અમિત શાહની સિક્યોરિટી છું એમ કહીને SDMને દમ મારનારને જેલ ભેગો કરાયો

મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં SDMને ધમકાવવાના ચક્કરમાં એક વ્યક્તિને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ કટની જિલ્લાના ઢીમરખેડાની SDM ઓફીસમાં પહોંચીને રંજીત પટેલ નામના વ્યકિતએ SDM વિંકી સિંહમારેને પોતાની ઓળખ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પર્સનલ સિક્યોરિટી અને લેફટેન્ટ કમાન્ડો તરીકે આપી હતી અને પોતાના એક જમીન વિવાદનો ઉકેલ લાવવા માટે SDMને દમ મારીને કહ્યુ હતુ કે,મારું કામ થઇ જવું જોઇએ.
જાણવા મળેલી માહિતી મુજબ જબલપુરના બુઢરા ગામમાં રહેતા રંજીત પટેલે SDMને પોતાની વિવાદીત જમીનનું કામ પતાવી દેવા ધમકી આપી હતી જેને પગલે SDM વિંકી સિંહમારેએ ઢીમરખેડા પોલીસ સ્ટેશનમાં રંજીત પટેલ સામે અભદ્રતા કરવા સામે અને સરકારી કામમાં અડચણ ઉભી કરવાની ફરિયાદ નોંધાવી હતી.રંજીત પટેલ 33 વર્ષનો છે.
ઢીમરખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મોહમમ્દ શાહિદ ખાને કહ્યુ હતું કે SDMની ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી. યુવકની પુછપરછમાં જાણવા મળ્યું કે તેની દિલ્હી આર્મીમાં પોસ્ટિંગ છે. સુરક્ષાને લગતી વિવિધ વિભાગીય તાલિમ પણ રંજીત પટેલે મેળવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પર્સનલ સિક્યોરીટામાં સામેલ હોવાના દાવાની જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી હતી કે અમિત શાહની પર્સનલ સિક્યોરીટીમાં રંજીત પટેલ નામનો કોઇ માણસ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નામ વટાવવાને કારણે મામલો વધારે ગંભીર બની ગયો હતો. તેથી, તેની માહિતી કલેક્ટર અવિ પ્રસાદ અને SP અભિજીત કુમાર રંજનને આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે યુવક વિરુદ્ધ કલમ 419 અને 186 હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેને બુધવારે બપોરે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આખો દિવસ એવી અફવા ફેલાઈ હતી કે કેન્દ્રીય મંત્રી અમિત શાહની સુરક્ષાને ટાંકીને યુવકે કલેક્ટર અને SP સાથે ફોન પર બકવાસ કર્યો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ કેસમાં પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે SDMની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
કેન્દ્રીય લેવલના નેતાઓના નામ પર ચરી ખાવાની એક નવી ફેશન ઉભી થઇ છે. ગુજરાતમાં થોડા સમય પહેલા બોગસ PMO ઓફિસર તરીકે કિરણ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp