રાતના અંધારામાં એક સાથે 61 વિદ્યાર્થિનીઓ શાળામાંથી ભાગી, કારણ જાણી થશે આશ્ચર્ય

PC: aajtak.in

ઝારખંડમાં, પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની ખુંટપાની કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલની 61 વિદ્યાર્થીનીઓ મોડી રાત્રે 1 વાગ્યે સ્કૂલમાંથી ભાગી ગઈ હતી. વિદ્યાર્થિનીઓ ત્યાંથી ભાગીને 17 કિલોમીટર દૂર આવેલી DC ઓફિસ પહોંચી હતી. તેમનો આરોપ છે કે, તેમને કસ્તુરબા સ્કૂલમાં સરકારી નિયમો હેઠળ સુવિધાઓ આપવામાં આવી રહી નથી. તેમને વાસી ખોરાક પીરસવામાં આવે છે અને તે પણ ખુબ જ ઓછો. વર્ગ દરમિયાન શૌચાલય સાફ કરાવવામાં આવે છે. દરેક વસ્તુ માટે તેઓએ જાતે પોતાની વ્યવસ્થા કરવી પડતી હોય છે.

વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે, તેમને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ હેરાન કરવામાં આવે છે. તેમને કોઈપણ કારણ વગર દંડ ફટકારવામાં આવે છે. સુવિધાઓના અભાવ અને હેરાનગતિથી વ્યથિત થઈને  તેઓએ DCને ફરિયાદ કરવાનું વિચાર્યું અને રાત્રિના અંધારામાં શાળામાંથી ભાગી જવાની ફરજ પડી. સ્કૂલ મેનેજમેન્ટ અને વોર્ડન સામે વિદ્યાર્થીનીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. જે રીતે વિદ્યાર્થીનીઓ મોડી રાત્રે શાળામાંથી ભાગીને પોતાનો ગુસ્સો વ્યકત કરી રહી છે, તે જોઈને સ્પષ્ટ થાય છે કે મામલો ઘણો ગંભીર છે.

સૌથી મોટી વાત એ છે કે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ રાત્રે જ સ્કૂલમાંથી ભાગી ગઈ હતી અને સ્કૂલ મેનેજમેન્ટને તેના વિશે કોઈ જાણ પણ નહોતી થઇ. હવે સવાલો ઉઠી રહ્યા છે કે, જો આ યુવતીઓ સાથે રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોતે તો તેના માટે જવાબદાર કોણ?

બીજી તરફ DC ઓફિસ ફરિયાદ કરવા પહોંચેલી વિદ્યાર્થિનીઓની માહિતી મળતા જિલ્લાના શિક્ષણ અધિક્ષક અભય કુમાર DC ઓફિસ પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ અને ફરિયાદો સાંભળી.

જિલ્લા શિક્ષણ અધિક્ષકે કહ્યું કે, શાળા પ્રબંધન પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. જો છોકરીઓની છેડતી કરવામાં આવી હોય અને તેમને સરકારી નિયમો મુજબ સુવિધાઓ આપવામાં આવી ન હોય, તો સ્કૂલ મેનેજમેન્ટના પદાધિકારીઓ અને વોર્ડન સામે કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે, કોંગ્રેસના સાંસદ ગીતા કોડાના પ્રતિનિધિ પણ ઘટનાના સમાચાર સાંભળીને ત્યાં પહોંચ્યા. તેમણે કહ્યું કે, મામલો ગંભીર છે અને DCએ તેની નોંધ લેવી જોઈએ. સાંસદ ગીતા કોડાએ આ મામલે DC સાથે વાત કરી છે અને જવાબદારો સામે પગલાં લેવા જણાવ્યું છે. બીજી તરફ ખુંટપાની બ્લોક ચીફ સિદ્ધાર્થ હોનહાગાએ કહ્યું છે કે, શાળામાં છોકરીઓને કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી, જ્યારે છોકરીઓ આ અંગે ફરિયાદ કરતી હતી, ત્યારે આ છોકરીઓને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા દબાવવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp