હર્નિયાનું ઓપરેશન કરાવવા આવેલા દર્દીનું કાપી નાંખ્યું હાઇડ્રોસીલ અને...
બિહારના મુઝફ્ફરપુરના સકરામાં ગેરકાયદેસર ધમધમતા નર્સિંગ હોમમાં ઝોલાછાપ ડૉક્ટરે ગર્ભાશયનું ઓપરેશન કરતી વખતે કિડની કાઢી લીધી હતી. એક મહિલાના ગર્ભાશયના ઓપરેશનમાં પેશાબની નળી કાપી નાંખી હતી. હવે અહીંના ડૉક્ટરે અનોખું કાંડ કરી દીધુ છે. હર્નિયાના ઓપરેશન માટે આવેલા દર્દીનું હાઇડ્રોસીલ જ કાપી નાંખ્યુ છે. મામલો મુઝફ્ફરપુર પોલીસ ક્ષેત્રના સકરા પોલીસ સ્ટેશનનો છે. અહીં રેલવે ફાટકની પાસે શિવ શક્તિ નર્સિંગ હોમના નામથી એક પ્રાઇવેટ હોસ્પિટલ છે. અહીં ગત 10 એપ્રિલે સકરા વાજિદમાં રહેતા કૈલાશ મહતોનું હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ ગેરકાયદેસર નર્સિંગ હોમમાં હર્નિયાની સારવાર તો યોગ્યરીતે થઈ નહીં, ઉલ્ટું હાઇડ્રોસીલ જ કાપીને હટાવી દીધુ છે. તેના કારણે દર્દીની સ્થિતિ બગડી ગઈ છે. મીડિયાની સાથોસાથ પ્રશાસનની નજરમાં મામલો આવ્યા બાદ આરોપી નર્સિંગ હોમનો સંચાલક અને ડૉક્ટર પણ ફરાર થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હર્નિયાના ઓપરેશન બાદ કૈલાશને પેટ અને હાઇડ્રોસીલમાં સોજો આવવા માંડ્યો. જ્યારે હાલત બગડવા માંડી, તો બે દિવસ બાદ ફરી એ જ હોસ્પિટલમાં ઓપરેશન કર્યું. આ દરમિયાન દર્દીનું હાઇડ્રોસીલ જ કાપીને હટાવી દીધુ અને પરિવારજનોને જણાવ્યું કે, બીમારીનું અસલી કારણ જ હટાવી દેવામાં આવ્યું છે.
પરંતુ, ત્યારબાદ પણ દર્દીને આરામ ના મળ્યો. તેની હાલત બગડવા માંડી. પરિવારજન તેને દૂરની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા પરંતુ, હોસ્પિટલના સ્ટાફે તેને ના જવા દીધો. પછી સ્થાનિક જનપ્રતિનિધિના સહયોગથી તેને મુઝફ્ફરપુરની ચાંદની ચોક સ્થિત ચાણક્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મામલાની જાણકારી, મીડિયા અને પ્રશાસનને મળ્યા બાદ શિવ શક્તિ પ્રાઇવેટ હોસ્પિટલના લોકો ફરાર થઈ ગયા છે. પીડિતોને સતત ડરાવવા-ધમકાવામાં આવી રહ્યા છે. પીડિતની પત્ની સંગીતા દેવીએ જણાવ્યું કે, 7 એપ્રિલે પતિનું હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ તેમનું પેટ ફુલી ગયું. નર્સને કીધુ, તો તેણે જણાવ્યું કે ગેસ થઈ ગયો છે, ઇંજેક્શનથી કાઢવામાં આવશે.
ત્યારબાદ ડૉક્ટર આવ્યા અને તેઓ મારા પતિને અંદર લઈ ગયા. બેભાન કરીને પતિનું એક હાઇડ્રોસીલ કાઢી નાંખ્યું. અમને તે અંગે કોઈ જાણકારી નહોતી કે અંદર ઓપરેશન થઈ રહ્યું છે. ત્યારબાદ ડૉક્ટરે હાઇડ્રોસીલ બતાવતા કહ્યું કે, બીમારીના મૂળને જ કાપીને હટાવી દેવામાં આવ્યું છે.
આ અંગે સિવિલ સર્જન ઉમેશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે, મામલાની જાણકારી મળી છે. પીએચસી પ્રભારી પાસે ડિટેલ મંગાવીને કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાના તમામ પીએચસી પ્રભારીને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ નજર રાખે કે તેમના ક્ષેત્રમાં જેટલા પણ ગેરકાયદેસર નર્સિંગ હોમ્સ ચાલી રહ્યા છે, તેની જાણકારી આપે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવે. તેના પણ આદેશ પીએચસી પ્રભારીને આપવામાં આવ્યા છે. પીએચસીની પાસે જ નર્સિંગ હોમમાં આ ઘટના બની છે. આથી, પીએચસી પ્રભારી પાસે તેના પર પણ જવાબ માંગવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp