વિદ્યાર્થિનીઓએ શિક્ષણ અધિકારીની કાર તોડી, કારણ જાણીને તંત્ર પર ગુસ્સો આવશે

PC: hindi.thequint.com

બિહારના વૈશાલી જિલ્લામાં એક સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ 12 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ વિભાગના અધિકારીના વાહનમાં તોડફોડ કરી હતી આરોપ છે કે, શાળામાં મૂળભૂત સુવિધાઓ સારી સ્થિતિમાં નથી એટલા માટે વિદ્યાર્થિનીઓએ આવું કર્યું.

મીડિયા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ મામલો બિહારના મહનાર સ્થિત ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે સંબંધિત છે. આરોપ છે કે, વિદ્યાર્થિનીઓ શાળામાં નબળી બેઠક વ્યવસ્થાથી નારાજ હતી. તેઓનો આક્ષેપ છે કે શાળામાં યોગ્ય બેઠક વ્યવસ્થા નથી. તેમના માટે પૂરતી ડેસ્ક કે બેન્ચ નથી.

મહનાર SDO નીરજ કુમારે સ્વીકાર્યું કે, શાળાએ તેની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. જેના કારણે ઘણી છોકરીઓને વર્ગની બહાર બેસવાની ફરજ પડી હતી.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, નીરજ કુમારે કહ્યું, 'સ્કૂલના ક્લાસમાં બેસવાની પૂરતી વ્યવસ્થા નથી. શાળા મેનેજમેન્ટે વર્ગમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. ત્યાર પછી બહાર બેસવાની ફરજ પાડવામાં આવેલી વિદ્યાર્થિનીઓએ રસ્તા પર પ્રદર્શન કર્યું અને અધિકારીની કારમાં તોડફોડ કરી.'

અધિકારીએ માહિતી આપી કે, પોલીસે વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓને શાંત કરી અને તેમને ત્યાંથી ખસી જવા માટે કહ્યું. રિપોર્ટ અનુસાર, સ્કૂલ મેનેજમેન્ટ હવે બે શિફ્ટમાં ક્લાસનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.

મીડિયા સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધી શાળામાં બેઠકની કોઈ સમસ્યા નહોતી. તેનું કારણ એ હતું કે, મોટાભાગની વિદ્યાર્થીનીઓ નિયમિત શાળાએ આવતી ન હતી. પરંતુ તાજેતરમાં શિક્ષણ વિભાગે 75 ટકા હાજરી ફરજિયાત બનાવી છે. ત્યાર પછી શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 12 સપ્ટેમ્બરના રોજ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ શાળામાં ભણવા માટે આવ્યા હતા. જ્યારે તેમને બેસવાની જગ્યા ન મળી તો તેમને ક્લાસની બહાર બેસી જવું પડ્યું.

કેટલાક અહેવાલો અનુસાર એક મહિલા પોલીસકર્મીએ વિરોધ કરી રહેલી કેટલીક વિદ્યાર્થીનીઓને થપ્પડ મારી હતી. ત્યાર પછી યુવતીઓ હિંસક બની હતી.

મહનાર પોલીસ સ્ટેશન ઓફિસર પુષ્પા કુમારીએ આ મામલાને લઈને કહ્યું, 'છોકરીઓએ મળીને કાર પર પથ્થરમારો કર્યો. અમે તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કારને નુકસાન પહોંચાડ્યું. છોકરીઓ ભૂલ પર ભૂલ કરી રહી છે. બાળકોને શાંતિ રાખવાનું કહ્યું હતું. બેસીને વાત કરવાનું કહ્યું હતું, પરંતુ તેમણે વાત કરી નહીં. છોકરીઓની માંગણીઓ અંગે શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp