મધ્ય પ્રદેશ જીતવું સહેલું નથી આ વખતે, 25 સીટો અઘરી પડવાની છે

PC: facebook.com/UmaBhartiOfficial

મધ્ય પ્રદેશના પૂર્વ મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા ઉમા ભારતીએ લોધી સમાજના એક સંમેલનમાં નિવેદન આપીને ભાજપની ઉંઘ હરામ કરેલી છે. હવે ઉમા ભારતીએ કહ્યું છે કે હું મારા નિવેદનનું ખંડન કરતી નથી, કારણકે હું આવું જ બોલી છું. સાથે એમ પણ કહ્યુ કે PM મોદી મારા નેતા, ભાજપ મારી પાર્ટી છે.

ઉમા ભારતીએ તાજેતરમાં ભોપાલમાં લોધી સમાજના એક સંમેલનમાં કહ્યુ હતું કે, તમે તમારા હીતાનો ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં મતદાન કરજો, હું તમને ભાજપને વોટ આપવા માટે કહેતી નથી. નિવેદન પછી, કોંગ્રેસ તરફથી પ્રહારો થતા ઉમા ભારતીએ ફરી સામે આવીને નિવેદન આપ્યું છે.

ઉમા ભારતીએ ટ્વીટ કરીને પોતાના નિવેદનનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, 25 ડિસેમ્બરે લોધી સમાજના એક કાર્યક્રમમાં હું ગઇ હતી. ત્યાં મેં જે ભાષણ આપ્યું હતું. તેનો એક અંશ સોશિયલ મીડિયામાં આવી રહ્યો છે અને અખબારોમાં પ્રકાશિત થયો છે. એનું ખંડન કરવાની જરૂર નથી, કારણકે હું બિલકુલ આવું જ બોલી હતી. પરંતુ મારા ભાષણના પહેલાં કેટલાંક વાક્યો બતાવવા જરૂરી હતા એટલે ટ્વીટ કરું છું.

ઉમા ભારતીએ કહ્યું, મેં એવું કહ્યું હતું કે, 2018ના મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કેટલાંક વિધાનસભા વિસ્તારમાં મારી સભા પહેલાં લોધી સમાજમાંથી મારા પર કેટલાંક ફોન આવ્યા હતા કે દીદી તમારી સભા રદ કરો, કારણકે અમે અહીંના ભાજપના ઉમેદવારથી નારાજ છીએ. એનો મેં તે દિવસે જવાબ આપ્યો હતો. આ વાત જાહેરમાં મેં પહેલીવાર નથી કરી.

જ્યારે અમે વિધાનસભાની ચૂંટમી હારી ગયા હતા અને કોંગ્રેસનું એક ગ્રુપ ભાજપમાં આવ્યું અને તેના સહારે અમે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી હતી, મંત્રી મંડળ બનાવ્યું હતું. ત્યારે પણ મેં જાહેરમાં કહ્યું હતું કે આ મંત્રી મંડળમાં જાતિ અને પ્રદેશનું સંતુલન ખોરવાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા નેતા અને ભાજપ મારી પાર્ટી એવો ઉલ્લેખ કરીને ઉમા ભારતીએ લખ્યું કે, હિંદુત્વ મારી નિષ્ઠા, ભારત મારો પ્રાણ અને સંસારના બધા અભાવગ્રસ્ત લોકો મારા દીલમાં વસેલા છે. મોદી મારા નેતા, ભાજપ મારી પાર્ટી, મેં કદી ભાજપ છોડી નથી.

કોંગ્રેસના પ્રહાર પર ઉમા ભારતીએ કહ્યું કે, કોંગ્રેસે અમારી વચ્ચે આવવાની જરૂર નથી, ભાજપ મને સાઈડલાઈન કરતી નથી, મારી પોતાની એક સીધી લીટી છે અને હું તેના પર ચાલીશ. ઉમા એ એક કવિતા પણ લખી કે स्वयं का मोक्ष एवं जगत का कल्याण. सूर्य की रोशनी, चंद्रमा की चांदनी, हवा का झोंका, फूलों की सुगंध, नदी की तरंग और शक्कर की मिठास, આ બધું ક્યારેય સાઇડ લાઇન થતું નથી.તે અંદર અને બહાર વસેલા હોય  છે.

અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે અનેક વખત બગાવત કરી ચૂકેલા ઉમા ભારતીએ ટ્વીટ કરીને એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ભાજપનું હાઇકમાન્ડ તેમના નિવેદન માટે માફી માંગવા કે પરત ખેંચવાની આશા ન રાખે.

મધ્ય પ્રદેશમાં લગભગ 60થી 65 બેઠકો એવી છે જેની પર લોધી સમાજના મત ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. બુંદેલ ખંડ,ગ્વાલિયર અને ચંબલની સીટો પર લોધી સમાજનો દબદબો છે. ઉપરાંત લોધી સમાજના મતદારો બાલાઘાટ, સાગર, ખજુરાહો,દમોહ, વિદિશા, હોશંગાબાદ સહિત 29 માંથી 19 લોકસભા બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

હવે સવાલ એ છે કે શું ઉમા ભારતી અને ભાજપ વચ્ચે બધું સમુસુથરું નથી ચાલી રહ્યું? જો એવું હોય તો 2023માં મધ્ય પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપની ચિંતા વધારી શકે છે.

ભારતીય રાજકારણમાં કલ્યાણ સિંહ પછી ઉમા ભારતીને લોધી સમાજના મોટા નેતા માનવામાં આવતા હતા અને ભાજપમાં પણ તેમને આ આધાર પર જ મહત્ત્વ મળતું હતું, પરંતુ હવે આવું રહ્યું નથી. આ કારણે જ ઉમા ભારતીએ લોધી સમાજના સંમેલમાં કહ્યુ હતું કે તમારા હીતોને ધ્યાનમાં રાખીને મતદાન કરજો, હું નહીં કહું કે તમે ભાજપને મત આપજો.

ઉમા ભારતીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના નજીકના સંબંધી પ્રીતમ સિંહ લોધીને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમા ભારતીની લોધી સમાજ પર ઉંડી પકડ છે અને તેઓ સારી રીતે જાણે છે કે વર્તમાન સમયની રાજનીતિ પર જાતિવાદ હાવી છે. પાર્ટી પર જો ઉમાએ દબાણ વધારવું હોય તો આ જ રસ્તો પસંદ કરવો પડે. એટલે ઉમાએ પાર્ટીને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે મારા સમાજ માટે વોટ નહીં માગીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp