શિંદે કેમ્પને ઝટકો, હાઇકોર્ટે ઉદ્ધવ ઠાકરે ગ્રુપની દશેરા રેલી માટે આપી લીલીઝંડી
શિવાજી પાર્કમાં દશેરા રેલીને લઈને હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. બોમ્બે હાઈકોર્ટથી એકનાથ શિંદે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરેને દશેરા રેલી માટે મંજૂરી આપી દીધી છે.
ઉદ્ધવ ઠાકરેને શિવાજી પાર્ક ખાતે 'દશેરા રેલી' માટે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. એકનાથ શિંદે જૂથને બોમ્બે હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે એકનાથ શિંદે જૂથ વતી દાદરના ધારાસભ્ય સદા સરવણકરની અરજી ફગાવી દીધી છે. પોતાને મૂળ શિવસેના ગણાવતા સદા સરવણકરે દશેરા રેલીની માગણી કરી હતી અને ઉદ્ધવ ઠાકરેની અરજીમાં હસ્તક્ષેપ કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેને દશેરા રેલી માટે પરવાનગી આપી છે, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ કહી છે. હાઈકોર્ટે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સાથે જ કોર્ટે કહ્યું છે કે,આટલા વર્ષોથી આયોજન થઇ રહ્યું છે અને આજ સુધી કોઈ ઘટના બની નથી. કોર્ટે કહ્યું કે સરકારના GRમાં દશેરા રેલીના આયોજન માટે એક નિશ્ચિત દિવસ આપવામાં આવ્યો છે.
BMC તરફથી વકીલ મિલિંદ સાઠેએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે શિવસેનાના બંને પક્ષોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેમજ હોર્ડિંગ્સ લગાવવા બાબતે બે જૂથ વચ્ચે વિવાદ પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે ગણપતિ ઉત્સવ દરમિયાન પણ શિવસેનાના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને આ તણાવ હજુ પણ અકબંધ છે. મિલિંદ સાઠેએ કહ્યું કે પોલીસે BMCને બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જાણ કરી છે અને શિવાજી પાર્ક એક સંવેદનશીલ સ્થળ છે.
BMCએ શિવસેનાના બંને જૂથોને શિવાજી પાર્ક ખાતે યોજાનારી રેલીનું આયોજન કરવાની મંજૂરી આપી ન હતી. આ માહિતી BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે ગુરુવારે આપી હતી. તેમણે કહ્યું હતું કે જો કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કોઈ એક જૂથને રેલી કરવાની મંજૂરી આપવામાં આવે છે, તો શિવાજી પાર્કમાં ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે, તેથી BMCએ શિવાજી પાર્કમાં દશેરાની રેલીને મંજૂરી ન આપવા માટે બંને જૂથોને પત્ર મોકલ્યો હતો.
22 ઓગસ્ટના રોજ, ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના અનિલ દેસાઈએ શિવાજી પાર્કમાં યોજાનારી શિવસેનાની દશેરા રેલી માટે BMC પાસે પરવાનગી માંગી હતી. આ પછી, 30 ઓગસ્ટના રોજ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે પણ BMCને દશેરા રેલીનું આયોજન કરવા માટે અરજી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp