હું રાજ ઠાકરેને ફોન કરવા તૈયાર છું, ઉદ્ધવ ઠાકરેનું અચાનક હૃદય પરિવર્તન કેમ?

PC: abplive.com

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટી હલચલ થવાની હોય એવું લાગી રહ્યું છે. તેની પાછળનું કારણ ઉદ્ધવ ઠાકરેનું તે નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને ફોન કરવા માટે તૈયાર છે. હકીકતમાં, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સ્મારકને લઈને રાજ ઠાકરેને ફોન કરવા તૈયાર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જ્યારે તક મળશે ત્યારે તેઓ રાજ ઠાકરે સાથે વાત કરશે. BMC સહિતની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષના કાર્યકરો વારંવાર વિનંતી કરી રહ્યા છે કે, બંને ભાઈઓએ હવે સાથે આવવું જોઈએ. જો કે, ઉદ્ધવ ઠાકરેએ શિવસેના-MNS ગઠબંધન પર કોઈ વાત કરી નથી, જ્યારે રાજ ઠાકરેએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની પાર્ટી કોઈની સાથે ગઠબંધન કરશે નહીં, પરંતુ એકલા હાથે ચૂંટણી લડશે. મુંબઈમાં શિવાજી પાર્કની સામે મેયરના બંગલામાં બાળાસાહેબ ઠાકરેનું સ્મારક બનાવવામાં આવનાર છે.

રાજ ઠાકરેના પિતા અને બાળ ઠાકરેના ભાઈ શ્રીકાંત ઠાકરે પાસે બાળાસાહેબ ઠાકરેના ઐતિહાસિક ભાષણોની નકલ હતી. હવે આ તમામ ભાષણોની નકલ રાજ ઠાકરે પાસે હોવાની આશા છે. ઉદ્ધવ ઠાકરે આ વસ્તુઓનો ઉપયોગ સ્મારકમાં કરવા માંગે છે. જેથી કરીને સ્મારક પર આવતા લોકોને બાળ ઠાકરે વિશે વધુમાં વધુ માહિતી મળી શકે. તેથી જ ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેને ફોન કરવાનું વિચારી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે દ્વારા રાજ ઠાકરેને ફોન કરવાના મામલે MNS નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું છે કે, જે વ્યક્તિ પોતે કોઈનો ફોન નથી ઉપાડતો તેના મનમાં આવા જ સવાલો ઉભા થઈ શકે છે. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, જો રાજ મારો ફોન ઉપાડશે તો હું તેમને ફોન કરવા તૈયાર છું. દેશપાંડેએ કહ્યું કે, જ્યાં સુધી હું રાજ સાહેબને જાણું છું, તેઓ મારા સામાન્ય કાર્યકરનો ફોન પણ ઉપાડે છે અને તેમની તબિયત વિશે પૂછે છે. જેણે ફોન કરવો છે તે સીધો ફોન કરી લેશે, આવા નિવેદનો નહીં કરે. ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન રાજ ઠાકરેને ફોન કરવાની વાત કહી છે. હજુ સુધી રાજ ઠાકરેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનો પડછાયો કહેવામાં આવતો હતો. રાજ ઠાકરે દરેક સમયે, દરેક જગ્યાએ, દરેક રેલી અને દરેક સભામાં બાળ ઠાકરે સાથે જોવા મળતા હતા. રાજ ઠાકરેની ચાલ, વાત અને ભાષણમાં બાળાસાહેબની ઝલક દેખાતી હતી. શિવસેનામાં દરેકને લાગ્યું કે, બાળ ઠાકરે પછી શિવસેનાની કમાન રાજ ઠાકરેના હાથમાં જશે. રાજ પોતે પણ એવું જ માનતો હતો. કહેવાય છે કે, પુત્રમોહના કારણે બાળ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવ્યા હતા. અહીંથી રાજ અને ઉદ્ધવ વચ્ચેની નિકટતામાં અંતર આવી ગયું. આ પછી રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp