મહિલાને ગળે લગાડવી ગુનો નથી,બ્રિજ ભૂષણની દલીલ પર પોલીસે કહ્યું- પૂરતા પુરાવા છે

PC: up.punjabkesari.in

મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના મામલામાં BJPના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એટલા પુરાવા છે કે, તે કેસ ચલાવવા માટે પૂરતા છે. આ વાત ખુદ સરકારી વકીલ અતુલ કુમાર શ્રીવાસ્તવે રૂઝ એવન્યુ કોર્ટમાં કહી છે. વકીલે આ કેસમાં દિલ્હી પોલીસની ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસની ચાર્જશીટ જોતા બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ આરોપો ઘડવામાં આવે. બ્રિજભૂષણ શરણ સિંહ પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ છે.

11 ઓગસ્ટે રૂઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરજીત સિંહ જસપાલે આ મામલે સરકારી વકીલની દલીલો સાંભળી હતી. આ પહેલા 9 ઓગસ્ટના રોજ બ્રિજ ભૂષણ શરણ સિંહના વકીલ રાજીવ મોહને દલીલ કરી હતી કે 'જાતીય ઉદ્દેશ્ય વિના મહિલાને સ્પર્શ કરવો એ ગુનાહિત પ્રવૃત્તિ નથી'. તેમણે કહ્યું હતું કે, બ્રિજ ભૂષણ સામેના એક આરોપમાં માત્ર ગળે લગાવવાનો સમાવેશ થાય છે. ગળે મળવાને ગુનો ન ગણવો જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું હતું.

11 ઓગસ્ટે પોતાની દલીલો આપતી વખતે વકીલે કોર્ટને કહ્યું હતું કે, 'આરોપીએ કયા ઈરાદાથી ગળે લગાવ્યો છે તે મહત્વનું છે.'

બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે કહ્યું હતું કે, મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે તેમની સામે હુમલો અથવા ફોજદારી બળનો કેસ બનતો નથી. આ અરજી પર અતુલ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, એક કેસમાં વારંવાર જાતીય સતામણી સામેલ હતી. તેમણે કહ્યું કે તેથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે હુમલો અને ફોજદારી બળનો કેસ કરવામાં આવે. તેમણે કહ્યું, 'ચાર્જશીટ માટે વિસ્તૃત કારણોની જરૂર નથી. ચાર્જશીટમાં આરોપીઓ સામે પૂરતા પુરાવા છે,'

બ્રિજ ભૂષણના વકીલ રાજીવ મોહને કહ્યું હતું કે, મહિલા કુસ્તીબાજોને લગતા ઘણા મામલા દિલ્હી કોર્ટના અધિકારક્ષેત્રની બહાર એટલે કે અન્ય રાજ્યોના છે અને તેમનો કેસ અહીં ચલાવી શકાય તેમ નથી. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, ભારત બહાર થયેલી ઘટનાના કેસોની સુનાવણી કેન્દ્ર સરકારની મંજૂરી વિના દેશની અદાલતોમાં થઈ શકે નહીં.

આ અંગે અતુલ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, જ્યારે સમગ્ર ઘટના વિદેશમાં થાય ત્યારે જ કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. તેમણે દલીલ કરી હતી કે, 'ગુનાનો એક ભાગ આ દેશની ધરતી પર કરવામાં આવ્યો હતો, તેથી કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી.'

તેમણે તો એવી પણ દલીલ કરી હતી કે, જો કોઈ ગુનો અંશતઃ એક વિસ્તારમાં અને અંશતઃ બીજા વિસ્તારમાં કરવામાં આવ્યો હોય, તો તે વિસ્તારની તમામ અદાલતો કેસ પર અધિકારક્ષેત્ર ધરાવી શકે છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 ઓગસ્ટે થશે. હાલ આ કેસમાં બ્રિજ ભૂષણ સિંહને જામીન મળી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp