ટેમ્પો ચાલકથી અબજો રૂપિયાનો માલિક કેવી રીતે બન્યો કરોલી બાબા, જાણો આની આખી કહાની

PC: lokmat.com

કરોલી શંકર બાબા ઉર્ફે સંતોષ સિંહ ભદોરિયા કોણ છે? એ રાતોરાત કેવી રીતે ફેમસ થયો? અબજો રૂપિયાનું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું? પોલીસ કેસ પછી ચર્ચામાં આવેલો કરોલી બાબા વિશે અનેક સવાલો લોકોના મનમા છે. અમે તમને કરોલી બાબાની આખી જન્મકુંડળી બતાવીશું કે કરોલી બાબા એક ટેમ્પો ચાલકથી અબજો રૂપિયાનો માલિક કેવી રીતે બની ગયો.

કરોલી બાબા અત્યારે ચર્ચામાં કેમ આવ્યો છે તેનું કારણ જાણી લઇએ. નોઇડાના ડોકટર સિદ્ધાર્થ ચૌધરી કરોલી સરકાર બાબાના દરબારમાં પરિવાર સાથે પહોંચ્યા હતા અને 2600 રૂપિયાની રસીદ ફડાવી હતી. કરોલી બાબાને ડોકટર સિદ્ધાર્થે સમસ્યા જણાવી અને બાબાએ મંત્ર-જાપ કરીને ડોકટરને પુછ્યું કે કોઇ ચમત્કારનો અનુભવ થયો?  ડોકટરે માથું ધુણાવીને ના પાડી, બાબાએ બીજી વખત પુછ્યું તો પણ સિદ્ધાર્થે ના પાડી. એટલે બાબાનો પારો ગયો અને સેવકોને ઇશારો કરીને ડોકટર સિદ્ધાર્થને તેના રૂમમાં બોલાવ્યા અને કરોલી બાબાની હાજરીમાં ડોકટરને સળિયાથી અને લાતથી માર મારવામાં આવ્યો તેમાં ડોકટરનું નાકનું હાડકું તુટી ગયું અને માથું ફુટી ગયું હતું. ડોકટર સિદ્ધાર્થે પોલીસને ફરિયાદ કરી પછી બાબાના આશ્રમમાં પોલીસ પહોંચી ગઇ અને તપાસ કરી રહી છે એટલે બાબા ચર્ચામાં આવ્યો. સિદ્ધાર્થની ફરિયાદ પછી અનેક લોક કરોલી બાબા સામે ફરિયાદ કરવા આગળ આવ્યા છે. પણ કરોલી બાબાની હજુ ધરપકડ થઇ નથી.

ભક્તની પિટાઇ કરીને ચર્ચામાં આવેલો કરોલી બાબા ઉર્ફે સંતોષ સિંહ ભદોરીયા મુળ ઉન્નાઇના પવઇ ગામમાં રહેતો હતો અને તે વખતે તેનું નામ સંતોષ સિંહ ભદોરીયા હતુ. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા સંતોષનું બાળપણ ગરીબીમાં વિત્યું હતું. પરંતુ તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના સપનાઓ પણ મોટા થવા માંડ્યા હતા, પરંતુ નસીબ સાથ આપતું નહોતું. સંતોષે વિચાર્યું કે લગ્ન કરી લેવા જોઇએ કદાચ નસીબ પલટાઇ જાય. પરંતુ હાલતમાં કોઇ સુધારો ન થયો. સંતોષને થયું કે પત્ની મનહૂસ છે  એટલે નસીબ નથી પલટાતું એટલે 3 વર્ષમાં છુટાછેડા લઇ લીધા.

સંતોષે મમતા તિવારી સાથે બીજા લગ્ન કર્યા. મમતાનો પરિવાર આર્થિક રીતે મજબુત હતો એટલે મમતાએ સંતોષને એક ટેમ્પો અપાવ્યો અને એ પછી સંતોષનું ગુજરાન સારી રીતે ચાલવા માંડ્યું. મમતા સાથેના લગ્ન જીવનમાં સંતોષના બે બાળકો થયા અને તેમના નામ લવ-કુશ રખાયા.

ટેમ્પો ચલાવ્યા પછી આવક સારી થતી હતી, પરંતુ સંતોષનુ મન હજુ ભરાયું નહોતું એને ટુંકા ગાળામાં અઢળક રૂપિયા કમાવવા હતા. કોઇ રસ્તો ન સુઝ્યો તો સંતોષે રાજકારણમાં ઝંપવાવ્યું અને શિવસેના જોઇન કરી હતી. શિવસેનામાં એને તક ન મળી એટલે પાર્ટી છોડીને ભારતીય કિસાન યુનિયન જોઇન કરી લીધું. ખેડુત આંદોલન વખતે ભારતીય કિસાન યુનિયનની અનેક સભામાં સંતોષ જતો અને પોલીસને લાઠી પણ ખાધેલી.

એમાં પણ એને મજા ન આવી એટલે પ્રોપર્ટી ડીલરનો ધંધો શરૂ કર્યો. વિવાદીત જમીનની ખરીદી કરવાનું એનું કામ હતું. 1992માં કાનપુરમાં એક માણસની હત્યા થઇ હતી જેમાં સંતોષનું પણ નામ હતું. તે જેલમાં ગયો પણ 1993માં જામીન પર બહાર આવી ગયો.

એણે વિચાર્યું કે રાજકારણ કે પ્રોપર્ટી ડીલર બનવાથી મોટા રૂપિયા મળી શકે તેમ નથી. તેણે વિચાર્યું કે બાબાગીરીની દુકાન શરૂ કરવી જોઇએ. એના માટે સંતોષ કેરળ ગયો અને અલગ અલગ થેરાપી શીખીને કાનપુર આવ્યો. કાનપુર આવ્યા પછી શરૂઆતમાં પોતાના જ ઘરમાં ક્લિનિક ખોલીને લોકોને આયુર્વેદિક લેપ લગાવી આપતો.

આ થેરાપીથી તેનો અમીર બનવાનો રસ્તો ખુલી ગયો અને તેની દુકાન ચાલવા માંડી. એ પછી સંતોષે કરોલી ગામમાં પોતાના બે પુત્રો લવ- કુશના નામે એક આશ્રમ ખોલ્યો અને એ જગ્યા પર એક મંદિર બનાવી દીધું. જેમ જેમ એની દુકાન ચાલતી ગઇ તેમ તેમ આશ્રમનો ફેલાવો પણ વધ્યો અને એક કસ્બા જેટલો વિસ્તાર તેણે કબ્જે કરી લીધો.

સંતોષ સિંહ ભદોરિયાની અદશ્ય શક્તિઓ અને તાકતના વાત ધીમે ધીમે ફેલાતી ગઇ અને તે મશહુર બની ગયો. તેના આશ્રમમાં આવતા લોકોને ગંભીરમાં ગંભીર બિમારીઓ સારી કરવાનો દાવો કરવામાં આવતો. ઘણા લોકોને તેનો ફાયદો પણ થયો.

એ પછી સંતોષ સિંહ ભદોરિયા કરોલી સરકાર બાબા તરીકે જાણીતો થયો અને રોગ અને સમસ્યાઓથી દુખી લોકોની મોટી ભીડ આશ્રમમાં આવવા લાગી. કરોલી બાબાને ખબર હતી કે આ દુકાન ચલાવવી હશે તો પબ્લિસીટી કરવી પડશે. એના માટે તેણે યુ-ટ્યુબ પર પોતાની સારવારને બતાવવા માંડી.

આશ્રમમાં જે કોઇ લોકો આવે તેના માટે કરોલી બાબા 3 શબ્દો બોલતો અને ભક્તો પાસે પણ બોલાવતો. આ શબ્દો છે ઓમ શિવ બેલેન્સ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp