આકરા તાપમાં, તૂટેલી ખુરશીના સહારે વૃદ્ધા પેન્શન લેવા ઉઘાડા પગે ચાલી બેંક પહોંચી

PC: jagran.com

સોશિયલ મીડિયામાં અવાર-નવાર કોઈ ને કોઈ આવા વિડિયો વાઈરલ થતા રહે છે . જે લોક ચર્ચાનો વિષય બની જાય છે. ઘણી વખત એવા વીડિયો પણ સામે આવે છે જે લોકોના દિલને હચમચાવી નાખે છે. તાજેતરનો કેસ ઓડિશાના ઝરીગાંવ વિસ્તારના નબરંગપુર ગામની એક 70 વર્ષીય વૃદ્ધ મહિલા સૂર્યા હરિજનનો સામે આવ્યો છે. એ વૃદ્ધ મહિલાનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ખરેખર, વૃદ્ધ મહિલા (વરિષ્ઠ નાગરિક) પોતાનું પેન્શન લેવા માટે ખુરશીનો સહારો લઈને બેંક જઈ રહી છે. આ પ્રકારનો દાવો વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે.

મીડિયાના સૂત્રો અનુસાર, ઓડિશાના નબરંગપુરની એક 70 વર્ષીય મહિલા બેંકમાંથી પેન્શન મેળવવા માટે ખુરશીની મદદથી ઉઘાડપગે કેટલાય કિલોમીટર ચાલીને જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ આ વૃદ્ધ મહિલાની ખુરશી તૂટી ગઈ છે. ધોમધખતો તાપ પડી રહ્યો છે. તેમાં પણ તે ખુલ્લા પગે ચાલતી જોઈ શકાય છે. ઘટના 17 એપ્રિલની બતાવવામાં આવે છે.

હાલમાં જોવામાં આવે તો દેશભરમાં આકરી ગરમી પડી રહી છે. આ તાપમાં માણસો અને પ્રાણીઓ બધા જ આવી આકરી ગરમીથી પરેશાન છે. પરંતુ આવા સમયે કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના વૃદ્ધ મહિલા કેટલાય કિલોમીટર સુધી ખુલ્લા પગે ચાલીને બેંક સુધી પહોંચે છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. આવી સ્થિતિમાં ખુલ્લા પગે ચાલવું કેટલું મુશ્કેલ હશે, તેનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે.

સૂર્યા હરિજન, એક વૃદ્ધ મહિલા, ખૂબ ગરીબ છે. તેનો મોટો પુત્ર અન્ય રાજ્યમાં પરપ્રાંતિય મજૂર તરીકે કામ કરે છે. તે તેના નાના પુત્રના પરિવાર સાથે રહે છે. તે અન્ય લોકોના ઢોર ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવાર પાસે ખેતી કરવા માટે જમીન નથી અને ઝૂંપડામાં રહે છે. મહિલા પેન્શન લેવા માટે બેંકમાં ગઈ હતી, પરંતુ તેને કહેવામાં આવ્યું હતું કે, તેના અંગૂઠાની છાપ રેકોર્ડ સાથે મેળ ખાતી નથી, અને તેને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી.

એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ ગુરુવારે નાણામંત્રી નિર્મલ સીતારમણની નજર પડી, જેમાં મહિલાને ઓડિશાના નબરંગપુરમાં પેન્શનના પૈસા લેવા જતી વખતે આકરી ગરમી અને તડકામાં કેટલાય કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલતી બતાવવામાં આવી છે. સીતારમને આ અંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ઝાટકણી કાઢી અને પૂછ્યું કે શું ત્યાં કોઈ બેંક મિત્ર નથી?

SBIએ નાણામંત્રીના ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યું કે, તેઓ પણ આ વીડિયો જોઈને એટલા જ દુઃખી થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આવતા મહિનાથી પેન્શન તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે.

આ ઘટના પર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજરે દાવો કર્યો છે કે તેમની 'તૂટેલી આંગળીઓ' ને કારણે તેમને પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બેંક સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે.

SBIની ઝરીગાંવ શાખાના મેનેજરે કહ્યું કે, તેની આંગળીઓ તૂટી ગઈ છે. જેના કારણે તેમને પૈસા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. બેંકે મહિલાને મેન્યુઅલી 3,000 રૂપિયા આપ્યા છે. બેંક ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવશે.

બેંક મેનેજરે કહ્યું કે, હવે સૂર્યાને આવી રીતે બેંકમાં આવવાની જરૂર નહીં પડે. આ માટે બેંક કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે, જેથી સૂર્યાને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બીજી તરફ ગામના સરપંચનું કહેવું છે કે, આવા લાચાર લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમને ઘરે બેઠા પેન્શન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp