'મને ડ્રાય ફ્રૂટ્સ અને મિનરલ વોટર જોઈએ છે', જેલમાં બંધ MLAએ કોર્ટમાં કરી અરજી
શુક્રવારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રમાકાંત યાદવને MP-MLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે ન્યાયાધીશ પાસે જેલમાં ડ્રાય ફ્રૂટ્સ અને મિનરલ વોટર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. તેની બગડતી તબિયતનો ઉલ્લેખ કરીને રમાકાંતે કહ્યું કે, તેને જેલમાં ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલ ખોરાક આપવામાં આવતો ન હતો. અહીં તમને જણાવી દઈએ કે, ફુલપુર પવઈના SP ધારાસભ્ય રમાકાંત યાદવ હાલમાં ઉત્તર પ્રદેશની ફતેહગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
બાહુબલી SP ધારાસભ્ય રમાકાંત યાદવને શુક્રવારે ચાર કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા MP/ MLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આગામી સુનાવણી 20 જૂને હાથ ધરવામાં આવશે કારણ કે અહરૌલા અને ફુલપુર વિસ્તારમાં દારૂના બે મામલે અને અંબારી ચોકમાં 1998ની લોકસભા ચૂંટણી દરમિયાન ફાયરિંગના મામલે જજ રજા પર હતા.
વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી દરમિયાન BSNLના કર્મચારીને લૂંટવા અને મારપીટ કરવાના કેસમાં SP ધારાસભ્યને હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રમાકાંતે જજની સામે પોતાનું દર્દ વ્યક્ત કર્યું. SP ધારાસભ્યએ કહ્યું કે, તેમનો યોગ્ય ઈલાજ કરવામાં નથી આવી રહ્યો. સુગરને કારણે તેની હાલત ખરાબ થઈ રહી છે. ધારાસભ્ય હોવાને કારણે પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. તેમને સારું ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
રમાકાંત યાદવે કહ્યું કે, જો સરકાર તેમનો ખર્ચ ઉઠાવવા સક્ષમ ન હોય તો તેમને અંગત ખર્ચે ભોજન અને અન્ય સુવિધાઓની મંજૂરી આપવી જોઈએ. આ અંગે રમાકાંતના વકીલ વતી લેખિત અરજી પણ કોર્ટમાં આપવામાં આવી હતી. જે અંગે જજ અશોક કુમાર સિંહે ફતેહગઢ જેલ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ મામલે 22 જૂને સુનાવણી થશે.
રમાકાંત યાદવની ગણતરી ઉત્તર પ્રદેશના મજબૂત નેતાઓમાં થાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં, રમાકાંતે સમાજવાદી પાર્ટીના તત્કાલિન અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટ અને તેમના સમગ્ર પરિવારને તેમના પ્રચાર માટે મેદાનમાં ઉતારવા દબાણ કર્યું. આ પછી તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. અપક્ષ તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરનાર રમાકાંત રાજ્યની ચારેય મોટી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે. તેઓ SP, BSP, BJP થઈને કોંગ્રેસમાં પહોંચ્યા અને ફરી પાછા એ જ SPમાં જોડાયા, જેમાં તેઓ બે વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહ્યા.
રમાકાંત યાદવે પહેલીવાર 1985માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે આઝમગઢના ફૂલપુરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. ત્યારથી, લગભગ 38 વર્ષની રાજકીય સફરમાં રમાકાંત ચાર વખત ધારાસભ્ય અને માત્ર ચાર વખત સાંસદ રહ્યા છે. રમાકાંત યાદવ વર્ષ 1989માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર આઝમગઢ જિલ્લાના ફુલપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતીને બીજી વખત વિધાનસભા પહોંચ્યા હતા. આ પછી તેઓ SPમાં જોડાયા અને 1991 અને 1993માં પણ વિજયી થઈને વિધાનસભામાં પહોંચ્યા હતા.
બાહુબલી રમાકાંતની ગણતરી ટૂંક સમયમાં SPના સ્થાપક મુલાયમ સિંહ યાદવના નજીકના સહયોગીઓમાં થવા લાગી. 1996ની લોકસભા ચૂંટણીમાં SPએ તેમને આઝમગઢ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. રમાકાંતે આઝમગઢમાં SPનો ઝંડો ફરકાવ્યો. તેઓ 1999માં ફરી ચૂંટણી જીત્યા. 2004માં, રમાકાંત SPની સાયકલ પરથી ઉતર્યા અને હાથી પર સવારી કરતા જીતી ગયા. 2009ની ચૂંટણીમાં તેઓ BJPની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. 2014ની મોદી લહેરમાં રમાકાંતને મુલાયમ સિંહ યાદવે હરાવ્યા હતા. 2019માં તેમને BJP તરફથી ટિકિટ ન મળી, પછી તેઓ કોંગ્રેસની ટિકિટ પર ભદોહીથી ચૂંટણી લડ્યા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp