'જો આપણે ત્રિશુલ લઈને નહીં ઉતરીએ તો દેશ મુસ્લિમ રાષ્ટ્ર બની જશે',BJP નેતા પર FIR

PC: livehindustan.com

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન BJP નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. BJP નેતા જય ભગવાન ગોયલ વિરુદ્ધ એક ખાસ સમુદાય વિરુદ્ધ નિવેદન આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. BJPના નેતા જય ભગવાન ગોયલે કહ્યું કે, જો આપણે ત્રિશુલ સાથે રસ્તા પર નહીં આવીએ તો 5 થી 7 વર્ષમાં ભારત મુસ્લિમ રાષ્ટ્ર બની જશે. આ અંગે દિલ્હી પોલીસે જય ભગવાન ગોયલના ઉશ્કેરણીજનક નિવેદન સામે કેસ નોંધ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, સંયુક્ત હિંદુ મોરચાએ ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિન્દુ રાષ્ટ્ર માટે પંચાયતનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં BJPના અનેક નેતાઓએ પણ ભાગ લીધો હતો. તેમણે કાર્યક્રમમાં માત્ર મુસ્લિમો વિશે જ નિવેદન આપ્યું ન હતું પરંતુ એમ પણ કહ્યું હતું કે 'કોઈ મુસ્લિમ નેતાએ PFIની નિંદા કરી નથી, કારણ કે બધા મુસ્લિમો સમાન છે. જો આપણે હાથમાં ત્રિશૂલ લઈને રસ્તા પર નહીં નીકળીએ તો 5-7 વર્ષમાં ભારત મુસ્લિમ રાષ્ટ્ર બની જશે.આટલું જ નહીં, તેમણે મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાનું પણ આહ્વાન કર્યું હતું અને બધાને હિન્દુ રાષ્ટ્રનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં દિલ્હી BJPના કોષાધ્યક્ષ રામ અવતાર ગુપ્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાએ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ધર્મ સંસદ અપ્રિય ભાષણ કેસમાં અભદ્ર ભાષાના ઉપયોગના કેસમાં FIR અને ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ માટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે દિલ્હી ધર્મ સંસદ અપ્રિય ભાષણ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા પછી દિલ્હી પોલીસ સામેની અવમાનના અરજીનો પણ નિકાલ કર્યો હતો. કોંગ્રેસની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

પંચાયતની બેઠકને સંબોધતા ગોયલે કહ્યું કે, કોઈ પણ હિંદુએ અન્ય ધર્મના લોકોને તેમના ઘર કે દુકાનો વેચવી કે ભાડે આપવી જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે, 'અમે પહેલા ઉત્તર-પૂર્વ દિલ્હીને હિન્દુ રાષ્ટ્ર જિલ્લો બનાવીશું અને પછી સમગ્ર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.'

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણોનો ઉલ્લેખ કરતા, તેમણે આરોપ લગાવ્યો કે, આ વિસ્તારને 'મિની પાકિસ્તાન' બનાવવાનું કાવતરું હતું. ગોયલે ભારતને 'ગઝવા-એ-હિંદ' બનાવવાની યોજનાઓ વિશે લોકોને ચેતવણી પણ આપી હતી.

તેણે કહ્યું, 'આ ટોપીવાળાઓ પાકિસ્તાન જેવા ઈસ્લામિક દેશોના કહેવા પર 2047 સુધીમાં ભારતને 'ગઝવા-એ-હિંદ'માં પરિવર્તિત કરવાની યોજના બનાવી રહ્યા છે. જો આપણે 'ત્રિશૂલ' નહીં ચલાવીએ અને જો આપણે શેરીઓમાં બહાર નહીં આવીએ, તો આપણી માં-બહેનોને બુરખા પહેરવાની ફરજ પડી શકે છે અને બાળકોને ટોપી પહેરવાની ફરજ પાડવામાં આવી શકે છે.'

જ્યારે, સભાને સંબોધતા સૂર્ય ચૈતન્ય મહારાજે કહ્યું કે, 'ઉત્તર-પૂર્વ દિલ્હી અને પછી સમગ્ર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે હિન્દુઓએ પહેલા એક થવાની જરૂર છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp