલાંક જાણકારો આને પોલિટિકલ સ્ટંટ માની રહ્યા છે, કારણકે, પ્રવેશ શુક્લાનો આ વીડિયો 3 વર્ષ જૂનો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp