'હું હજી જીવતો છું, પત્ની સાથે રહું છું, 'મૃત' વ્યક્તિનો CMને પત્ર

PC: 10tv.in

બિહારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિહાર પોલીસે છ મહિના પહેલા એક વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો, પરંતુ હવે તે જ વ્યક્તિએ CM નીતિશ કુમાર અને DGP અને દેવરિયા પોલીસ સ્ટેશનને પત્ર લખ્યો છે. પત્રમાં, વ્યક્તિએ લખ્યું, 'તે જીવિત છે અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેની પત્ની સાથે રહે છે.

CM નીતિશ કુમારને પત્ર લખનાર 'મૃત' વ્યક્તિની ઓળખ સોનુ કુમાર શ્રીવાસ્તવ તરીકે થઈ છે. બિહાર પોલીસના રેકોર્ડ મુજબ 30 વર્ષીય યુવક લગભગ 6 મહિના પહેલા દેવરિયા ગામમાંથી ગુમ થયો હતો.

સોનુના પરિવારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 'સોનુ પટનામાં સામાન ખરીદવા ગયો હતો, પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો. બે દિવસ પછી, પોલીસે દેવરિયા વિસ્તારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મેળવ્યો અને પરિવારને ઓળખ માટે બોલાવ્યા. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સોનુ કુમાર શ્રીવાસ્તવના પિતા અને પરિવારના સભ્યોએ તેમના મૃતદેહની ઓળખ કરી હતી. આ સાથે પોલીસમાં અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

સોનુ શ્રીવાસ્તવે પોતાના પત્રમાં દાવો કર્યો છે કે, તે પટનાથી કેટલોક સામાન ખરીદવા માટે 50,000 રૂપિયા લઈને જઈ રહ્યો હતો. દરમિયાન તે બસમાં ચડી ગયો.

દેવરિયા પોલીસ સ્ટેશનના SHO ઉદય કુમાર સિંહે જણાવ્યું હતું કે, સોનુના પિતાએ તેમના પુત્રના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. SHOએ કહ્યું કે, બે દિવસ પછી આ વિસ્તારમાં એક લાશ મળી હતી અને પરિવારને લાશની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સોનુ શ્રીવાસ્તવના પરિવારે લાશને તેમના પુત્ર તરીકે ઓળખી કાઢી હતી.

દેવરિયાના SHO ઉદય કુમાર સિંહે મીડિયાના સૂત્રોને જણાવ્યું હતું કે, બસમાંથી ઉતર્યા પછી, તે થોડા મીટર સુધી ચાલ્યો અને પછી ગાયબ થઈ ગયો. અમને તેના પિતા તરફથી ગુમ થયાની ફરિયાદ મળી હતી. જેના છેલ્લા ફોનના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. થોડા દિવસો બાદ સોશિયલ મીડિયા પર ગળું કાપેલી લાશ સામે આવી. જેમને શ્રીવાસ્તવના પરિવારજનોએ તેમના પુત્ર તરીકે ઓળખી કાઢ્યા હતા. જે બાદ તેણે અપહરણ બાદ હત્યાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

આ વ્યક્તિએ તેના પત્રમાં દાવો કર્યો હતો કે, તેને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ હતો. તે તેની સાથે ભાગી ગયો. જે બાદ બંને ગાઝિયાબાદમાં રહેવા લાગ્યા. સોનુએ પત્રની સાથે CM નીતિશ કુમાર અને પોલીસને પોતાના લગ્નના પુરાવા પણ મોકલ્યા છે. પોલીસ અધિકારી ઉદય કુમાર સિંહે કહ્યું કે, પત્ર મળ્યા બાદ અમે તેના પરિવારને આ અંગે જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp