શાહી પરિવારથી છું, જૂઠું બોલી 112 દિવસ 5 સ્ટાર હોટલમાં કરી મજા, 24 લાખ બિલ પછી..

PC: tripadvisor.in

'હું શાહી પરિવારનો કર્મચારી છું...' રાજધાની દિલ્હીની 5 સ્ટાર હોટલ ધ લીલા પેલેસમાં એક વ્યક્તિએ એવું ખોટું બોલ્યું કે હોટલનો સ્ટાફ મૂંઝવણમાં આવી ગયો. આ વ્યક્તિએ એક-બે દિવસ નહીં પણ 112 દિવસ હોટલમાં વિતાવ્યા અને 24 લાખનું બિલ ભર્યા વિના જ ફરાર થઈ ગયો. હવે દિલ્હી પોલીસ આ વ્યક્તિને શોધી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી વ્યક્તિનું નામ મોહમ્મદ શરીફ છે, જેણે હોટલ સ્ટાફને કહ્યું હતું કે, 'હું સંયુક્ત આરબ અમીરાત (UAE)નો રહેવાસી છું અને અબુ ધાબીના શાહી પરિવાર માટે કામ કરું છું.'

દિલ્હી પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી અને ચોરીનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે શરીફ ગયા વર્ષે 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી લીલા પેલેસ હોટેલમાં રોકાયો હતો અને કોઈને જાણ કર્યા વિના ત્યાંથી નીકળી ગયો હતો. એટલું જ નહીં, આ વ્યક્તિએ કથિત રીતે હોટલના રૂમમાંથી ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓની પણ ચોરી કરી છે. હોટલ મેનેજમેન્ટની ફરિયાદ પર શનિવારે શરીફ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે શરીફે હોટલના અધિકારીઓને કહ્યું કે તે UAEમાં રહે છે અને અબુ ધાબીના શાહી પરિવારના સભ્ય શેખ ફલાહ બિન જાયદ અલ નાહયાનની ઓફિસમાં કામ કરે છે. પોલીસે જણાવ્યું કે તેણે નકલી બિઝનેસ કાર્ડ, UAE સિટિઝન કાર્ડ અને અન્ય દસ્તાવેજો બતાવ્યા. પોલીસે હવે આ દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. આરોપી મહિનાઓ સુધી હોટલના રૂમ નંબર 427માં રહ્યો, ત્યારબાદ તેનું 23 લાખ 46 હજાર 413 રૂપિયાનું બિલ આવ્યું.

શરીફે કથિત રીતે હોટલના સ્ટાફને ખોટું કહ્યું કે તે શેખ સાથે અંગત રીતે કામ કરે છે અને તે જ સંબંધમાં ભારતમાં આવ્યો છે. શરીફ હોટલના સ્ટાફને UAEમાં તેના કામ અને જીવન વિશે જણાવતો હતો, જેનાથી હોટેલ સ્ટાફ હેરાન થઈ ગયો હતો. તેણે પોતાની જાતને એવી રીતે રજૂ કરી કે જાણે તે શાહી પરિવારનો કોઈ પ્રભાવશાળી કર્મચારી હોય.

પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિનું કુલ બિલ રૂ. 35 લાખ આવ્યું હતું, પરંતુ તેણે લાંબા સમય સુધી હોટલમાં રોકાવા માટે લગભગ રૂ. 11.5 લાખ ચૂકવ્યા હતા. પોલીસના એક અધિકારીએ કહ્યું, “અમને નથી લાગતું કે તેના આઈડી કાર્ડ અસલી છે અને તે અબુ ધાબીના શાહી પરિવારથી કોઈ સંબંધ ધરાવે છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે ભૂતકાળમાં પણ આવું કર્યું છે કે કેમ. થોડા લાખ ચૂકવ્યા પછી, તેણે હોટલને 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો, પરંતુ તે બાઉન્સ થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp